જર્જરિત મકાનો કોને ગણવાં, કોઈ નીતિ જ નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંક્રીટ સિવાયના સ્ટ્રક્ચરવાળા મકાનોનું ફક્ત તેના દેખાવના આધારે જ જોખમી પણું નક્કી થાય છે, કોઈ વૈજ્ઞાનિક સર્વે કરવાની સુરત પાલિકા પાસે વ્યવસ્થા જ નથી
વાડીફળિયા, સ્ટોરશેરીમાં મકાન તૂટી પડવાની ઘટનાએ શહેરમાં જર્જરિત મકાનોના મુદ્દે ગંભીરતાનો સંકેત આપી દીધો છે. પાલિકાએ પણ આ દિશામાં ધ્યાન કેન્દ્રિ‌ત કર્યું છે. જૂના મકાનોમાં જર્જરિત સ્થિતિમાં જણાતા મકાનોને નોટિસ આપવા માટેની તજવીજ હાથ ધરી છે. જોકે, સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું છે કે, પાલિકા આવી નોટિસ ફક્ત જે તે મિલકતના દેખાવને આધારે જ આપી રહી છે.
બીજા શબ્દોમાં દેખાવથી પડું પડું થઈ રહી હોય તેવી મિલકતોને જ નોટિસ આપીને સંતોષ મેળવી રહી છે. પાલિકા પાસે કોંક્રીટના ઇમારતો સિવાયની મિલકતોના સ્ટ્રક્ચરને ક્યારે જોખમી ગણવું તે માટેના કોઈ ચોક્કસ માપદંડ કે ધારાધોરણ નથી. એટલે, શહેરમાં ખરેખર જર્જરિત મિલકતો કેટલી છે, તેનું સાચું પ્રમાણ રેકર્ડ
ઉપર નથી.
વાડીફળિયામાં સ્ટોર શેરીમાં જર્જરિત મકાન ભોંયભેગુ થયું અને તેમાંથી આઠ લોકોને માંડ માંડ ઊગારાયા. આ ઘટના બાદ શહેરમાં જર્જરિત મકાનોનો મુદ્દો સપાટી ઉપર મૂકાયો છે. પાલિકા આવા મકાનો બાબતે કાર્યવાહી કરી રહી છે. જર્જરિત જણાતી મિલકતોને નોટિસ આપીને તેને રિપેર કરાવવાથી માંડીને ઊતારી પાડવા માટેની ચેતવણી આપે છે. અલબત્ત, ઘણા કિસ્સામાં પાલિકાને માત્ર નોટિસો આપીને બેસી રહેવાની ફરજ પડી રહી છે. તેની પાછળ જે તે મિલકતના કાનૂની દાવાઓ, ભાડૂત અને માલિક વચ્ચેના ઝઘડાઓ અડચણ બની રહ્યાં છે.
ફરી જર્જરિત મકાનો શોધવા કસરત કરવાની નોબત
પાલિકાએ જુના મકાનોનો ફરી સરવે કરવો પડે એવી જરૂરિયાત ઊભી થઈ છે. કેમકે વરસાદી વરસાદી વાતાવરણમાં જુના મકાનો જવાબ આપી દે છે. એટલે ચાલુ ચોમાસુ જર્જરિત મકાનોની સત્તાવાર યાદી સિવાયના જર્જરિત મકાનો માટે આફત લઈને આવી શકે છે. ઉપરથી જર્જરિત મકાનો નક્કી કરવા માટેની કોઈ વ્યાખ્યા નથી, ત્યારે નવેસરથી આવા મકાનો શોધવાની કવાયત કરવાની નોબત આવી છે.
બહારથી રૂપાળું પરંતુ અંદરથી ખખડધજ મકાન કેમ નક્કી કરવું
જર્જરિત મકાનોના સંદર્ભમાં કાનૂની મર્યાદા એક મુદ્દો છે પરંતુ બીજો પેચીદો મુદ્દો એવો છે કે, મકાનોને જર્જરિત ગણવા કઈ રીતે? ખાસ કરીને કોંક્રીટના સ્ટ્રક્ચર સિવાયનું બાંધકામ ધરાવતા મકાનો? વાડીફળિયા સ્ટોરશેરીની ઘટના પહેલાં પાલિકાએ શહેરમાં ૧૭૧ જેટલી મિલકતોને જોખમી ગણીને નોટિસ આપી હતી. જોકે, તે યાદીમાં આ સ્ટોરશેરીનું મકાન નહોતું. આ મકાન બહારથી સારું લાગતું હતું પરંતુ અંદરથી ખખડી ચૂક્યું હતું. એટલે, એકાએક જમીનદોસ્ત થઈ ગયું. આને લીધે પાલિકા કયા આધારે મકાનને જર્જરિત કે જોખમી છે, તેવું નક્કી કરી રહી છે.
જોખમી મિલકતોનો આંકડો મોટો હોઈ શકે
પાલિકાના રેકર્ડ ઉપર હમણાં ૧૭૧ જેટલી મિલકતો જોખમી છે. જોકે, આ આંકડો ખૂબ મોટો પણ હોઈ શકે. જૂના મકાનોને રિપેર કરવાના પરંપરાગત વ્યવસાય કરતાં ઇન્દ્રવદન ગજ્જરનું કહેવું હતું કે, કોટ વિસ્તારમાં કોંક્રીટ સિવાયના સ્ટ્રક્ચરના જે મકાનો છે, તે કમસેકમ ૭પ વર્ષ જૂના ગણી શકાય. આવા મકાનોમાંથી ૩૦ ટકા મકાનો તો એવા છે કે જેની સ્થિતિ સંપૂર્ણ સુરક્ષિત નથી. આખું મકાન જોખમી નહીં હોય તો પણ તેનો કોઈને કોઈ હિ‌સ્સો તો જોખમી બની ચૂક્યો હશે.
પાલિકા હમણાં માત્ર દેખાવ ઉપરથી નક્કી કરે છે જોખમી મકાન
પાલિકાએ જે ૧૭૧ જેટલા મકાનોને જોખમી હોવાની નોટિસ આપી છે, તે બધાને કઈ રીતે જોખમી નક્કી કરાઈ? તે અંગે ચાર દિવસ પહેલાં જ નિવૃત થયેલાં પાલિકાના સેન્ટ્રલ ઝોનના પૂર્વ વડા મોહન દારૂવાલાનું કહેવું હતું કે, મોટાભાગના મકાનો તેના દેખાવ ઉપરથી જ નક્કી થતાં હોય છે કે તેની સ્થિતિ કેવી છે. કોંક્રીટના મકાનોના સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી નક્કી કરવાના ધારાધોરણો છે, પરંતુ લાકડાના સ્ટ્રક્ચર કે ગર્ડર-ચનેલવાળા સ્ટ્રક્ચરના મકાનોમાં તેનું સ્ટ્રક્ચર અંદરથી કેટલું સક્ષમ છે, તે નક્કી કરવાનો એવા કોઈ ચોક્કસ ધારાધોરણ કે ગાઈડલાઈન નથી. હમણાં માત્ર જોઈને જ મિલકતને જોખમી સમજીને નોટિસ આપાઈ રહી છે.
જતીન શાહ (સિટી ઇજનેર) સાથે સીધી વાત
હમણાં કયા આધારે મકાનોની સ્થિતિ જોખમી છે તેવું નક્કી થાય છે
કોંક્રીટના મકાનોમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ‌ફિકેટના આધારે અને તેના સિવાય લાકડા કે ગર્ડરવાળા મકાનોમાં પ્રાથમિક દેખાવના આધારે
જૂના મકાનો બહારથી સારા દેખાય પણ અંદરથી ખોખલા થઈ ચૂક્યાં હોય તો
તેના માટે કોઈ એવા ધારાધોરણ નથી, કે અંદરથી કેટલું જોખમ છે તે જાણી શકાય
આવું જાણીને જર્જરિત મકાન શોધવા શું કરી શકાય
તેના માટે આવા દરેક જૂના મકાનોનું નિષ્ણાંતો પાસે સંપૂર્ણ અવલોકન કરાવ્યા સિવાય છૂટકો નથી