નવસારીની કોલેજે ફરીથી માથું ઊંચક્યું
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને વર્ગદીઠ ૮૦ વિદ્યાર્થી લેવાની ગાઇડલાઇન આપી હોવા છતાં રાજ્ય સરકારે તેની ધરાર અવગણના કરીને ૧૭૦ વિદ્યાર્થી ભરવાનો ફતવો બહાર પાડયો છે. ગ્રાન્ટેડ કોલેજોને પગાર રાજ્ય સરકાર ચૂકવતી હોવાથી કોઇ વિરોધ કરી શકતું નથી. જોકે, દક્ષિણ ગુજરાતમાં એક કોલેજ એવી નીકળી છે જેણે ૧૭૦ વિદ્યાર્થીઓ ભરવાની સાફ ના પાડી દીધી છે. આ કોલેજ છે નવસારીની એસ.બી. ગાર્ડા ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજ. સંસ્થાની સામે યુનિવર્સિટીએ શિક્ષણમંત્રી સુધી ફરિયાદ કરી છે.
છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકારે ગ્રાન્ડેટ કોલેજોને મંજૂરી આપવાનું બંધ કરી દીધું છે. આખું ઉચ્ચશિક્ષણ બજારને હવાલે કરી દીધું છે. રાજ્ય સરકારની એવી નીતિ છે કે ઉચ્ચશિક્ષણ મેળવવું હોય તો વિદ્યાર્થીઓ ખર્ચો કરે. આ વર્ષે આર્ટ્સ, કોમર્સ અને ખાસ કરીને સાયન્સ પ્રવાહમાં ધો.૧૨માં મોટી સંખ્યામાં વિદ્યાર્થી પાસ થયા છે.
ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પાસે સ્વનર્ભિરમાં ભણી શકે તેટલી ફી ભરવાની શકિત નથી. સરકારે ગ્રાન્ડેટની કોલેજોની વર્ગોને પણ મંજૂરી આપવી નથી. કોંગ્રેસે આખા રાજ્યમાં આ મુદ્દાને લઇને જોરદાર વિરોધ નોંધાવ્યો. વિરોધપક્ષના હોબાળાને કારણે વચ્ચેનો રસ્તો કાઢયો છે. વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા વધારી દો. અગાઉ વર્ગદીઠ ૧૩૦ વિદ્યાર્થી ભરવામાં આવતા હતા તે વધારીને ૧૭૦ કરી દીધા છે. ભલેને કોલેજો પાસે તેમને
બેસાડવાની વ્યવસ્થા કે અધ્યાપકોની વ્યવસ્થા ન હોય.
હાલ જે કોલેજોમાં ૧૭૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા છે તે કોલેજોના આચાર્યો પણ તેમ કરવામાં સહમત નથી પરંતુ તેમની પાસે કોઇ વિકલ્પ નથી. કારણ કે પગાર સરકાર આપે છે. જોકે, નવસારીની ગાર્ડા કોલેજના ટ્રસ્ટીઓએ સરકારની સામે બંડ પોકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ગાર્ડા કોલેજના ટ્રસ્ટીઓ વચ્ચે મહાભારત ચાલી રહી છે. યુનિ.ના સત્તાધીશો કહે છે કે કોલેજના ટ્રસ્ટીઓ યુનિ.ને ગાંઠતા નથી. પત્રોનો જવાબ પણ આપતા નથી. યુનિ.એ કોલેજ ટેકઓવર કરવાનો નિર્ણય પણ કરી લીધો છે. છતાં કોલેજના ટ્રસ્ટીઓ પોતાની વાત પણ અડગ છે. તેમનો આરોપ છે કે યુનિ. દ્વારા તેમની ખોટી પજવણી કરાય છે.
લઘુમતી સંસ્થાનું બહાનું કાઢી પ્રવેશ આપતી નથી: કુલસચિવ
નર્મદ યુનિ.ના કુલસચિવ ડૉ. જે.આર. મહેતાએ શિક્ષણ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગાર્ડા ટ્રસ્ટ હેઠળ ચાલતી એસ બી ગાર્ડા આર્ટ્સમાં પાંચ ડિવિઝન મંજૂર થયેલા છે. બીપી બારિયા સાયન્સ કોલેજમાં ત્રણ ડિવિઝન મંજૂર છે અને પી.કે. કોમર્સ કોલેજમાં પાંચ ગુજરાતી અને એક અંગ્રેજી માધ્યમના વર્ગોને મંજૂરી અપાયેલી છે. સંયુક્ત શિક્ષણ નિયામકે લખેલા પત્ર મુજબ વર્ગદીઠ ૧૭૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય છે. આ કોલેજ યુનિ.નું તો માનતી જ નથી પરંતુ સરકારના આદેશનું પાલન પણ કરતી નથી. આ કોલેજને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોવા છતાં તે લઘુમતી સંસ્થા હોવાનું બહાનું કાઢી ૧૭૦ પ્રવેશ આપતી નથી. કોલેજમાં ૧૭૦ વિદ્યાર્થી ભરાય તે માટે સરકાર આદેશ કરે, તેવી માગણી કુલસચિવે કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.