જ્વેલરી પાર્કને આઇટીએ ૩૦ કરોડ ભરવા નોટીસ ફટકારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક


પાર્કમાં જમીનના ભાવ વધવાને કારણે પાર્કમાં નફો વધ્યો હોવાની ધારણાએ ઇન્કમ ટેક્સ વિભાગે નોટીસ આપી

શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં ૧૦ લાખ સ્કવેર મીટર વિસ્તારમાં બની રહેલાં જેમ એન્ડ જ્વેલરી પાર્ક માટે બનેલી ગુજરાત હીરા બુર્સને સુરત ઇન્કમ ટેક્સ ડર્પિ‌ાટમેન્ટે રૂપિયા ૩૦ કરોડની નોટીસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.જો કે ગુજરાત હીરાબુર્સના સંચાલકોએ કહ્યું હતુ કે આટલી મોટી રકમ પર અમારે ટેક્સ ભરવાનો થતો નથી.નિયમ મુજબ જે ટેકસ ભરવાનો થતો હશે તે ભરી દેવામાં આવશે.

ઇચ્છાપોરમાં બની રહેલા જેમ એન્ડ જ્વેલરી પાર્ક માટે બનેલી ગુજરાત હીરા બુર્સ સેક્શન ૨પ હેઠળ કંપની એક્ટમાં નોંધાયેલી છે. બુર્સનુ કામ સભ્યો પાસેથી પૈસા લઇને અને સરકારની ગ્રાન્ટમાંથી સભ્યો માટે પાર્કમાં સુવિધા ઉભી કરવાનું કામ કરે છે.જે રીતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ માટે ઔદ્યોગિક પ્રદર્શન વગેરેનું આયોજન કરે છે તેમાંથી જે નફો મળે છે તેની પર ટેક્સ ભરવો પડે કે નહીં? તેનો વિવાદ ચાલે છે એ રીતે ઇન્કમટેક્સ ડર્પિ‌ાટમેન્ટે ગુજરાત હીરા બુર્સના સ્ક્રુટીની એસેસમેન્ટ હેઠળ રૂપિયા ૩૦ કરોડની રકમ નફો ગણીને તેની પર ટેક્સ ભરવાની ડિમાન્ડ કરી છે.

ગુજરાત હીરા બુર્સના પ્રમુખ ચંદ્રકાંતભાઈ સંઘવીએ કહ્યું હતું કે આવકવેરા વિભાગ તરફથી અમને નોટીસ મળી છે એ વાત સાચી, પણ બુર્સનો ઉદ્દેશ્ય નફો કરવાનો નથી અમારે તો માત્ર સભ્યોને રોડ, રસ્તા, પાણી જેવા મુખ્ય સુવિધા ઉભી કરી આપવાનું કામ છે.અમારા ચાર્ટડ એકાઉન્ટન્ટ આ નોટીસનો અભ્યાસ કરી રહ્યા છે. અમારે ૧.પ૦ કરોડથી વધારે રકમ પર ટેક્સ ભરવાનો થતો નથી. હજુ ઇન્કમટેક્સ ડિપાર્મેન્ટને જવાબ મોકલવાનો બાકી છે.

જેમ એન્ડ જ્વેલરી પાર્કને ૯ વર્ષ થયા......

વર્ષ ૨૦૦૪માં સુરતમાં ઇચ્છાપોર ખાતે ૧૦ લાખ સ્ક્વેર મીટરમાં આ પાર્ક ઉભો કરવા શહેરના હીરા ઉદ્યોગકારોએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા હતા. કેન્દ્ર અને રાજય સરકારે ફંડ આપવાની સંમતિ આપી તે વખતે ૨૦૦૮ સુધીમાં પ્રોજેકટ પુરો કરી દેવામાં આવશે તેવી ધારણાં હતી.

ત્રણ તબક્કામાં કામ પુરું કરવાનું નક્કી કર્યું. પ્રથમ તબક્કામાં પાર્કના ઇન્ફ્રાસ્ટ્રકચર પાવર, પાણી, ગટર, કંપાઉન્ડ વોલ વગેરેનું કામ પુરુ થઈ ચુક્યું છે.બીજા તબક્કામાં કસ્ટમ હાઉસ વગેરેનું કામ પણ પુરુ થવાને આરે છે. હવે જે સભ્યોને પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે તેઓ યુનિટ ચાલુ કરે એટલે જ્વેલરી પાર્ક ધમધમતો થઈ શકે.

પાર્કમાં વિલંબ થવાનો કારણો કયા .......

૨૦૦૬માં શહેરમાં પૂર આવતા પાર્કનું કામ લંબાઈ ગયું, ૨૦૦૮માં હીરા ઉદ્યોગમાં મંદી આવતા પ્રોજેકટ પડતો મૂકવો પડે તેવી સ્થિતિ હતી. પાર્કમાં ૧૦ લાખ સ્કવેરની જગ્યામાં ૭પ ટકા જગ્યા સ્પેશિયલ ઇકોનોમી ઝોન અને ૨પટકા ડોમેસ્ટીક માટે ફાળવાઈ હતી. ત્યારે સરકારે એસએઇઝેડમાં યુનિટ નાંખનારને ટેક્સના બેનિફિટસ આપ્યા હતા.એટલે લોકો પાર્કમાં રોકાણ કરવા તૈયાર થયા પણ ૨૦૧૧માં કેન્દ્ર સરકારે એસએઇઝેડના બેનિફિટ પાછા ખેંચી લેતા કરોડોના રોકાણ અટકયા. હવે ૨પ ડોમેસ્ટીક એરિયા માટે ધસારો છે પણ જગ્યા નથી.

માત્ર ૬ યુનિટોના કામ ચાલી રહ્યા છે.....

ગુજરાત હીરા બુર્સમાં અત્યારે ૩૬પ પ્લોટ માટે ૨૨૦ સભ્યો નોંધાયેલા છે તેમાં એસએઇઝેડમાં કાર્પ ઇમ્પેક્સના જ્વેલરી યુનિટનું કામ શરૂ થઈ ચુક્યું હતુ, પણ બેનિફિટ મળતા બંધ થઈ જતા કામ હાલ બંધ થઈ ગયું છે.શ્રી હરેક્રિષ્ણ એક્સપોર્ટસ અને શ્રી રામક્રિષ્ણ એક્સપોર્ટસને મંજૂરી મળી ગઈ છે અને ટુંક સમયમાં યુનિટનું કામ શરૂ થવાનું છે.જ્યારે ડોમેસ્ટીકમાં કે.પી. સંઘવી,લેકસસ ટેકનોલોનોજી અને આકએસમ સોફટવેરના યુનિટ તૈયાર થઈ ગયા છે.