• Gujarati News
  • Diwali Festival Van Wireless System & Continuous Patrol Service Latest News

દિવાળી પછીના સૂનકારમાં ચોરની 4 આંખ સામે પોલીસની 40 આંખ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળી પછીના સૂનકારમાં ચોરની 4 આંખ સામે પોલીસની 40 આંખ
સ્પેશિયલ સ્કોડ, એફઓપી, વાયરલેસ સિસ્ટમ વાન, સતત પેટ્રોલિંગની સેવા

સુરત: દિવાળી બાદ મોટાભાગના વેપાર ધંધા તેમજ ઘરો બંધ હોવાની સાથે રસ્તાઓ પણ સુમસાન થઇ જશે.જે તસ્કરો માટે એક મોકળું મેદાન બની રહેશે.પરંતુ તેની સામે શહેર પોલીસે જડબેસલાક તંત્ર ગોઠવ્યુ છે. જેમા સ્પેશીયલ સ્કોવોડ- એફઓપીની મદદ, પીસીઆરવાનને વાયરલેસ સીસ્ટમ સાથે કનેકટ તેમજ વધુ વાહનોની ફાળ‌વણી કરી સતત પેટ્રોલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.દિવાળી નજીક આવતાની સાથે જ વરાછા, પુણા, કાપોદ્રા, સરથાણા તથા કતારગામ વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ વેકેશન દરમિયાન પોતાના વતન જતા રહેતા હોય છે. જેને કારણે આ સમય દરમિયાન વિસ્તારનો 80 ટકા ભાગ ખાલીખમ થઇ જતો હોય છે. જેનો ભરપુર લાભ તસ્કરો ઉઠાવે છે.

તસ્કરો બંધ મકાન કે ઓફીસને નિશાન બનાવી ચોરી કરી ભાગી છૂટે છે. જે દર વર્ષે પોલીસ માટે માથાના દુખાવા સમાન બની રહે છે. ત્યારે આ વર્ષે શહેર પોલીસ દ્રારા ઘરફોડ કે વાહનચોરીને ડામવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમા વતન જતી તમામ બાઇકોની આરસીબુક ચેક કરવામાં આવી રહી છે.દરેક પોસીસ મથકમાં એક સ્પેશીયલ સ્કોવોડની રચના કરવામાં આવી છે. જેઓ દિવસ દરમિયાન પોતાના વિસ્તારમાં ફરી પેટ્રોલીંગ કરશે.તો નાઇટ પેટ્રોલીંગ માટે વધુ પી.સી.આર વાનની મદદ લઇને સતત દોડાવવામાં આવશે.

વધુમા દર વર્ષની જેમ આ વર્ષે પણ વતન જનારા રહીશોને પોતાના નજીકના પોલીસ મથકમાં જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.આ સાથે પોલીસ આ વર્ષે એફઓપી (ફ્રેન્ડ ઓફ પોલીસ)ની પણ મદદ લેવાશે. જે પણ એફઓપી હાજર હશે તેમને નાઇટ પેટ્રોલીંગમા ગોઠવી દેવામાં આવ્યા છે.જેને કારણે દરેક સોસાયટી તેમજ હીરાની ઓફીસો પર ચાપતી નજર રાખી શકાશે.
ચિલઝડપ રોકવા માટે પણ પ્રયાસ
સુરત પોલીસે એક પેમ્પલેટ બહાર પાડ્યું છે જેમાં વતન જતી વખતે પાડોશીને ઘરનું ધ્યાન રાખવા, ઘરનું લોક બરાબર ચેક કરવા તેમજ રોકડ-સોનાના દાગીના જેવી કિંમતી વસ્તુઓ ઘરમાં ન રાખવા વગેરે મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે આ પેમ્પલેટ દરેક એટીએમ સેન્ટર, બેંકની બહાર તથા જાહેર રસ્તા ઉપર લગાડ્યા છે જેથી સૌને સાવચેતીના પગલા ધ્યાને રહે. જો કોઇ આ દિવસ દરમિયાન બેંકની બહાર કે બંધ મકાનની આસપાસ શંકાસ્પદ રીતે ફરતો હોય તો સ્થાનિક પોલીસને તાત્કાલિક ધોરણે જાણ કરવા પણ જણાવ્યું છે, જેથી ચિલઝડપના બનાવો પણ રોકી શકાય.
પોલીસને સાથે રાખો
ચીલઝડપના બનાવો રોકવા રૂ 5 લાખથી વધુની રકમ ઉપાડતા સ્થાનીક પોલીસની મદદ લેવા અનુરોધ કર્યો છે તેમજ જે તે વિસ્તારની પીસીઆર વાનને સતત પેટ્રોલીંગ માટે દોડાવી રહ્યા છે.ઉપરાંત જો બેંકની બહાર કોઇ શંકાસ્પદ વ્યકિત જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરશો. > વી.એમ.પારઘી, જોઇન્ટ પોલીસ કમિશ્નર
સ્પેશિયલ સ્ક્વોડ
વેકેશનમાં થતી ગુનાખોરી રોકવા દરેક પોલીસ મથકમાં સ્પેશીયલ સ્કોવોડની રચના કરી તેને સતત પેટ્રોલીંગમા દોડાવીશુ તેમજ આ વર્ષે એફઓપીની મદદ પણ લેવામાં આવશે.જેઓને રાત્રી દરમિયાન પેટ્રોલીંગમાં મદદ લેવામાં આવશે. > એચ.આઇ. સોલંકી, એસીપી, એ ડિવીઝન