બારડોલીમાં ભક્તોએ ઉત્સાહભેર આપી વિઘ્નહર્તાને વિદાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસ દિવસ શ્રીજીની સ્થાપના બાદ શનિવારના રોજ શ્રીજીને ધૂમધામથી વિદાય આપવામાં આવી હતી. બારડોલી નગર ખાતે પણ ગૌરવપથ ઉપર શ્રીજીની વિદાયની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બપોર સુધીમાં અંદાજિત ૩૦૦ જેટલી નાની મોટી પ્રતિમાનું વિસર્જન બારડોલી ખાતે મીંઢોળા નદીમાં નિર્વિ‌ઘ્ન પૂર્ણ થયું હતું. જ્યારે રાજમાર્ગ થઈ શ્રીજીની પ્રતિમાની શોભાયાત્રા જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. સુરત જિલ્લા સહિ‌ત બારડોલી નગર ખાતે આજરોજ અનંતચૌદશના દિવસે વિઘ્નહર્તા ગણેશજીની ધૂમધામથી વિદાય આપવામાં આવી હતી. જેમાં શોભાયાત્રામાં અનેક ગણેશ મંડળો દ્વારા રાજમાર્ગ ઉપર ધજાગરાના નૃત્ય સાથે ભાવિક ભક્તો જોડાયા હતાં. ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશજીની શોભાયાત્રા બારડોલી નગરના રેલવે સ્ટેશનથી લઈ ગૌરવપથ પરથી મીંઢોળા નદીના ઓવારા પર પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં ૭પ ગણેશ મંડળો જોડાયા હતાં. નૃત્ય અને સંગીત સાથે આ શોભાયાત્રા આગળ વધી હતી. ધીમેધીમે ગણેશજીની પ્રતિમા ઓવારા તરફ જતી હતી તેમ તેમ લોકોનો ઉત્સાહ વધતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત બારડોલી નગર ખાતેથી શોભાયાત્રામાં જોડાયા વિના સીધી મીંઢોળા ઓવારે પહોંચી હતી. જેમાં સાંજ સુધીમાં અંદાજિત ૩૦૦ જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થઈ ગયું હતું. નગરનું વિસર્જન શાંતિપૂર્ણ રહે તે માટે આ વર્ષે રાજ્ય પોલીસ દ્વારા એટીએસના વડા મનોજ શશીધરનને પોલીસ બંદોબસ્તમાં ઈન્ચાર્જ તરીકે મોકલવામાં આવ્યા હતાં. જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુલ તથા અન્ય પોલીસકર્મી દ્વારા ચાપતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી.નગરના મુખ્ય માર્ગ પર ઠેરઠેર કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતાં. મોડી રાત્રિ સુધી નિવિઘ્ને શ્રીજીનું વિસર્જન ચાલુ રહ્યું હતું. ભાવિક ભક્તો દ્વારા ગણપતિ બાપા મોરિયાના આવતા વર્ષે જલદી આવજોના ગગનભેદી નારા સાથે શ્રીજીને વિદાય આપી હતી. સમાજ સેવી સંસ્થાઓની માનવતા ગણેશ વિસર્જન દરમિયાન બારડોલીમાં સમાજ સેવી સંસ્થાઓએ માનવતા મહેકાવી હતી. મેવાડા સમાજ, કડવા પાટીદાર સૌરાષ્ટ્ર સમાજ, મહેસાણા જિલ્લા બારડોલી સેવા સમાજ, જલારામ પ્રાર્થના સમાજ, સત્ય સાઈ સેવા મંડળ દ્વારા ભક્તજનો માટે વિના મૂલ્યે પાણી નાસ્તો, છાશ તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. પલસાણામાં પ૦૦થી વધુ પ્રતિમાનું વિસર્જન પલસાણા તાલુકામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં એના ગોટીયા, અમલસાડી તેમજ પલસાણા ખાતે મીંઢોળાના ઓવારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. માત્ર પલસાણા નહીં પણ સુરત શહેરના ડીડોલી, સચીન સહિ‌તના વિસ્તારોમાંથી અંદાજિત પ૦૦ જેટલી પ્રતિમાનું વિસર્જન માટે આવી હતી