વ્યારાના વનવિભાગનો ક્લાર્ક ૭૦૦૦ની લાંચ લેતા ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા વનવિભાગમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતો કર્મચારી ગત ૨૦૧૩માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમની હકરજા માટેના ૨.પ૦ લાખ રૂપિયાનો ચેક વ્યારા વનવિભાગમાં આવ્યો હતો. આ ચેક માટે વનવિભાગના ક્લાર્ક દ્વારા ૧૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ નિવૃત્ત બીટગાર્ડે આ બાબતે વ્યારા એસીબીનો સંપર્ક કર્યો હતો. બુધવારે એસીબી દ્વારા છટકું ગોઠવી ૭૦૦૦ની લાંચ લેતા ક્લાર્કને ઝડપી પાડતાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
વ્યારા વનવિભાગ ગત વર્ષો દરમિયાન જશવંતભાઈ જીવણભાઈ ચૌધરી (રહે. માંડવી, સુરત) બીટગાર્ડ તરીકે ગત તા. ૩૧ માર્ચ ૨૦૧૩માં નિવૃત્ત થયા હતાં. આ નિવૃત્ત બીટગાર્ડની ૩૦૦ જેટલી હક રજાઓ જમા હોવાના પગલે વનવિભાગમાં તેમની હક રજાના રૂપિયા ૨.પ૦ લાખનો ચેક આવ્યો હતો.
આ ચેક લેવા નિવૃત્ત બીટગાર્ડ જશવંતભાઈ દ્વારા આટાફેરા મરાવા છતાં કોઈ મચક અપાઈ ન હતી. છેવટે વનવિભાગના લાંચિયા ક્લાર્ક જગદીશભાઈ રણછોડભાઈ ગામીતે (રહે. સોનગઢ, જમાદાર ફળિયું, તાપી) બીટગાર્ડ જશવંતભાઈ પાસે ચેક આપવા માટે ગત મંગળવારના રોજ ૧૦૦૦૦ રૂપિયાની લાંચની રકમ માંગી હતી.
લાંચ માગવાને પગલે નિવૃત્ત બીટગાર્ડ દ્વારા વ્યારા એસીબી એ. જે. શેખનો સંપર્ક કર્યો હતો. તેમણે છટકુ ગોઠવી દેતા બુધવારના રોજ બપોરના સુમારે વ્યારા ખાતે વનવિભાગની કચેરીમાં ૭૦૦૦ની રકમ સ્વીકારતા લાંચીયા ક્લાર્ક જગદીશભાઈને ઝડપી પાડયો હતો અને તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.