કોંગ્રેસે આખરે નિરાશા ખંખેરી, લોકસભા ચૂંટણી માટે કવાયત શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાહુલ ગાંધીએ મોકલેલા પાંચ નિરીક્ષકોમાંથી એક જી.રૂદ્રરાજુ સુરતમાં
- લોકસભા બેઠક માટે કાર્યકરો અને નેતાઓનો અભિપ્રાય મેળવ્યો
વિધાનસભાની ચૂંટણીમાં ખતા ખાધા પછી હવે કોંગ્રેસે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી કરવા માંડી છે. લોકસભાની ચૂંટણી પહેલાં સંગઠનના પત્તા ગોઠવવા માટે એઆઈસીસીમાંથી રાહુલ ગાંધીના આદેશથી મોકલાયેલા નિરીક્ષકે સુરતમાં ધામા નાંખ્યાં છે. મંગળવારે સુરત લોકસભા વિસ્તાર માટે કાર્યકરો અને નેતાઓનો અભિપ્રાય લેવાની કસરત કરી હતી.
કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીની જવાબદારી રાહુલ ગાંધીને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ જવાબદારી લઈને રાહુલ ગાંધીએ સંગઠનના હાલહવાલ જાણવા માટે તજવીજ હાથ ધરી દીધી છે. ગુજરાતમાં પાંચ પ્રતિનિધિઓને આ માટે મોકલાવાયા છે, તેમાં સુરત, નવસારી, વલસાડ, બારડોલી બેઠકના વિસ્તાર માટે આંધ્રપ્રદેશમાં પૂર્વ એમએલસી સભ્ય જી.રૂદ્રરાજુને મોકલાવ્યા છે.
મંગળવારે તેમણે અડધો દિવસ કોંગ્રેસ કાર્યાલયમાં હાજરી આપીને કાર્યકરોને વ્યક્તિગત સાંભળ્યાં હતાં. તેમની સાથે વાતચીત કરીને કોંગ્રેસની હાલત, સંગઠનની સ્થિતિ અને તેમાં સુધારા માટેના સુચનો મેળવ્યાં હતાં. સાંજ પછી તેમણે સરકીટ હાઉસમાં શહેરના નેતાઓની સાથે પણ વ્યક્તિગત ચર્ચા વિચારણા હાથ ધરી હતી.
- ફિડબેક ફોર્મ ભરાવાયા
રાહુલ ગાંધીના આદેશથી આવેલા પ્રતિનિધિ જી.રૂદ્રરાજુએ કોંગ્રેસના સંગઠનની હાલત કેવી છે. તેમાં સુધારો કરવા માટે શું કરાવું જોઈએ. લોકસભાની બેઠક માટે પસંદગીમાં કોણ હોવું જોઇએ, શા માટે? તેવી વિગતો સાથેનું એક ફિડબેક ફોર્મ પણ અભિપ્રાય આપનારા કાર્યકરો અને નેતાઓ પાસે ભરાવાયા હતાં.
- આજે બારડોલી, નવસારી માટે ફિડબેક
બુધવારે સવારે બારડોલી લોકસભા બેઠકના વિસ્તાર માટે અને બપોર પથી નવસારી બેઠક માટે કાર્યકરો અને નેતાઓના ફિડબેક મેળવાશે.