તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા અર્બનમાં પ્રથમ દિવસે જ રૂ. ૪.પ૦ કરોડનો કારોબાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂ. ૧ કરોડની બેન્ક ડિપોઝીટ રિન્યૂ થઇ, રૂ.૩.પ૦ કરોડનું ક્લિયિંરગ રજૂ થયું
આરબીઆઇના નિયંત્રણ હેઠળ આવી ગયેલી શહેરની સુરત નાગરિક સહકારી બેન્કને મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કમાં મર્જ કરી દેવાયા બાદ ૧લી જુલાઇથી સુરતમાં મહેસાણા અર્બનની પાંચ શાખાઓ પુર્વવત ધબકતી થઇ ગઇ છે. પ્રથમ દિવસે જ મહેસાણા અર્બન બેન્કમાં રૂપિયા સાડા ચાર કરોડનો કારોબાર થયો હતો. બેન્ક પુન: જીવિત થઇ જતા લોકોની પરસેવાની કમાણી ડુબતી બચી ગઇ છે અને થાપણદારોએ પણ રાહતનો દમ લીધો છે.
વિગતો અનુસાર, સુરત નાગરિક સહકારી બેન્કને મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કમાં મર્જ કરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં હતી ત્યારે જ ગત તા. ૧લી માર્ચના રોજ સુરત નાગરિક સહકારી બેન્ક ઉપર આરબીઆઇ દ્વારા કલમ ૩પ(એ) હેઠળ નિયંત્રણો લાદી દેવાયા હતા. જેના કારણે બેન્કના ૧૮ હજારથી વધારે થાપણદારોની રૂપિયા ૮૦ કરોડથી વધારે રકમ ફસાઇ ગઇ હતી. પરંતુ સુરત નાગરિક અને મહાસાણા અર્બનના સંચાલકોના પ્રયાસથી આરબીઆઇ દ્વારા સુરત નાગરિક સહકારી બેન્કને મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કમાં મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
તમામ વહીવટી પ્રક્રિયા આટોપી લેવાયા બાદ આખરે ૧લી જુલાઇના રોજથી સુરત નાગરિક સહકારી બેન્કના પાટીયા ઉતારી લેવાયા હતા અને આ બેન્કનું સત્તાવાર રીતે મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કમાં મર્જર થઇ ગયું હતું. ૧લી જુલાઇના રોજથી સુરત નાગરિક સહકારી બેન્કની વરાછા મેઇન રોડ પરની શાખા ઉપરાંત ભાગળ, કમેલા દરવાજા રિંગરોડ, ઉધના મગદલ્લા રોડ અને અડાજણની શાખાનો તમામ કારોબાર મહેસાણા અર્બનના નામથી ધમધમતો થઇ ગયો છે.
પ્રથમ દિવસે જ મહેસાણા અર્બનમાં એક કરોડ રૂપિયાની ડિપોઝીટ થાપણદારોએ જમા કરાવી હતી. ઉપરાંત રૂપિયા ૩.પ૦ કરોડનું ક્લિયરીંગ રજૂ કરવામાં આવ્યું હતું. આમ મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કને પ્રથમ દિવસે જ રૂપિયા ૪.પ૦ કરોડનો કારોબાર મળ્યો હતો.
થાપણદારોએ ૨.પ૦ કરોડ ઉપાડયા
મહેસાણા અર્બનના પ્રથમ દિવસે ખાતેદારોએ રૂપિયા ઉપાડવા માટે પણ થોડો ઘસારો કર્યો હતો. આજે પ્રથમ દિવસે જ થાપણદારોએ બેન્કની મેઇન શાખા ઉપરાંત રિંગરોડ કમેલા દરવાજા, ભાગળ, ઉધના મગદલ્લા રોડ અને અડાજણ શાખામાંથી કુલ રૂપિયા ૨.પ૦ કરોડ જેટલી રોકડ રકમ ઉપાડી હતી.
અડાજણ અને ઉધના મગદલ્લા રોડ શાખામાં એટીએમ કાર્યરત
મહેસાણા અર્બનની નવી શાખાઓ પૈકી ઉધના મગદલ્લા રોડ પર આવેલી શાખા તેમજ અડાજણ ખાતેની શાખામાં એટીએમની સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ બેન્કના થાપણદારો કોઇ પણ એટીએમનો ઉપયોગ પણ કરી શકશે.