જૈન મુનિના ફરી ઉપવાસ, તંત્ર થયું દોડતું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગેરકાયદે કતલખાનાંઓના મુદ્દે ફરી ઉપવાસ પર ઉતરેલા મુનિ મૈત્રીપ્રભાસાગરજીએ જોકે સાંજે સમજાવટ પછી ગલેમંડી ખાતેના મંદિરે જતા રહ્યા - હવે પછી નવી રણનીતિ તૈયાર કરી જીવ હત્યા સામે ઉપવાસ પર બેસવા મક્કમ, જીવ દયા પ્રેમીઓનો પ્રચંડ ટેકો જૈન મુનિ મૈત્રીપ્રભાસાગરજી એ શહેરના ગેરકાયદે કતલાખાનાઓમાં થતી જીવ હત્યા સામે પાંચ દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરીને પાંચ દિવસના ઉપવાસ કર્યા હતા. જૈન મુનિની માંગણીઓનો સ્વીકાર થતા તેમણે પારણા કર્યા હતા પરંતુ આ ખાત્રીઓ માત્ર કાગળ પર જ હોવાનું લાગતા જૈન મુનિ મૈત્રીપ્રભાસાગર મંગળવારે સવારે કલેક્ટરાલય પર પહોંચી ગયા હતા અને ફરી વખત આમરણાંત ઉપવાસ પર ઉતરી જતા તંત્ર દોડતું થઇ ગયું હતું. જો કે સમજાવટ બાદ જૈન મુનિ સાંજે ગલેમંડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં ગયા હતા અને આગામી દિવસોમાં ચોક્કસ રણનીતિ નક્કી કરીને ફરી ઉપવાસ પર બેસનારા હોવાનું તેમના નજીકના વર્તુળોએ જણાવ્યું હતું. મે માસના અંતિમ સપ્તાહમાં ગેરકાયદેસર કતલખાના બંધ કરવાથી માંડીને જીવ હત્યા બંધ કરવાની માગણી સાથે અન્નજળનો ત્યાગ કરનાર જૈન મુનિ મૈત્રીપ્રભાસાગરજીને મેયર રાજેન્દ્ર દેસાઇએ પારણા કરાવ્યા હતા. તેમજ એવી ખાતરી આપી હતી કે, શહેર અને જિલ્લામાં ધાર્મિક સ્થળોથી ૨૫૦ મીટર સુધીના અંતરે આવેલી ઇંડા કે મટન મચ્છીની દુકાનો ચલાવવા દેવાશે નહીં. શહેર જિલ્લામાં એક પણ ગેરકાયદેસર કતલખાનું ચલાવવા દેવામાં નહી આવે. નવા કતલખાનાને મંજુરી અપાશે નહીં અને ગેરકાયદેસર કતલખાના ઝડપાય તો તેની સામે સખત કાર્યવાહી કરીને તેને બંધ કરાવી દેવામાં આવશે. આ તમામ ખાતરીઓ પછી તે પૈકી એક પણ ખાતરી અંગે કોઇ કાર્યવાહી થયાનું ન જણાતા જૈન મુનિ મૈત્રીપ્રભાસાગરજી સવારે દસ વાગ્યાના સુમારે કલેક્ટર કચેરીની સામે ફરી વખત ઉપવાસ પર બેસી ગયા હતા. જૈન મુનિ ફરી વખત ઉપવાસ પર બેઠાનું ધ્યાન પર આવતા તંત્ર હરક્તમાં આવ્યું હતું અને મોડી સાંજ સુધી તેમને મનાવવા માટેના પ્રયાસો થયા હતા. આખરે સાંજે પાંચ વાગ્યાના સુમારે જૈન મુનિ ગલેમંડી ખાતે આવેલા ધંટાકર્ણ મહાવીર મંદિર ખાતે ગયા હતા. યુનિવર્સિટીમાં જૈનોને લધુમતીમાં ગણાતા વિવાદ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના ફોર્મમાં જૈન સમાજને અન્ય લઘુમતીઓ સાથે મૂકી દેવાતા સમાજના એક વર્ગ દ્વારા વિરોધ નોંધાવાયો છે. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના સમર્થન સાથે રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસ દ્વારા મંગળવારે કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ભૂલ સુધારી નહીં લેવાય તો આંદોલનની ચીમકી અપાઇ છે. જોકે, યુનિ. સત્તાધીશો કહે છે કે આ માત્ર ડેટા કલેક્શન માટે કરાયું છે, જે વસ્તી ગણતરી વખતે પણ કરાયું હતું. સલાબતપુરામાં બે સ્થળેથી માંસનો જથ્થો ઝડપાયો : સલાબતપુરા વિસ્તારમાં આવેલા અકબર સઇદના ટેકરા નજીક બે અલગ અલગ સ્થળોએથી પોલીસે ૧૧ કિલો માંસનો જથ્થો કબજે લીધો હતો. પોલીસને શંકા છે કે આ માંસ ગૌવંશનું હોઈ શકે છે. આથી માંસના નમૂના એફએસએલમાં તપાસ અર્થે મોકલી અપાયા છે. પીએસઆઈ કે. એસ. પટેલ અને તેના સ્ટાફે મંગળવારે સવારે ૧૦.૧૫ વાગ્યે અકબર સઇદના ટેકરા નજીક દરોડો પાડ્યો હતો. આ સ્થળે એક અજાણ્યો ઇસમ માંસના જથ્થા સાથે વેચાણના ઇરાદે બેઠો હતો. પોલીસને જોતાં જ આ ઇસમ ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ સ્થળેથી પોલીસે ૫ કિલો માંસ, માંસના વેચાણના રૂપિયા ૩,૦૭૫ મળી કુલ રૂ. ૩,૫૫૫ની મતા કબજે લીધી હતી. પોલીસ આ વિસ્તારમાં હજુ આગળ વધી તો ૧૦.૪૫ વાગ્યે માસૂમ નામના એક ખાટકીની દુકાન પાસેથી પોલીસે ૫ કિલો માંસ કબજે લીધું હતું. આ સ્થળેથી માંસના વેચાણના રૂપિયા ૬૩૦, એક વજન કાંટો અને એક છરો પણ મળી આવ્યો હતો.