પત્નીને આત્મહત્યાની દુષ્પ્રેરણા બદલ પતિને ૭ વર્ષની કેદની સજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનામાં લગ્નના ૭ વર્ષે સંતાનો ન થતા હંસાએ આપઘાત કર્યો હતો
વર્ષ ૧૯૮૬ના આ બનાવમાં ૧૯૯૨માં કલમ ૩૦૬નો ઉમેરો કરાયા બાદ સેશન્સ કોર્ટમાં ૨૦૦૯માં કમિટ કરાયો હતો
ઉધના રેલવે ક્વાટર્સ ખાતે રહેતી પરિણીતાને લગ્ન બાદ સંતાનો ન થતા તેના પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. આ પરિણીતાએ પોતાના ઘરમાં કેરોસીન છાંટી દિવાસળી ચાંપી આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં કોર્ટે આરોપી પતિને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. વર્ષ ૧૯૮૬ની આ ઘટનામાં રેલવે કોર્ટ દ્વારા આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ ઉમેરાયા બાદ કેસ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં કાળજી ન લેવાયાની ટકોર પણ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી.
આ કેસ અંગે મળતી આધારભૂત માહિ‌તીઓ અનુસાર, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે રહેતા છનાભાઇ લલ્લુભાઇ ઢોડીયા પટેલની પુત્રી હંસાના લગ્ન રેલવે કર્મચારી શાંતિલાલ બાબુલાલ ઢોડીયા પટેલ સાથે વર્ષ ૧૯૭૯માં થયા હતા. લગ્ન બાદ સાત વર્ષ સુધી હંસાબેનને કોઇ સંતાન ન થતા શાંતિલાલ પટેલે હંસાબેનને શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આખરે વર્ષ ૧૯૮૬માં હંસાબેને પોતાના ઘરમાં કેરોસીન છાંટી દિવાસળી ચાંપીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ છનાભાઇએ પોતાના જમાઇ વિરૂધ્ધ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ચોથા (એડહોક) એડિશનલ સેશન્સ જજ ડી.એલ. પટેલે સરકારી વકીલ જયનાબેન કાપડીયાની દલીલોને ગ્રાહ્ય રાખી અને આરોપી શાંતિલાલ બાબુલાલને સાત વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. સાથો સાથ ત્રણ હજાર રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.
જે તે સમયના આ ચકચારી કેસમાં કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે, લગ્ન બાદ સ્ત્રીને સંતાન ન થાય તે કુદરતી બાબત છે અને કુદરતને આધિન છે તેમાં સ્ત્રીનો કોઇ વાંક હોઇ શકે નહીં અને આ કારણસર જ આરોપી ઉપર દયા બતાવવા જેવુ કોઇ વ્યાજબી કારણ લાગતું નથી.
વર્ષ ૧૯૮૬ના આ બનાવમાં ૧૯૯૨માં કલમ ૩૦૬નો ઉમેરો કરાયા બાદ સેશન્સ કોર્ટમાં ૨૦૦૯માં કમિટ કરાયો હતો
આ કેસમાં સેશન્સ કોર્ટે એવી નોંધ પણ કરી છે કે, પોલીસે આઇપીસી ૪૯૮ (એ) મુજબ ગુનો દાખલ કર્યો હતો. રેલ વે કોર્ટ દ્વારા આ કેસમાં ૧૯૯૨માં પૂરાવા લેવાયા હતા અને કેસ જજમેન્ટ પર મુકી દેવાયો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૦૯માં આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ ૩૦૬ ઉમેરવામાં આવી હતી અને આ કેસ સેશન્સ ટ્રાયબલ બનતા તેને સેશન્સ કોર્ટમાં કમીટ કરવાની કાળજી ન લેવાઇ હોવાનું કોર્ટને રેર્કોડ પરના પુરાવા ઉપરથી લાગી રહ્યુ છે.