નર્સનુ અપહરણ કરીને ઉઠાવી જતી નકલી પોલીસ ઝડપાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતના આસપાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલી અસલી પોલીસે ચાર નકલી પોલીસને ઝડપી પાડયા હતા. આ ઇસમોએ એક નર્સનું અપહરણ કર્યું હતું અને રૂ. ૩૦ હજારની ખંડણી માગી હતી. સચિન પોલીસના જણાવ્યા અનુસાર ૨૧ વર્ષીય જાન્વીબેન સત્યનારાયણભાઈ ગંજી ઉધના દરવાજા ખાતે આવેલી વાડેકર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. તેઓ તા. ૨૬મીની સાંજે રોડ પર રિક્ષાની રાહ જોઈને બેઠા હતા. જાન્વીબેન એક રિક્ષામાં બેઠા ત્યારે ગોરખ ભીમરાવ બૈસાણે, જગદીશ સુરેશ ફિરકે (બંને રહે. લુહાર ફળિયું, ચલથાણ), અરુણ દગડુ (રહે. ભરવાડની ચાલુ, ચલથાણ ત્રણ રસ્તા) અને મીતેશ રામજી યાદવ (રહે. સાંઈનગર, વરેલી, તા. પલસાણા) જાન્વીબેન પાસે આવ્યા હતા. જેમાંથી બે ઇસમો નર્સની બાજુમાં બેસી ગયા હતા અને કહ્યું હતું કે, અમને ખબર છે કે તું શું ધંધા કરે છે, ચાલ પોલીસ મથકે રિક્ષા ચાલુ કરાવી તેમણે થોડા આગળ જઈ જાન્વીબેનને અન્ય રીક્ષા નં. જીજે-પ-એઝેડ-૩પ૦૧માં બેસાડી દીધી હતી. આ ઉપરાંત ધમકી આપી હતી કે જો પોલીસ મથકે નહીં જવું હોય તો રૂ. ૩૦,૦૦૦ આપવા પડશે. દરમિયાન આ ઇસમોએ ધમકી આપતા નર્સને તમાચા પણ મારી અલગ અલગ વિસ્તારમાં ફેરવી હતી. દરમિયાન સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નર્સે બૂમ પાડતાં પોલીસે રિક્ષા અટકાવી હતી. પોલીસે નકલી પોલીસને અટકાવતાં જ તેમનો ભાંડો ફૂટી ગયો હતો.