• Gujarati News
  • Dhanteras Festival Best Day To Buy Silver Latest News Surat

લગ્નસરાની ખરીદીની શુભ શરૂઆત માટે ચાંદીની ખરીદીનો ઉત્તમ દિવસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

લગ્નસરાની ખરીદીની શુભ શરૂઆત માટે ચાંદીની ખરીદીનો ઉત્તમ દિવસ
ધન તેરસના દિવસે પ્રત્યેક જ્વેલર્સને ત્યાં સરેરાશ કરતા 50 ટકા વધારે ખરીદી રહેવાની ધારણા
સુરત: આજે મંગળવારના રોજ ધન તેરસના તહેવારને શહેરીજનો આગવી પરંપરા પ્રમાણે લગ્નસરાની ખરીદીના શુભ મુહૂર્ત તરીકે જ ઉજવશે. ખાસ કરીને જે પરિવારોમાં આગામી દેવ દિવાળી પછીના શુભ દિવસોમાં લગ્ન કે જનોઇ જેવા શુભ પ્રસંગો આવી રહ્યા છે એ પરિવારો દ્વારા ધન તેરસના દિવસે ચાંદીની ખરીદી કરીને પછી જ સોનાના દાગીના કે અન્ય ખરીદી કરે છે. આજના દિવસે ચાંદી ખરીદવાનું સવિશેષ મહત્વ છે. સમગ્ર વિશ્વના જીવો માટે ભગવાન વિષ્ણુએ ધન્વતરી અવતાર ધારણ કર્યો હતો એ દિવસ એટલે ધન તેરસ અને આજના દિવસે લક્ષ્મી પૂજનનું પણ સવિશેષ મહત્વ છે. આપણી પરંપરા પ્રમાણે ધન તેરસના દિવસે ચાંદીના સિક્કા, ભગવાનની ચાંદીની મૂર્તિ, કે પછી ચાંદીના વાસણો આ શુભ દિવસે ખરીદવામાં આવે છે.

ખાસ કરીને જે પરિવારોમાં આગામી દેવ દિવાળીના દિવસ પછી ઘરમાં લગ્ન કે જનોઇ જેવા શુભ પ્રસંગો આવી રહ્યા હોય એવા પરિવારો દ્વારા ધન તેરસના દિવસે શુકનની ચાંદી ખરીદી કરવામાં આવે છે. આ દિવસે ચાંદીની એક લગડી કે અન્ય કોઇ પણ ચીજ વસ્તુ ખરીદીને ત્યાર બાદ જ સોનાના દાગીના કે આવશ્યકતા પ્રમાણેની ખરીદી કરવામાં આવે છે. આજના ધન તેરસના દિવસે પણ શહેરીજનો અઠવા લાઇન્સથી માંડીને રાંદેર, અડાજણ, ઘોડદોડ રોડ, ભટાર, રાજમાર્ગ પર ચોકસી બજાર, લંબે હનુમાન રોડ, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં આવેલી સોના ચાંદીની દુકાનો પર ખરીદી માટે ઉમટી પડશે એવી આશા રાખવામાં આવી રહી છે.
જ્વેલર્સના રોજના કાઉન્ટર કરતાં આજે સરેરાશ 50 ટકા વધારો થશે
શહેરના પ્રત્યેક જ્વેલર્સનું જે રોજનું કાઉન્ટર હોય તેના કરતા ધન તેરસના દિવસે સરેરાશ 50 ટકા જેટલો વધારો થતો હોય છે. આ વર્ષે પણ આ પ્રમાણે ના જ આંકડાઓ જોવા મળશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ચાંદીના દાગીનાઓ, સિક્કા અને ભગવાનની મૂર્તિઓના વેચાણમાં વધારો થશે. > તુષારભાઇ ચોકસી : પ્રમુખ સુરત જ્વેલર્સ એસો.
ચાંદીમાં ગત વર્ષ કરતાં 5 હજાર ઓછા
સોના અને ચાંદીમાં પ્રતિ વર્ષ ભાવમાં સતત વધારો થતો રહે છે પરંતુ ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ભાવ ઓછા છે. એક અંદાજ પ્રમાણે ગત વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન ચાંદીના ભાવ પ્રતિ કિલોના રૂ. 44 હજારની આસપાસ હતા. આ વર્ષે ચાંદીના ભાવમાં રૂ.5 હજારનો ઘટાડો થયો છે અને આ વર્ષે ચાંદીના પ્રતિ કિલોના ભાવ રૂ.39 હજાર જેટલા છે. એટલે ખરીદીમાં પણ ‌વધારો થવાની સંભાવના છે.