સુરતમાં હેરિટેજ સ્કવેર: હવે કિલ્લાનું મેકઓવર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુરત પાલિકાની સ્થાયીએ સ્પોટ વિઝિટ કરીને ચોકબજારને હેરિટેજ સ્કવેર કરવાના બીજા ફેઝનું પ્લાનિંગ અને સરદાર બ્રિજ નીચે મેકઓવર કરવા રિપોર્ટ રચવા આદેશ કર્યો

પાલિકાએ ચોકબજાર વિસ્તારને હેરિટેજ સ્કવેર તરીકે તૈયાર કરવા માટે કામ શરૂ કર્યું છે. જોકે, આ પહેલાં ફેઝનું કામ પુરું થાય તે પહેલાં જ બીજા ફેઝનું પણ આયોજન કરી દેવા માટે સ્થાયી સમિતિએ વહીવટી તંત્રને ફરમાન કર્યુ છે. સ્થાયી સમિતિએ બુધવારે આ વિસ્તારની સ્પોટ વિઝિટ કરી હતી, ત્યારબાદ વહીવટી અધિકારીઓ સાથે ચર્ચામાં બીજા ફેઝના આયોજનની કાચી રૂપરેખાની પણ ચર્ચા કરી હતી.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજી પટેલનું કહેવું હતું કે, બુધવારે સ્થાયી સમિતિએ ચોકબજાર, અઠવાગેટ અને અડાજણ વિસ્તારનો રાઉન્ડ લીધો હતો. તેમાં ચોકબજાર વિસ્તારમાં હેરિટેજ સ્કવેરના પહેલાં ફેઝના કામની સમીક્ષા કરી હતી. આ કામ પુરું થાય ત્યાં સુધીમાં બીજા ફેઝ માટે પણ તૈયારી કરી દેવાનું વિચારાયું હતું. બીજા ફેઝમાં ઐતિહાસિક કિલ્લાને તેની જૂની શૈલીમાં પુન:સ્થાપિત કરવા ઉપરાંત કિલ્લામાં જૂની ઐતિહાસિક યાદો અને મહાપુરુષોની જીવનકથાને જીવંતશૈલીમાં પ્રદર્શિ‌ત કરવાનું વિચાર્યું છે. રિવરફ્રન્ટના કેટલાક હિ‌સ્સાને પણ આ કામમાં જોડી દેવાશે. નડતરરૂપ મકાનો, ઝૂંપડા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવા જણાવાયું છે.

- બીજા ફેઝ માટે શું વિચારાયું

સ્થાયી સમિતિના અધ્યક્ષના કહેવા પ્રમાણે ચોકબજાર વિસ્તારને હેરિટેજ સ્કવેર બનાવવાનું જે આયોજન કર્યું છે, તેના બીજા ફેઝમાં કિલ્લાને તેની જૂની બાંધકામની શૈલી પ્રમાણે ફરી જીવંત કરવાનું વિચાર્યું છે. ઉપરાંત કિલ્લામાં જ્યાં સરકારી કચેરીઓ હતી, ત્યાં શહેરના ઇતિહાસ સાથે સંકળાયેલા મહાનુભવો, શાસકોના ચિત્રો અને તેમની ગાથાઓ વર્ણવતું એક જીવંત મ્યુઝિયમ જેવું બનાવવાનું વિચાર્યું છે. કિલ્લાની ચારે તરફ ફરીને તેને નિહાળી શકાય તે રીતે વોક-વે અને ચોકબજાર તરફના ગેટ સામે હેરિટેજ ચોક બનાવવાનું વિચાર્યું છે.

- સરદાર બ્રિજના બંને છેડે મેકઓવર કરાશે

બુધવારે સ્થાયી સમિતિએ અઠવાગેટ ઉપર સરદાર બ્રિજની નીચેના વિસ્તારનો પણ રાઉન્ડ લીધો હતો. અનૈતિક ગતિવિધિઓને લીધે થતી ત્યાંની બદતર હાલતને પણ તેમણે જોઈ હતી. એટલે, તાકીદના ધોરણે ત્યાં ચિલ્ડ્રન પ્લે એરિયા, પે એન્ડ પાર્ક સહિ‌તની સુવિધાઓ ઊભી કરવાનું ફરમાન કર્યું હતું. સાથોસાથ અડાજણ છેડે પણ બ્રિજની નીચે જે આયોજન કર્યું છે, તેને ઝડપથી સાકાર કરવાનું વહીવટી તંત્રને કહેવાયું હતું.