સુરત: આજથી પંચરાત્રી પર્વ દીપાવલીનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

આજથી પંચરાત્રી પર્વ દીપાવલીનો પ્રારંભ
ગુરુવારે સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી સુરતીઓએ આ ગ્રહણ પાળવાનું નથી
આજે તહેવારોની શરૂઆત સાથે મહાસરસ્વતીની પૂજા અને વાઘબારસ બન્ને સાથે
સુરત: આ વર્ષે પાંચ દિવસના દિવાળી પર્વનો પ્રારંભ આજથી અેટલે કે, વાઘબારસના રોજથી થઇ રહ્યો છે અને 20 થી 24 ઓક્ટોબર દરમિયાન પાંચ દિવસના આ પર્વ ઉજવાશે. પર્વના પ્રારંભે વાઘબારસે સરસ્વતી પૂજન અને ત્યાર બાદ મંગળવારે ધનતેરસે લક્ષ્મીદેવી પૂજન થશે સાથે આ વર્ષે તમામ તિથિ અખંડ હોવાથી તમામ દિવસો અખંડ રહેશે. દિવાળીનાં પંચ દિવસીય મહાપર્વનો આરંભ મંગળવારથી થશે. જોકે, આજે વાઘબારસ અને સરસ્વતી પૂજનનો દિવસ હોવાથી આ દિવસ પણ દિવાળીના પાંચ દિવસીય તહેવારોમાં શામેલ થઇ જાય છે. આજે મહાસરસ્વતીના પૂજન સાથે દરેક ઘરોમાં દીપ પ્રગટાવીને રંગોળી પૂરવામાં આવશે અને મંગળવારે દિવાળીના પાંચ દિવસીય પર્વનો પ્રારંભ થશે. આજે ગોવત્સ દ્વાદશી હોઈ ગાયની પૂજા કરવાથી ઘણો લાભ મળે છે.

જ્યારે મંગળવારે ધનતેરસના દિવસે વિધિવત રીતે પંચ દિવસીય દિવાળીના પર્વનો પ્રારંભ થશે. આ અંગે સ્વામી વિજ્યાનંદજી મહારાજના જણાવ્યા પ્રમાણે ધનતેરસના પ્રારંભ સાથે ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. આ દિવસ ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્ય દિન હોવાથી તેમની પણ પૂજા ફળદાયી નીવડે છે.તેની સાથે માતા મહાલક્ષ્મીની ધનતેરસના દિવસે પૂજા રાત્રે કરવામાં આવે છે. આ વર્ષે સાયંકાલીન પૂજા રાત્રે 8:25થી 9:40 દરમિયાન તથા 9:06થી 9:30 કલાક દરમિયાન અતિ શુભ મુહૂર્ત છે. વધુમાં સ્વામી વિજયાનંદજીએ જણાવ્યું હતું કે, આજે ચોપડા પૂજન હોવાથી બપોરે 3:00 થી 4:30 કલાક દરમિયાન રાહુકાળ હોવાથી આ સમય સિવાય આખો દિવસ ચોપડા પૂજન માટે સારા ચોઘડિયા છે.
દિવાળીના દિવસે જ સૂર્યગ્રહણ છે
મંગળવારે ધનતેરસ છે અને તેની સાથે ત્રિરાત્રી વ્રત સાયંકાલીન ઉજવાશે એ જ રીતે નર્કચૌદશનો પ્રારંભ પણ આજથી સવારે 10:34 કલાકે થઇ રહ્યો છે. જેની પૂજા મંગળ‌વારે કરવામાં આવશે. ખાસ દિવાળીના દિવસે જ સૂર્યગ્રહણ છે, પણ તે ભારતમાં દેખાવાનું ન હોવાથી સુરતીઓએ આ ગ્રહણ પાળવાનું નથી.