• Gujarati News
  • Government Is Not Ready For Giving The Sub Jail To Corporation

સબજેલ કોર્પોરેશનને ફાળવવામાં સરકારના ઠાગાઠૈયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાજપોર ખાતે સબજેલ ખસેડયાને સવા વર્ષ વિતી ગયું છે. રિંગરોડ ઉપરની સબજેલ ખાલી થઈ ચૂકી છે. પરંતુ આ જેલની જમીન પાલિકાને આપવાના મુદ્દે રાજ્ય સરકાર અનિર્ણાયકતાની કેદી બની ચૂકી છે. રાજ્ય સરકાર અડધી જમીન આપવા માટે મૌખિક રીતે તૈયાર થઈ હોવાનું પાલિકાના શાસકોનું કહેવું છે. જોકે, રાજ્ય સરકાર આ મુદ્દે મગનું નામ મરી પાડતી નથી. રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયનું કહેવું છે,'આ મુદ્દો હજુ હાથ ઉપર નહીં લેવાયો નથી’

સુરત પાલિકાની મુખ્ય કચેરીને રિંગરોડ ઉપર સબજેલવાળી જગ્યા ઉપર ખસેડવાનો મુદ્દો ટલ્લે ચઢયો છે. લોકોએ મુગલીસરા જેવા ગીચ વિસ્તારની અંદર સતત ચક્કાજામનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની મુખ્ય કચેરી મુગલસરાઈને માટે પહેલીવાર કાગળ ઉપર શ્રીગણેશ કરી દીધાં છે. આ દિશામાં આગળ વધવા માટે સ્થાયી સમિતિમાં હાલમાં જ સૈદ્ધાંતિક નિર્ણય લઈ લેવાયો છે. જોકે, વર્ષોથી પાલિકાની જે સબજેલવાળી જમીન ઉપર નજર છે, તેને મેળવવા માટેનું હજુ ઠેકાણું પડયું નથી.

સબજેલ ખાલી કર્યાને પૂરા પંદર મહિ‌ના થયાં

સુરત જિલ્લા જેલને લાજપોર ખાતે ગત ૨૭મી ફેબ્રુઆરી ૨૦૧૨ના દિવસે ખસેડાઈ હતી. આ ઘટનાને સોમવારે પૂરા પંદર મહિ‌ના થયાં હતાં. ત્યારથી રિંગરોડ ઉપરની જૂની સબજેલ ધૂળ ખાઈ રહી છે. છતાં આ જમીનનું શું કરવું તે અંગે રાજ્ય સરકાર કોઈ નિર્ણય નથી લઈ શકી. એતોઠીક આ મુદ્દો હાથ ઉપર સુદ્ધાં નથી લેવાયો.

મુગલસરાઈમાં ઉચ્ચ અધિકારીઓને ઓફિસના પણ ફાંફા

સુધરાઈની સ્થાપનાથી પાલિકાની મુખ્ય કચેરી હાલમાં ઐતિહાસિક એવી મુગલસરાઈમાં ચાલી રહી છે. હવે શહેરનું ક્ષેત્રફળ, વસતિ અને વહીવટ અનેકગણું વધી ગયું છે. એટલે, આ મુખ્ય કચેરીમાં સ્ટાફને માટે તો ઠીક ઉચ્ચ અધિકારીઓને બેસવા માટે પણ થાંગડથિંગડ કરીને કામ ચલાવવાની નોબત છે. એટલે, નવી ઓફિસની જરૂરિયાત તો ઊભી છે જ પરંતુ સબજેલવાળી જમીન ઉપર પાલિકાની પ્રાથમિકતા છે.

પાલિકાએ ૯ વર્ષ પહેલાં સબજેલવાળી જમીનની માંગ કરી હતી

રિંગરોડની સબજેલને લાજપોર ખસેડવાનો રાજ્ય સરકારે નિર્ણય ૨૦૦૪માં લીધો હતો. ત્યારે જ પાલિકાએ સબજેલવાળી જમીન રાજ્ય સરકાર પાસે મેળવવાની માગણી મૂકી દીધી હતી. તત્કાલીન સ્થાયી અધ્યક્ષ શંકરલાલ ચેવલીએ ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલ્યો હતો. જોકે, ત્યારપછી કાગળ ઉપર કોઈ વાતની નોંધ ઉતારાઈ નહતી. જોકે, હાલમાં જ સ્થાયી અધ્યક્ષ પદેથી વિદાય લઈ ચૂકેલા ભીમજી પટેલે ગત મહિ‌ને પાલિકાની નવી કચેરી બનાવવા માટે સૈદ્ધાંતિક નિર્ણય લેતો ઠરાવ કર્યો હતો.