આતો સુરત છે ભાઈ: અહિં જંગલમાં 'બગીચા' હોય ને બગીચામાં 'જંગલ'

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાનો પ્રિયદર્શની ઉદ્યાન ગાર્ડન છે કે જંગલ સુરત શહેરનો સૌથી પોશ ગણાતા અઠવા વિસ્તારના બગીચાઓમાં ગાર્ડનિંગનું નામનિશાન નથી ને સિવિલ વર્કના ઠેકાણા નથી. આટલું ઓછું હોય તેમ સિકયુરિટીના અભાવે આ બગીચાઓ સાંજ પડે એટલે મવાલીઓનો અડ્ડો બની જાય છે. વૈભવી ગણાતી આદર્શ સોસાયટીમાં આવેલા પ્રિયદર્શની ઇંદિરા ગાંધી ઉદ્યાન ગાર્ડન વિભાગની લાલિયાવાડીના કારણે જાણે જંગલ બની ગયો છે. ચારેકોર ગમે તેમ ઊગી નીકળેલી વનસ્પતિ અને લોન જોઇને તો એવું લાગે કે ખાડાટેકરાંવાળી જમીન પર વચ્ચે ઘાસ ઊગાડી દીધું છે. આ સ્થિતિમાં તમે આ બગીચામાં ફુલછોડની તો અપેક્ષા રાખો તો મુરખ લાગો. આમ છતાં ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ કહે છે અમે તો ગાર્ડનને મેઇન્ટેઇન રાખીએ છીએ. ઓહ, જો મેઇન્ટેઇન રખાતો ગાર્ડન આવો હોય તો જેનું મેઇન્ટેઇન્સ નહીં થતું હોય તે બગીચા કેવા હશે ? ઇન્દિરા ગાંધી ઉદ્યાનની જ વાત કરીએ તો અહીં સાંજના સમયે ભદ્ર સમાજના નાગરિકો ઉદ્યાનમાં જતા ખચકાટ અનુભવે છે કેમકે અહીં વોચમેનના અભાવે આ ઉદ્યાન ટપોરીઓનું આશ્રયસ્થાન બની ગયો છે. એક સમયે આ ઉદ્યાન આદર્શ સોસાયટી વિસ્તારના રહીશો માટે સાંજે મિત્રો સાથે ફરવાનું ઉત્તમ સ્થાન હતું. પરંતુ સારી દેખભાળના અભાવે આ ઉદ્યાનની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત આ ઉદ્યાનમાં એટલી ત્રુટીઓ છે કે ગણાય તેમ નથી. સ્થાનિક રહીશોમાં આ ઉદ્યાનની દુર્દશાને લઇને રોષ છે. કેમકે બગીચાની જે રીતે દેખભાળ થવી જોઇએ તેવી કોઈ તકેદારી મનપાના ગાર્ડન વિભાગ દ્વારા રાખવામાં આવી નથી. તો પાલિકાનો ગાર્ડન વિભાગ વર્ષે દહાડે કરોડાના બજેટનું કરે છે શું ? બાજુની ઝુપડપટ્ટીનું ગ્રહણ આ ગાર્ડન પાસેની ઝુંપડપટ્ટીના લઇને ઇન્દિરા ગાંધી ઉદ્યાનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે. આમ પણ ગાર્ડનમાં બેસવાની વ્યવસ્થા પણ ઠીક નથી. તેમાં સાંજે ચાલવાના ટ્રેક પર પણ કેટલાક તત્વો પડ્યા પાથર્યા રહેતા હોવાથી સ્થાનિકોને વોકિંગની સમસ્યા સતાવે છે. ઉદ્યાનમાં પાછળના ગેટને કારણે પણ ન્યૂસન્સ વધી જાય છે. સાંજે ઉદ્યાનના પાછળના ભાગે દારૂ પીનારાનું પણ દુષણ વધી જતું હોવાની સ્થાનિક રહીશોની ફરિયાદ છે. અહીં ગ્રુપમાં આવતી મહિલાઓ કે યુવતીઓને આ દુષણને કારણે થોડો ભય રહે છે અને તેઓ મુકતમને આ બગીચામાં ફરી શકતા નથી. જેથી અહીં કાયમી ધોરણે દિવસે અને રાત્રે એક ચોકિદાર રહેવો જોઈએ તેવી આ વિસ્તારના રહીશોની માગણી છે. શું કહે છે મહાપાલિકાના અમલદારો અમે તો બરાબર મેઇન્ટેઇન કરીએ છીએ સુરત મહાનગર પાલિકાના ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.એસ. જે. ગૌતમના કહેવા પ્રમાણે, મહાપાલિકાના ૧૦૬ ઉદ્યાનો માટે મેન્ટેનન્સનું આખા વર્ષનું બજેટ ૨.૨પ કરોડ છે. ઇંદિરા ગાંધી ઉદ્યાન માટે ગયા વર્ષે ઘણું કામ કરાવ્યું છે. અમે તો ગાર્ડન મેઇન્ટેઇન રાખીએ છીએ. ગાર્ડનનું સિવિલ મેઇન્ટેનન્સ ઝોન દ્વારા થતું હોય છે. બાકીનું કામ અમારો વિભાગ સંભાળે છે. શાંતિ વનમાં પણ કોઇ પ્રશ્ન હશે તો જોઇ લઇશું. બંને ઉદ્યાનની સમસ્યા જાણી લઈશ અઠવા ઝોનના ડેપ્યુટી કમિશનર સી.વાય.ભટ્ટે જણાવ્યુ હતું કે રાંદેર ઝોનનો હવાલો મારી પાસે હતો. હાલમાં અઠવા ઝોનનો ચાર્જ મારી પાસે આવ્યો છે. તેથી અહીં સ્થાનિકોને શું સમસ્યા છે તેની જાણકારી મેળવવી પડશે. આમ તો ગાર્ડનના સિવિલ વર્ક નું કામ ઝોન સંભાળે છે, છતાં ઇન્દિરા ગાંધી ઉદ્યાન અને નજીકમાં આવેલા શાંતિવન ઉદ્યાનની સમસ્યા શું છે તે જાણી લઇશ. દિવાલ ઊંચી કરી ઉદ્યાનને વિકસાવો અઠવા આદર્શ ભવન પાસે રહેતા સ્થાનિક મહિલા જયોતિબેન કોઠારીના કહેવા પ્રમાણે પ્રિયદર્શની ઇંદિરા ગાંધી ઉદ્યાનમાં સાંજે જે ન્યૂસન્સ હોય છે તેને દૂર કરવાની જરૂર છે. હમણાં આ ગાર્ડન એટલું ગંદુ બની ગયું છે કે તેમાં પ્રવેશ કરવાનું મન નહીં કરે. આ ગાર્ડનની દિવાલ ઊંચી કરીને તેની પાછળનો દરવાજો બંધ કરી દેવો જોઇએ. ગાર્ડનની બરાબર દેખરેખ રાખવી જોઇએ. અહીં તો સાંજ પડે તો ગાર્ડનની પાસે દારૂ પીવા જેવા ન્યૂસન્સ થાય છે જેથી ઉદ્યાનનો હેતુ જળવાતો નથી. પહેલા અહીં સ્થાનિક સોસાયટીની મહિલાઓ ભેગી થતી હતી. પણ હવે ત્યાં જવાનું પણ ગમતું નથી. તેવી જ સ્થિતિ શાંતિ વનની પણ છે. તેની પણ દેખભાળનો અભાવ છે. મહાપાલિકાએ આ ઉદ્યાનોની સારસંભાળ બરાબર કરવાની જરૂર છે. સિનિયર સિટીઝન માટે શાંતિવન દુષ્કર માત્ર સિનિયર સિટીઝન માટે આદર્શ સોસાયટી નજીક ખાસ તૈયાર કરાયેલા શાંતિ વન ઉદ્યાનની પણ હાલત સારી નથી. અહીં જે બાંકડા મુકવામાં આવ્યા છે તે પાછળની તરફ ઝુકેલા છે. તેને કારણે મોટી ઉંમરના લોકોને બેસવામાં તકલીફ રહેતી હોવાનું પણ સ્થાનિક રહીશોનું કહેવું છે. માત્ર સિનિયર સિટીઝનને સવારે ૭થી૧૧ તથા સાંજે ૪થી૮ સુધી અહીં પ્રવેશ હોય છે. જોકે સાંજે જ્યારે સિનિયર સિટીઝન ગાર્ડનમાં બેસવા જાય છે ત્યારે જ માળી પાણી નાંખતો હોવાથી તેઓ પડી જવાના ભયથી ગાર્ડનમાં જતા ડરે છે. આ સ્મોલ ગાર્ડનમાં વૃધ્ધોને ચાલવા માટે બ્લોક નાંખી ચાલવાનો ટ્રેક બનાવવાની પણ જરૂર છે. અહીંની લાઇટો પણ ચાલતી નથી.