સિવિલ કેન્સર ડીટેકશન સેન્ટર રેડીએશન સારવાર માટે અદ્યતન મશીનથી સુસજ્જ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિનિયર એક્સીલરેટર, બ્રેકીથેરાપી તેમજ સીટી સ્કેન મશીન ૩૧મીથી લોકસેવામાં

સિવિલ કેમ્પસમાં આવેલા લાયન્સ કેન્સર ડીટેકશન સેન્ટર ટ્રસ્ટ સંચાલીત તેજાણી કેન્સર ઈન્સ્ટીટયુટને અદ્યતન રેડીયેશન ટેકનોલોજી ધરાવતા લિનિયર એક્સીલરેટર, બ્રેકીથેરાપી તથા સીટી સ્કેન મશીનોથી સુસજ્જ કરવામાં આવ્યું છે. તેનો આગામી ૩૧મી શનિવારે લોકાર્પણ સમારોહ યોજાશે. ખાસ વાત એ છે કે કેન્સરના દર્દીઓને રેડીએશનની ઉત્તમ સારવાર રાહતદરે ઉપલબ્ધ બનશે. ગુજરાત સરકારની ગ્રાન્ટ અને દાતાઓના સહકારથી સિવિલ કેમ્પસમાં ૩પ વર્ષથી કેન્સર પીડીતોની વિના મૂલ્યે સારવાર આપતા કેન્સર ડીટેકશન સેન્ટર ખાતે શ્રી દેવરાજભાઈ બાવાભાઈ તેજાણી કેન્સર ઈન્સ્ટીટયુટ નિર્માણ કરાયું છે. તેમાં સમયની જરૂરિયાત મુજબ આધુનિક મશીનોમાં લિનિયર એક્સીલરેટર, બ્રેકીથેરાપી તેમજ સીટી સ્કેન એમ ત્રણ મશીનો લાવવામાં આવ્યા છે તેના થકી રેડિયોથેરાપીની સારવાર કેન્સરના દર્દીઓને નહી નફો નહી નુકશાનના ધોરણે પુરી પાડવામાં આવશે. ૩૧મીએ સવારે ૯.૩૦ કલાકે સિવિલ કેમ્પસમાં ડી.બી.તેજાણી કેન્સર ઈન્સ્ટીટયુટ ખાતે ઉદ્ધઘાટન સમારોહ યોજાશે.

બ્રેકીથેરાપી ગર્ભાશયના દર્દીઓ માટે આશિર્વાદરૂપ
જર્મનીથી ખરીદાયેલા મશીનથી અમુક દર્દીઓમાં વધારાનુ રેડીયેશન આપી શકાય છે અને રીમોટ કંન્ટ્રોલ આફ્ટર લેડીંગ હોવાથી સ્ટાફને પણ રેડીએશન રીસ્ક ઓછું થાય છે. વળી દર્દીઓને હોસ્ટીટલાઈઝ થવાની જરૂર રહેતી નથી. તે ગર્ભાશય જેવા રોગોમાં વધારાનું રેડીયેશન આપી ક્યોરરેટ વધારી શકાય છે.

ડયુઅલ એનર્જી લિનિયર એક્સીલરેટરના ફાયદા
ડયુઅલ એનર્જી લિનિયર એક્સીલેટર મશીન યુ.એસ.એથી ખરીદવામાં આવ્યું છે. આ મશીન સાથે બે ફોટોન એનર્જી (૬એમવી, ૧પએમવી) અને પ ઈલેક્ટ્રોન એનર્જી છે. આ મશીનથી ૩ડીસીઆરટી (ત્રિપરીમાણીય સીઆરટી), રેપીડઆર્ક, પ્રકારની સારવારનાં લાભ કેન્સરના દર્દીઓને મળે છે.મશીનના કોમ્પ્યુટર પ્લાનીંગ સીસ્ટમમાં સીટી સીમ્યુલેટરના ડેટા મંગાવીને સારવારનુ આયોજન કરવામાં આવે છે. તેથી રેડિયેશન સારવારની આડ અસર ઘટાડી સારવાર કરી શકાય છે અને વધુ સારો ક્યોરરેટ મેળવી શકાય છે.