PHOTO: વિનાયકને વળાવવા આખું શહેર આવ્યુ માર્ગો ઉપર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બપોરે બાર વાગ્યા સુધી પીપલોદ, મગદલ્લા, ડુમસરોડના રસ્તા સુમસામ હતા, પણ તે પછી ચહલ પહલ શરૂ થઈ હતી. પીપલોદમાં તો સાંજે ચાર વાગ્યા પછી એટલી હકડેઠઠ ભીડ હતી કે પગ મુકવાની જગ્યા નહોતી રહી.વાહનો તો કલાકે બહાર નિકળી શકતા હતા.તો મગદલ્લા અને ડુમસમાં ટ્રક, ટ્રેકટર, ટેમ્પાની લાંબી લાઇનો લાગી હતી. તસવીરો : હેતલ શાહ, મનોજ તેરૈયા, કનૈયા પાનવાલા

-રાત્રે ૧ વાગ્યા સુધીમાં ૩૧,૩પ૧ જેટલી મૂર્તિ‌ વિસર્જીત થઈ - કેટલીક જગ્યાએ પોલીસ અને ગણેશ ભક્તો વચ્ચે ચકમક - સાંજ પછી ઓવારાઓ પર ભક્તો પાસે મૂર્તિ‌ વિસર્જન માટે વધુ પૈસા લેવાની ફરિયાદો ઉઠી -વિસર્જન નિહાળવા લોકોની ભીડ જામી, તમામ બ્રિજ હાઉસફુલ -ઠેર ઠેર નાસ્તા, પાણી ના પાઉચ તેમજ લીંબુ સરબત વહેંચાયા

વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન સવારથી ધીમી ગતિએ ચાલુ થયું હતું. જોકે, બપોરે ૩ વાગ્યા પછી વિસર્જન યાત્રાએ વેગ પકડયો હતો. ઢોલ-નગારા, ડિજે સાઉન્ડના સથવારે લોકોએ ભારે હર્ષોલ્લાસ સાથે શહેરના ૨૩ ઓવારાઓ પરથી વિસર્જન કરાયું હતું. બપોર બાદ વિસર્જન યાત્રાનો રંગ જામતા રાત્રે એક વાગ્યા સુધીમાં ૩૧,૩પ૧ જેટલી મૂર્તિ‌ઓનું વિસર્જન થયું હતું. ગણેશ વિસર્જનની સવારે ૧૧ કલાકે છૂટા છવાયા ગણપતિજીની યાત્રાઓ લઈ જવાતી હતી. સવારથી વિસર્જન યાત્રાનો પ્રવાહ ધીમો હતો. તેથી યાત્રા મોડી રાત્રિ સુધી ચાલે તેવી શક્યતાઓ જણાતી હતી. યાત્રા નિહાળવા માટે દરેક માર્ગ પર લોકોની ભીડ જામી હતી. ભીડને કંટ્રોલ કરવા માટે ઘણી જગ્યાએ પોલીસે બળપ્રયોગ કરવો પડયો હતો તો કેટલીક જગ્યાએ શ્રદ્ધાળુઓ અને વિસર્જન કરનારાઓ વચ્ચે વધુ પૈસા ઉઘરાવવા બાબતે ચકમક ઝરી હતી. સાંજ પછી તાપીમાં પાણી ઘટી જતાં મૂર્તિ‌ઓ કિનારા પર જ મૂકી રાખવી પડી હતી.

- ઘરે ઘરે ગણેશની સ્થાપના કરાઈ હોય તેવો માહોલ

મગલ્લા, રૂંઢ, ઉમરા વગેરે અનેક ઓવારાઓ પર દર સેકેન્ડે એક કાર આવતી હતી, જેમાં પરિવારનો લોકો પોતાના ઘરે સ્થાપના કરેલી મંગલમૂતિના વિર્સજન માટે આવતા હતા.પરિવારના લોકોની ભાવના છેક ઓવારા સુધી જઇને વિર્સજન કરવાની હતી.

- ઘણા મંડળોમાં યુવક- યુવતીઓના ડ્રેસ કોડ

આ વખતે વિર્સજન યાત્રામાં ઘણા મંડળોમાં યુવક-યુવતીઓએ અલગ ડ્રેસ કોડ રાખ્યા હતા.કેટલાંક યુવકો બ્લેક જર્સીમાં હતા તો યુવતિઓ વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં હતી.પીપલોદમાં આવેલી પ્રાપ્તિ એપાર્ટમેન્ટ,ક્રૃષ્ણ કુંજ, પ્રગતિ એપાર્ટમેન્ટના મંડળોમાં ખાસ ડ્રેસ કોડે આકર્ષણ જમાવ્યું હતું.

- પોલીસની વિસર્જન યાત્રાને આગળ ધપાવવા ક્વાયત

ભાગળ ખાતે અને લિમડા ચોક પાસે વિસર્જન યાત્રા દરમિયાન બેથી ત્રણ નાના-મોટા છમકલા થયા હતા. ભારે ભીડ વચ્ચે મામલો થાડે પાડવા પોલીસે લાઠીનો સહારો લેવો પડયો હતો. ધીમે જતા યાત્રિઓને દંડો બતાવીને ઉતાવળે વિસર્જન યાત્રા આટોપવા સુચના આપી સતત પ્રયાસો કરાતા પોલીસ જણાયા હતા.

લિંબાયતમાં ૯૦પ મૂર્તિ‌ઓનુ વિસર્જન

શહેરના સંવેદનશીલ વિસ્તાર લિંબાયતમાં મદીના મસ્જીદ અને નૂરાની મસ્જીદ રૂટ પરની ગણેશ વિસર્જન યાત્રા બપોર સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ બંને રૂટ પરથી કુલ ૧૧૦ શ્રીજી પ્રતિમાની વિસર્જન યાત્રા પસાર થઈ હતી. તે સાથે લિંબાયતના જુદા જુદા વિસ્તારમાંથી મળી કૂલ ૯૦પ મૂર્તિ‌ઓનુ વિસર્જન કરાયું હતું. દર વર્ષની જેમ મદીના મસ્જીદ અને નૂરાની મસ્જિદવાળા રૂટ પરથી વિસર્જન યાત્રાને વેળાસર પસાર કરવા માટે પોલીસે ગણેશ આયોજકોને સૂચના આપી હતી.

જે મુજબ સવારથી જ વિસર્જન યાત્રા નીકળવાની શરૂઆત થઈ ગઈ હતી. ખાસ કરીને મદીના મસ્જીદ રૂટ પરથી ૨૧ જેટલી ગણેશજીની મોટી મૂર્તિ‌ઓની વિસર્જન યાત્રા નીકળી હતી. મદીના મસ્જીદ ખાતે આવેલી પ્રથમ ગણેશજીનુ લિંબાયતના તાજિયા કમિટીના અગ્રણી કેસર અલી પીરઝાદા, હાજી ચીનુ મનસુરી સહિ‌તના અગ્રણીઓ સ્વાગત ક્ર્યું હતું.

ભક્તોના રંગ ગણેશજીના વિસર્જન વખતે ભક્તોના પણ અનેક રૂપ રંગ યાત્રાઓમાં જોવા મળ્યા હતા, પગપાળાંથી માંડીને નાચતા-કૂદતાં આપી વિદાય

ટ્રક, ટેમ્પો અને ટ્રેક્ટરમાં શ્રીજી

શહેરમા શ્રીજીની નીકળેલી વિસર્જન યાત્રામાં ટ્રકો-ટેમ્પો અને ટ્રેક્ટરોનો ઉપયોગ થયો હતો.

ભક્તોએ મૂર્તિ‌ને હાથમાં ઉંચકી

કેટલાંક ભક્તો ગણેશજીની મંગલ મૂર્તિ‌ને હાથમાં ઉંચકીને વિસર્જન માટે લઈ ગયા હતા.

શ્રીજીની નીકળી પાલખી યાત્રા

મહિ‌લા મંડળ દ્વારા શ્રીજીની વિદાય વેળાએ આ રીતે પાલખી કાઢવામાં આવી હતી.

બાળ ગણેશની બાઈક પર યાત્રા

એક પરિવાર દ્વારા ઘરમાં સ્થાપિત કરાયેલા શ્રીજીને વિસર્જન માટે બાઈક પર લઈ જવાયા હતા.

શહેરમાં ૯૭ ટકા મૂર્તિ‌ઓ માટીની

શહેરમાં પ્રથમ વખત પીઓપીની પ્રતિમાઓ માટે વિસર્જનની અલાયદી વ્યવસ્થા કરાઇ હતી. જીપીસીબીએ લોકોને તાપી બચાવવા તાપી શુદ્ધિકરણનો સંદેશ વહેતો કર્યો હતો. શહેરમાં ૯૭ ટકા જેટલી પ્રતિમાઓ માટીની હોવાની વિગત જાણવા મળી છે.આમ શહેરીજનોએ પણ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ‌ઓથી દૂર રહેવાનું પ્રશંસનીય વલણ અપનાવ્યું હતું. તાપીમાં પ્લાસ્ટર ઓફ પેરીસનું ઝેર ન જાય તે માટે સરિતા સાગર સંકુલ, અડાજણ ખાતે સ્વામીનારાયણ મંદિરનાં સંતો પાસે ગણેશ પ્રતિમાનું વિસર્જન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ ર્બોડ દ્વારા કરાવાયું હતું. દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન માત્ર વીસ જેટલી પીઓપીની ગણેશ પ્રતિમાઓ વિસર્જન માટે આવી હતી.

કેટલીક જગ્યાએ ગણેશભક્તોની ચકમકગણેશજીના વિસર્જન વખતે ગણેશ ભક્તો વચ્ચે કેટલીક જગ્યાએ નાની મોટી બબાલ થઈ હતી. ભાગળ ચાર રસ્તા ખાતે બે ગ્રુપ વચ્ચે કોઈક કારણોસર ઝગડો થતાં એકબીજા પર લાકડી ઉગામી હતી. પરંતુ પોલીસે દખલગીરી કરી લડાઈને મોટું સ્વરુપ મળે તે પહેલા તમામને છુટા પાડયા હતા.

બે લાખથી વધારે પાઉંવડાનું મફત વિતરણ

દર વર્ષની જેમ આ વખતે પણ સામાજીક સંસ્થાઓએ સેવાની સુંગધ પ્રસરાવી હતી.ગણેશ વિર્સજન માટે આવતા લોકોને પ્રેમથી સામેથી બોલાવીને મફત પાઉંવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.અનેક સામાજીક સંસ્થાઓએ વહેલી સવારથી સેવાકાર્ય શરૂ કરી દીધું હતું.પારલે પોઇન્ટ, ઉમરા, પીપલોદ, ઉધના મગદલ્લા, યુનિવર્સિ‌ટી રોડ વગેરે સ્થળોએ સ્ટોલમાં પાઉંવડા વિતરણ કરાતા હતા.તસવીરો-જીતેન્દ્ર જડીયા, હેતલ શાહ, મનોજ તેરૈયા, કનૈયા પાનવાલા