સાકરડામાં ચોકી શરૂ, લાકડાંચોરી અટકશે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાંબા સમયથી ચાલતી લાકડાની તસ્કરી પર હવે પૂર્ણવિરામ મૂકાઈ તેવી લોકમાગ

ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર ઉચ્છલ હાઈવે પર વનવિભાગની ચોકી નહીં હોવાથી રાજ્યમાંથી સાગી સહિ‌તના અન્ય ઈમારતી લાકડા બેરોકટોક મહારાષ્ટ્રમાં જતા રહેતા હતા જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં છપાતા તાપી વનવિભાગે તાત્કાલિક સાકરદા ગામે ચોકી ઊભી કરી છે. સુરત ધૂલિયા નેશનલ હાઈવે પર મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર ગુજરાત વનવિભાગની ચોકી ન હોવાથી લાકડાચોરોને મોકળુ મેદાન મળી ગયું હતું.

ચોરીના લાકડા આ નેશનલ હાઈવે પરથી મહારાષ્ટ્રમાં લઈ જવાઈ રહ્યા હતાં. ગુજરાત બોર્ડરને અડીને નવાપુર ખાતે ઘણી સો મિલો આવેલી છે. અને આ બે નંબરનું લાકડુ આ બધી મિલોમાં ઘૂસાડી દેવામાં આવ્યું હતું.જ્યારે વનવિભાગની ચોકી નેશનલ હાઈવેથી સાતથી આઠ કિમી અંદર હોવાથી કોઈ પણ પ્રકારની રોકટોક ન હતી. જેથી ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી સાગી લાકડા નેશલ હાઈવે રાજ્ય બહાર મોકલવામાં લાકડાચોરો સફળ થઈ જતાં હતાં.

આ બાબતનો અહેવાલ ૩૧મી જાન્યુઆરીના રોજ દિવ્ય ભાસ્કરમાં છપાતા વનવિભાગે તાત્કાલિક મંજૂરી મેળવી ૨૧/૪/૨૦૧૪ના રોજ સુરત ધૂલિયા નેશનલ હાઈવે પર આવેલા ઉચ્છલના સાકરદા ગામે વનવિભાગની ચોકી ઊભી કરી દેવામાં આવી છે. આ ચોકીના આવતાની સાથે જ લાકાડા ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. શરૂ કરવામાં આવેલી આ ચોકીમાં વનવિભાગના કર્મચારી નવીન વસાવા ફરજ બજાવી રહ્યો છે. અને તેમની સાથે બેથી ત્રણ કર્મચારી શંકાસ્પદ ગાડી પકડવા તૈયાર રહે છે. જેથી લાકડા ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

વિસ્તાર અંતરિયાળ હોવાથી ચોરી સહેલી
સુરત ધૂલિયા નેશનલ હાઈવે પર મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર ગુજરાતની વનવિભાગની ચોકી નહીં હોવાથી લાકડાચોરો દ્વારા મોકળુ મેદાન મળી ગયું હતું.જેના કારણે વારંવાર તાપી જિલ્લાના જંગલો અને ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારોમાંથી ચોરેલા લાકડા આ નેશનલ હાઈવે દ્વારા થઇને મહારાષ્ટ્રમાં લઈ જવાઈ રહ્યા હતાં.