સાયણની સોસાયટીમાં કોમન પ્લોટ વેચી દેવાનું કૌભાંડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયણ ગામની મધ્યે આવેલી બ્લોક નં. ૯૬વાળી આર્મવન સોસાયટીમાં વર્ષો પહેલા તમામ પ્લોટોનું વેચાણ કરાયા બાદ પ્લોટ હોલ્ડરોએ મકાન બાંધકામ કર્યા બાદ હાલના તબક્કે જમીનનાં ભાવોમાં આવેલા ઉછાળાથી બ્લોક નં. ૯૬ના ઓર્ગેનાઇઝરની કોમન પ્લોટ પર દાનત ખોરી થતાં તેણે ફરી બ્લોક નં. ૯૬ને રિવાઈઝ કરી સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે પ્લોટ પાડી તેને વેચી દેવાયા હતા. આ બાબતે સોસાયટીના રહીશો સાથે છેતરપિંડી કર્યાની વાતે સોસાયટીના રહીશોએ એક એનજીઓના સહકારથી ખાતાકીય ફરિયાદ કરી હતી. આથી મહેસૂલ વિભાગે તપાસ હાથ ધરી છે.

સાયણનાં બ્લોક નં. ૯૬ના કુલ ક્ષેત્રફળ ૨૨૮૬પ.૦૦ ચો.મી. વાળી જમીનમાં ઓલપાડના તાલુકા વિકાસ અધિકારીએ ૧૯૯૦માં કુલ ૮૮૭૩.૧૬ ચો.મી. જમીનથી વધુ બાંધકામ નહીં કરવાની શરતે રહેણાંક હેતુ માટે બીનખેતી પરવાનગી આપી હતી, ત્યારે જમીનનો મંજૂર કરવામાં આવેલા લે-આઉટ પ્લાનમાં ઓલપાડ - સાયણ મુખ્ય માર્ગથી મધ્ય રેખાથી ૩૦.૪૮ મીટરનું અંતર દર્શાવ્યા બાદ કોમન પ્લોટ દર્શાવી કોમન પ્લોટ પછી પ્લોટ નં. ૧૨૯થી ૧૩૪ (ડ) ૨૧ દર્શાવી ઓર્ગેનાઇઝર ગુલામ મહમદ ઇસ્માઇલ માસ્તરનાઓએ સોસાયટીનાં કોમન પ્લોટમાં ગેરકાયદેસર પ્લોટ પાડી વેચવાનું કૌભાંડ કરાયું હતું.

મહેસૂલ વિભાગે ફરિયાદને રિવિઝનમાં લઈ ફેર તપાસણી સાથે ઓર્ગેનાઇઝરને કારણદર્શક નોટિસ પાઠવી છે. એટલુ જ નહીં ફરિયાદમાં છેવટનો નિર્ણય ન થાય ત્યાં સુધી જમીનની યથાવત જાળવી કોઈપણ પ્રકારનું બાંધકામ નહીં કરવા માટે કે તબદીલ નહીં કરવાનો પણ મહેસૂલ વિભાગ સચિવે હુકમ કર્યો છે.