રિક્ષામાં બેઠેલા સોનીની બેગમાંથી ૩.પ૨ લાખના રોકડા-દાગીના ચોરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેસેન્જરના સ્વાંગ યુવાનો અને રિક્ષાચાલકે ભેગા મળીને રૂપિયા કાઢી લીધા

વડોદરામાં રહેતા એક સોનીને સ્ટેશન પર રિક્ષા બેઠેલી ચોર ટોળકીનો ભેટો થઈ ગયો હતો. સ્ટેશનથી ભાગળ સુધીના રસ્તામાં નજર ચૂકવીને પેસેન્જના સ્વાંગ બેઠેલો બે ઇસમોએ રોકડા રૂ. ૧.પ૦ લાખ અને દાગીના મળી રૂ. ૩.પ૨ લાખની મતા ચોરી કરી હતી.મહિ‌ધરપુરા પોલીસના જણાવ્યા અનુસાર, રૂપેશભાઈ સુરેશભાઈ સોની (રહે. ૭૮, અંબાલાલ પાર્ક, કારેલીબાગ, વડોદરા) નામનો યુવાન સોનાના દાગીના એક શહેરથી બીજા શહેરમાં લઈ જવાનું કામ કરે છે. તા. ૨૨મી મેના સાંજે રૂપેશભાઈ વડોદરા બસ સ્ટેશનથી બસમાં બેસી સુરત આવ્યા હતા.

ત્યારબાદ તેઓ રિક્ષામાં બેસી અડાજણમાં રહેતા માતાપિતાને મળવા માટે નીકળ્યા હતા. આ સમયે રિક્ષામાં પહેલેથી જ બે ઇસમો પેસેન્જરના સ્વાંગમાં બેઠા હતા. દરમિયાન બે ઇસમોએ રૂપેશભાઈને નજર ચૂકવવાની કોશિશ કરી અને પછી બેગમાંથી રોકડા રૂપિયા તથા અલગ અલગ સોનાના દાગીના ચોરી લીધા હતા. ભાગળ ચાર રસ્તા આવતા જ ચાલકે રિક્ષાને જમણી તરફ વાળી દીધી હતી.

રૂપેશભાઈએ વિરોધ કરતા તેમને ભાડાના રૂપિયા લીધા વિના જ ઉતારી દેવાયા અને રિક્ષાચાલકે ઢોંગ કરી માફી માગી કહ્યું કે, ભાઈ હું સમજ્યો કે તમે આ દિશામાં જવાના છો, એટલે બેસાડી લીધા હતા. રૂપેશભાઈ બીજી રીક્ષામાં બેસી ઘરે પહોંચ્યા અને બેગ ચેક કરી ત્યારે ચોરીની આ ઘટનાની તેમને ખબર પડી હતી. તેમણે મહિ‌ધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અજાણી ચોર ટોળકી સામે ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ એસ. જી. હળવદિયા કરી રહ્યા છે.