વિદેશ જવા માટેના પ્લાન પર પાણી ફેરવી દીઘુ આ ઓફિસે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાં નવ માસથી હજારો લોકો પાસપોર્ટ વિના અટવાઈ રહ્યાં છે. જે કેસમાં પોલીસ વેરિફીકેશન પતી ગયું છે તેવા લોકોને ફરીથી પાસપોર્ટ માટે નવી અરજી કરવા મજબૂર કરાતાં પાસપોર્ટ કચેરીની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયાં છે. એજન્ટ વિના તો અહીં કામ જ નથી થતાં. ટાટા કમ્પ્યૂટર સર્વિ‌સીસ્ને કામ સોંપ્યા પહેલાંના ઢગલાબંધ પાસપોર્ટનો નિકાલ હાલ કચેરી માટે માથાનો દુ:ખાવો બની ચૂક્યો છે. સુરત પાસપોર્ટ કચેરીના તમામ કામગીરી હાલમાં ખાનગી એજન્સી ટાટા કમ્પ્યૂટર સર્વિ‌સસને સોંપવામાં આવી છે તેઓએ નવ માસ પહેલા ઉધના દરવાજા ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત કરી. આ શરૂઆત કરતાં અગાઉ અંદાજે નવ હજાર જેટલા પાસપોર્ટ કચેરીમાં જમા હતાં તે પૈકી હજારો પાસપોર્ટનો નિકાલ આજ દિન સુધી કરાયો નથી જેના કારણે સંખ્યાબંધ લોકો પાસપોર્ટ કચેરીના આંટાફેરા મારી રહ્યાં છે. પાસપોર્ટ અધિકારીઓની આ તુમાખી ને કારણે સંખ્યાબંધ લોકોએ પાસપોર્ટ બનાવવા માટેની ફ્રેશ પ્રોસેસ ફરીથી કરવાની પરિસ્થિતિ સર્જા‍ઈ છે. અત્યારે લોકો પાસે સમય હોતો નથી તેમાં ફરીથી પાસપોર્ટ માટેની આખી પ્રોસેસ કરવાની આવતા લોકોમાં રોષ પ્રવર્તી‍ રહ્યો છે. કેમકે પાસપોર્ટ કઢાવવા સીધા આવો તો તો કામ થતું જ નથી ને એજન્ટને ફરીથી પૈસા ખવડાવવાનું હવે પ્રજાને પોસાતું નથી. શહેરના એમ.ડી. ડો. વિપુલ શાહને પાસપોર્ટ કચેરીના ધક્કાનો કડવો અનુભવ ૧ શહેરમાં મજૂરા ગેટ ખાતે કિલનિક ધરાવતા જાણીતા તબીબ ડો. વિપુલ શાહે જણાવ્યું હતું કે પાસપોર્ટ અધિકારીઓએ તેમને પણ ધક્કે ચઢાવી દીધા હતાં. તેમણે જણાવ્યું કે મેં ઘરનું નામ-સરનામું બદલવા માટે અરજી કરી હતી. તેમાં એપોઇન્ટમેન્ટ ન મળતાં નાછૂટકે ધક્કા ખાવાની પરિસ્થિતિ સર્જાઇ હતી. બાદમાં વિદેશ મંત્રાલયના તમામ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ મને વળતો ઇ-મેઇલ મળ્યો હતો કે તેઓ સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરે. આ ફરિયાદ બાદ તેમનો પાસપોર્ટ તો તુરંત નીકળી ગયો પરંતુ પાસપોર્ટ કઢાવતી વખતે પત્ની સાથે પણ અણછાજતો વર્તાવ કરાયો હતો. સ્થાનિક પાસપોર્ટ અધિકારીઓએ અમને અત્યંત બેહુદા પ્રશ્નો પૂછયા હતાં. હું ચાર મહિ‌નાથી દીકરા માટે કચેરીનાં ચક્કર મારી રહ્યો છું ૨ પાસપોર્ટ કચેરીના અધિકારીઓની આડોડાઇનો પુરાવો દિવ્ય ભાસ્કરને મળ્યો છે. તેમાં અતુલ મોદી નામના વ્યકિતને અધિકારીઓનો અત્યંત કડવા અનુભવ થયો છે. તેમણે જણાવ્યું કે મારા દીકરા ચિન્મયની ઉંમર ૧પ વર્ષ છે. હું જયારે પાસપોર્ટ કાઢવા ગયો ત્યારે એવું કહેવાયું કે પોલીસ ઇન્કવાયરીની કોઇ જરૂર નથી. મેં મારા સ્થાનિક રહેણાંકનું સરનામું પાસપોર્ટમાં લખાવ્યું હતું. મારો દીકરો સુરત બહાર અભ્યાસ માટે ગયો તો મેં તે માટે કચેરીને જાણ કરી તો મને ફરીથી પાસપોર્ટ બનાવવા જણાવાયું અને રૂ.પ,૦૦૦ની પેનલ્ટી ફટકારવાની ધમકી આપવામાં આવી. અમે પોલીસ વેરિફીકેશન રિપોર્ટ પણ સબમીટ કરી દીધો છે. આમ છતાં અમારી સાથે ગેરવ્યવહાર થયો. અધિકારીઓ દ્વારા જે સુચના અપાઈ હતી તે રીતે પાસપોર્ટમાં વિગત રજૂ કરવા છતાં અમને હેરાન કરવામાં આવી રહ્યાં છે. આ મામલે રાઇટ ટુ ઇન્ફર્મેશન અન્વયે ઉચ્ચ સત્તાધીશો પાસે જવાબ માગવામાં આવ્યાં છે. પાસપોર્ટ અધિકારીઓ લોકો સાથે કરી રહ્યાં છે , અપમાનિત વ્યવહાર પાસપોર્ટ અધિકારીઓ કચેરીમાં આવતાં લોકો સાથે અપમાનિત વ્યવહાર કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. તેમાં ટેકનીકલ ગૂંચ ન સમજતા તથા જે લોકોનું કોઇ પણ ડોક્યુમેન્ટસ જમા કરાવવાનું બાકી રહી ગયું હોય તેવા લોકો સાથે પાસપોર્ટ અધિકારીઓ અયોગ્ય વર્તન કરતાં હોવાની સંખ્યાબંધ ફરિયાદો ડીબી ગોલ્ડને મળી રહી છે, લોકો મેઇલ પણ કરી રહ્યાં છે. શહેરની પાસપોર્ટ કચેરીમાં કેવી રીતે અટવાઈ ગયા, હજારો લોકોના પાસપોર્ટ... પાસપોર્ટ કચેરીમાં હજાર કરતાં વધારે લોકોએ ફરીથી પાસપોર્ટ માટે અરજી કરવાની નોબત આવી છે. તેમાં અંદાજે ગત નવેમ્બર-૨૦૧૧માં ટાટા સર્વિ‌સસ સેન્ટરને પાસપોર્ટ બનાવવાનો ઇજારો સોંપાયો તે વખતે અંદાજે નવ હજાર થી દસ હજાર જેટલા પાસપોર્ટ કચેરીમાં જમા હતાં. આ તમામ પાસપોર્ટધારકો અટવાઈ ગયા છે. હવે આ તમામ લોકોને નવેસરથી પાસપોર્ટ માટે અરજી કરવાનું જણાવાય છે. તેમાં નવાઇની વાત તો એ છે કે મોટા ભાગના પાસપોર્ટ ધારકોની પોલીસ ઇન્કવાયરી પૂર્ણ થઇ ચૂકી છે. ત્યારબાદ ફરીથી પાસપોર્ટ માટે અરજી કરવાનું તેમને અધિકારીઓ જણાવી રહ્યાં છે. આમ સુરત પાસપોર્ટ અધિકારીઓની અણઆવડતને કારણે હજારો લોકોને વગર કારણે પરેશાન થવાની પરિસ્થિતિ સર્જાઇ છે. વલસાડ અને વ્યારા જિલ્લાની કામગીરી હાલ ટીએસએસને નહીં સોંપાય આઠ જિલ્લા પૈકી વલસાડ અને વ્યારા જિલ્લાની કામગીરી સુરત ટીસીએસને સોંપવામાં આવનાર હતી. તે કામગીરી હાલમાં અટકાવી દેવાઇ છે. તેમાં વ્યારા અને વલસાડમાં ડોક્યુમેન્ટની ચકાસણી સ્થાનિક ડીએસપી કચેરી દ્વારા હાલમાં કરાય છે. આ કામગીરી ટીસીએસનો સોંપવામાં આવનાર હતી પરંતુ હાલમાં હજારો લોકોના પાસપોર્ટ અટવાઈ ગયા હોવાથી આ કામગીરી ટીસીએસને ન સોંપવા અમદાવાદ પાસપોર્ટ અધિકારીઓ દ્વારા આદેશ અપાયા હોવાની વિગત જાણવા મળી છે. જેના પગલે આ બંને જિલ્લાની કામગીરી હાલ સુરતમાં નહીં થાય. ૧,૦૦૦ પાસપોર્ટનો નિકાલ બાકી છે શું પાંચ હજાર કરતાં વધારે લોકોના પાસપોર્ટ અટવાઈ ગયા છે? આ સંખ્યા આટલી મોટી નથી, એક હજાર જેટલા જૂના પાસપોર્ટ હોઇ શકે છે. તેનો અમે નિકાલ કરી દઇશું. તમે આ લોકોને ટાટા પાસપોર્ટ કેન્દ્રમાં જવા માટે દબાણ કરી રહ્યાં છો? ના, આ વાત ખોટી છે, અમે તમામ લોકોને યોગ્ય પ્રતિસાદ આપી રહ્યાં છે. તમારા અધિકારીઓ લોકો સાથે ઉદ્ધત વર્તાવ કરે છે, તમે કોઇ કાર્યવાહી કરી છે? આવા અધિકારી કે કર્મચારીને અમે પબ્લિક ડિલિંગમાંથી હટાવી દઇએ છીએ. પ્રતિદિન ૪પ૦ પાસપોર્ટ રિલિઝ કરવા સૂચના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ અમદાવાદ પાસપોર્ટ કચેરીના અધિકારીઓએ ટાટા સર્વિ‌સ સેન્ટરને તેની પાસપોર્ટ રિલિઝ કરવા માટેની ક્ષમતા વધારીને પ૦૦ સુધી કરવા માટે આદેશ અપાયો છે. હાલમાં પ્રતિદિન ૩૦૦ જેટલા પાસપોર્ટ લોકોને અપાઇ રહ્યાં છે. તા.૧ લી ઓકટોબરથી આ ક્ષમતા વધારીને ૪પ૦ સુધી કરવામાં આવશે.પાસપોર્ટ સેવા કેન્દ્રના મુખ્ય અધિકારી ડી.બી. મહાજને આ વિગત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આવનારા થોડા દિવસમાં પ્રતિદિન પ૦૦ જેટલા પાસપોર્ટ લોકો સુધી પહોંચતા કરાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આઠ જિલ્લા સુરત પાસપોર્ટ કચેરીમાં આવતા હોવાને કારણે કચેરીની કામગીરી ઓવર બર્ડન હોવાને લીધે પણ લોકોને તકલીફ પડતી હોવાની વાત મહાજને જણાવી હતી. ઓફિસના આંતરિક સૂત્રો કહે છે પ,૦૦૦ પાસપોર્ટ અટક્યા છે પાસપોર્ટ ઓફિસ, સુરતના એક્ટિવ પાસપોર્ટ ઓફિસર એ ડીબી ગોલ્ડ સાથેની સીધી વાતચીતમાં એટલું તો કબુલ્યું કે હજી ૧,૦૦૦ જેટલાં પાસપોર્ટ કચેરી રિલીઝ કરી શકી નથી. આ તો સત્તાવાર આંકડો છે. તેથી બિન સત્તાવાર રીતે આ આંક કેટલો છે તે જાણવા ડી બી ગોલ્ડે પ્રયાસ કર્યો. પાસપોર્ટ કચેરીના જ અંતગર્ત સૂત્રોમાંથી ડી બી ગોલ્ડને જે માહિ‌તી મળી તે ચોંકાવનારી છે. કેમકે આ કચેરીમાં અંદાજે પ,૦૦૦ જેટલા લોકોના પાસપોર્ટ અટકી પડયાં છે. નવ મહિ‌નાથી કચેરીમાં આ સ્થિતિ છે જેના કારણે પાસપોર્ટ મેળવવા હજારો લોકોને ધરમધક્કાં થઈ રહ્યાં છે. એટલું જ નહિ‌ અમૂક જેન્યુઅન કેસોમાં પણ લોકોને રીતસર હેરાન કરવામાં આવી રહ્યાં છે. દરેક કચેરીમાં કાયમ કામનું ભારણ અને સ્ટાફ ઓછો હોવાની સમસ્યા રહે છે અને તેનો સૌથી વધુ ભોગ સામાન્ય જનતાએ બનવું પડે છે. પણ અહીં તો કહેવાય છે કે ઉપરની મલાઈ ન મળે તો કામ નથી થતાં.