આંતરરાજ્ય વાહનચોરીની ટોળકીનો સૂત્રધાર હજી ફરાર
ચોરીના વાહનો દારૂ અને અફીણની હેરાફેરીમાં ઉપયોગ કરતા હતા
બારડોલી: ગત સપ્તાહમાં સુરત જિલ્લા એલસીબી પોલીસે એક પિસ્તોલ સાથે કામરેજ તાલુકાના સરથાણ જકાતનાકા ખાતે રાજસ્થાનના એક રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો હતો. ચોરીની ચાર કાર અને બે મોટરસાઈકલ કબજે લીધા હતાં. આ ઉપરાંત ભરૂચ એલસીબીએ પણ બે રીઢા વાહનચોરને ઝડપી પાડ્યા છે.રાજસ્થાનની વિશ્નોઈ ગેંગના સાગરીતો ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાનમાંથી વાહનચોરી કરી અફીણ તેમજ દારૂની હેરાફેરીમાં વપરાતા હોવાનું અને આ ટોળકીનો મૂૂખ્યસૂત્રધાર હજી ફરાર છે.
સુરત જિલ્લા એલસીબીએ કામરેજ તાલુકાના સરથાણા જકાતનાકા પાસે કડોદરા નજીકથી એક કારમાંથી દેશી પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે મૂળ રાજસ્થાનના માંગીલાલ ઉર્ફે ટકલો લખારામ વિશ્નોઈને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન જ ફેરવ્હીલ અને બે મોટરસાઈકલ મળી 6 વાહન પોલીસે કબજે લીધા હતાં.આ ઉપરાંત છ સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી ચોરીની ગાડી અટકાવવાનો પ્રયાસ કરતાં પોલીસે ટક્કર મારી આરોપી ભાગી છૂટ્યા હતાં. આ કેસમાં ભરૂચ એલસીબીની ટીમના પીઆઈ વી. આર. મલહોત્રાની આગેવાનીમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગાંધવ ખાતે ગઈ હતી. ત્યાં પોલીસ ઉપર ગુનેગારોએ હુમલો કર્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે દિનેશ રાણારામ વિશ્નોઈ તથા ભારમલરામ ઉર્ફે ભાવેશ ભગવાન રામ વિશ્નોઈને ઝડપી પાડ્યા હતાં. બંને જગ્યાએ પકડાયેલી ટોળકીની પૂછપરછમાં આંતર રાજ્ય વાહન ચોરીનું મોટું નેટવર્ક બહાર આવ્યું છે. ચોરીના વાહનોમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી અને રાજસ્થાનમાં અફીણની હેરાફેરી થતી હતી.આ ટોળકીનો મુખ્યસૂત્રધાર અનિલ વિશ્નોઈ છે, જેને પકડવા માટે સુરત જિલ્લા તેમજ ભરૂચ જિલ્લા એલસીબીની ટીમ પ્રયત્ન કરી રહી છે. મુંબઈ ગુજરાત અને રાજસ્થાનમાંથી 200થી વધુ વાહનોની ચોરીનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
આ રીતે ભેગી થઈ ટોળકી
આંતર રાજ્ય વાહન ચોરીનો મુખ્ય સૂત્રધાર અનિલ વિશ્નોઈ છે. રાજસ્થાનની જોધપુર જેલમાં હતો ત્યારે માંગીલાલ વિશ્નોઈ અને દેવીલાલ વિશ્નોઈ જોધપુર જેલમાં હતાં. ત્રણે ભેગા થયા હતાં. ત્યારબાદ એક પછી એક ત્રણ વ્યક્તિ જેલની બહાર આવ્યા હતાં. માંગીલાલ પેરોલ જમ્પ કરીને રાજસ્થાનથી ભાગીને ગુજરાત આવીને વિદેશી દારૂનો ધંધો શરૂ કર્યો હતો.
બાડમેર પોલીસનો પૂરતો સહકાર મળતો નથી
ભરૂચ એલસીબી ઉપર રાજસ્થાનમાં વાહનચોર ટોળકીએ હુમલો કર્યો હતો. પોલીસે પકડેલા માંગીલાલ પાસે પણ હથિયાર મળ્યું હતું. આ ટોળકી પોલીસ ઉપર હમલો કરતા પણ ખચકાતી નથી. ગુજરાત પોલીસ રાજસ્થાનમાં જાય છે. ત્યારે રાજસ્થાનમાં પણ બાડમેર જિલ્લામાં પોલીસને પૂરતો સહકાર મળતો નથી.
ભરૂચ અને સુરત જિલ્લા એલસીબીનું ઓપરેશન
વાહન ચોરતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર અનિલને પકડવા માટે સુરત જિલ્લા એલસીબી પોલીસ 22 સભ્યો રાજસ્થાનના બાડમેર ખાતે ગયા હતાં. પરંતુ ટોળકીનો સૂત્રધાર અનિલ પોલીસના હાથે આવ્યો ન હતો. હવે ભરૂચ અને સુરત એલસીબી અનિલને પકડવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.+
ચોરીની ગાડીમાં અફીણની પણ હેરાફેરીવાહનચોર ટોળકીમાં અનિલ અને દેવીલાલ રાજસ્થાનથી આવીને માંગીલાલ સાથે ભેગા મળી વાહનચોરી કરી જતાં હતાં. ગુજરાતના વાહનો રાજસ્થાનમાં અફીણની હેરાફેરીમાં વપરાતા હતાં. જ્યારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી ચોરી ગાડી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીમાં વપરાતી હોવાનું બહાર આવ્યું હતું. ત્રણ માસ અગાઉ એકી સાથે પલસાણા અને કડોદરા પોલીસ સ્ટેશનમાં બે વિદેશી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપાઈ હતી. જેમાં પણ વિશ્નોઈ ગેંગની સંડોવણી બહાર આવી હતી. આ ટોળકીએ જ મુંબઈની બંને કારની ચોરી કરી હતી.