ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર: ૭/૧૨ના ઉતારામાં ભ્રષ્ટાચારને એન્ટ્રી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બિનખેતી અને સાત બારના ઉતારામાં એન્ટ્રીમાં ભ્રષ્ટાચારનો વ્યાપ ઘણો વધારે

તમે શહેરમાં પ્લોટની ખરીદી કરી હોય અને તમારૂ નામ તમે માલિક તરીકે સાતબારના ઉતારામાં ચઢાવવા માગતા હો અને તમે આ કામ જાતે કરવા માંગતા હશો તો ભૂલી જજો, ટાઉટ વગર ઓલપાડ, સુરત, ચોર્યાસી,બારડોલી મામલતદાર કચેરીમાં પ્લોટને કાયદેસર માલિક સાબિત કરવા માટે એન્ટ્રીની કામગીરી કરવી લગભગ અશકય છે. સર્કલ ઓફીસરની કક્ષાએથી જે એન્ટ્રીનો ૩૦ દિવસમાં નિકાલ કરવાનો હોય છે, તેનો મહિ‌નાઓ સુધી નિકાલ થતો નથી. બીજી બાજુ કેટલીક એન્ટ્રીઓ ટેબલ નીચેથી ફટાફટ મંજુર થઇ જાય છે.

મોટાભાગે દરેક મામલતદાર કચેરીમાં રોજના પ૦ થી ૧૦૦ પ્રોજેકટોના બિનખેતીના પ્લોટો એન્ટ્રી માટે આવે છે. હાલમાં કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ એક ફાઇલ પર મીનીમમ રૂ.૧૦૦૦૦ ઉઘરાવતા હોવાના ગંભીર આક્ષેપો છે.એવું નથી કે ઉપલા અધિકારીઓ આ વિશે જાણતા નથી પરંતુ તેમનું મૌન પણ ખરીદાયેલું હોય છે.

- કેવી રીતે કરાય છે સરેઆમ ભ્રષ્ટાચાર

- તમે સાતબારમાં પ્લોટ તમારા નામ પર ચઢાવવા જાવતો તે માટે દસ્તાવેજ અને અન્ય પૂરાવા તમારે જે તે તાલુકા કે સિટી મામલતદાર કચેરીને રજૂ કરવા પડે છે.
- સર્કલ ઇન્સપેક્ટર ( નાયબ મામલતદાર) આ પૂરાવા પ્રમાણિત કરેતો જ તમારૂ નામ ચઢી શકે છે. સર્કલ ઇન્સપેકટરે ( નાયબ મામલતદાર) ૩૦ દિવસમાં ૧૩પ-ડીની નોટીસ વેચનાર માલિકને બજવવાની હોય છે.
- પણ કેટલાય કેસમાં જ્યાં સુધી વ્યવહાર ના થાય ત્યાં સુધી તમારા દસ્તાવેજમાં ટ્રુ કોપી નથી,ઇન્ડેકસની નકલ નથી, માપણી નથી, ટ્રુ કોપીનો સિક્કો માર્યો નથી કહીને એન્ટ્રી દિવસો સુધી અટકાવી રાખે છે.
- જે બિલ્ડરે પ્લોટિંગ કર્યુ હોય તેણે ગરજ પ્રમાણે ભાવ આપવા પડે છે.
- આ ભ્રષ્ટ કર્મચારીઓ રેવન્યુ એડવોકેટ કે પછી અન્યોને દાદ આપતા નથી.
- સુરત મામલતદાર કચેરીમાં પ્રતિ દીન ૧૦૦ જેટલી એન્ટ્રી આવે છે. તેજ રીતે ઓલપાડ, બારડોલી, કામરેજ અને અન્ય મામલતદાર કચેરીમાં ૮૦ જેટલી એન્ટ્રીઓ રોજ આવે છે.
- સુરત મામલતદાર કચેરીમાં જાન્યુઆરીથી સંખ્યાબંધ એન્ટ્રીઓનો નિકાલ થયો નથી.
- હાલમાંજ બદલી થયેલા સર્કલ ઇન્સપેકટરો ટાઉટોને મળવાની સલાહ એડવોકેટોને આપતાં હોવાના
આક્ષેપો થઇ રહ્યાં છે.

- સિસ્ટમ સુધારો અને પગલાં લો

પ્રણવ પટેલ: પાર્ટી‍નો દસ્તાવેજ થાય ત્યારેજ તેની નકલ સબ-રજિસ્ટ્રાર કચેરી અને સિટી સર્વે કચેરીને મળવી જોઇએ. તેના આધારે કાચી નોંધ કરી સર્કલ દ્વારા ત્વરીત ૧૩પ-ડીની નોટીસની બજવણી થવી જોઇએ. યોગ્ય સુપરવિઝન જરૂરી છે.

કાંતિ રાંદેરિયા: ટાઉટો હોયતોજ અહીં કામ થાય છે, નાયબ મામલતદારો અને રેવન્યુ કર્મચારીઓ ભ્રષ્ટાચારનું લોહી ચાખી ગયા છે, તેથી તેઓ સામે આકરી કાયદાકીય કાર્યવાહી અનિવાર્ય છે.

- રેકોર્ડ ચેક કરાશે

એન્ટ્રીના રેકર્ડ ચેક કરાશે. કાંઇ ખોટુ જણાયુંતો જવાબ મગાશે. કેટલાક ના.મામલતદારો સામે ફરિયાદ બાદ કાર્યવાહી થઈ છે.
- એચ.કે. વ્યાસ, પ્રાંત અધિકારી, ચોર્યાસી-ઓલપાડ

- જવાબદાર સામે કાર્યવાહી થશે

સર્કલ ઇન્સપેકટરની ભૂમિકા સામે તપાસ કરશે. આ ભ્રષ્ટાચાર નિવારવા અમે ચોક્કસ નવી સીસ્ટમ લાવવા પ્રયાસ કરીશું.
- એમ.એમ.પારઘી, સિટી પ્રાંત અધિકારી