તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાકરાપાર: સિંગોદ પાસે નહેરમાં ગાબડાંથી ભયનો માહોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગોદના વાંદરી ફળિયા નજીક નહેરના કોંક્રિટમાં ગાબડુ પડવાથી જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે
ભંગાણ પડે તો ચાર પેટા વિભાગની નહેર સંલગ્ન ખેડૂતોના ખેતરોમાં પાકને ગંભીર અસર થવાની શક્યતા
નહેરમાં ભંગાણ પડે તો હળપતિવાસમાં પાણી ઘરમાં ઘુસવાની સાથે જાનહાની થવાની સંભાવના
સુરત જિલ્લાના કાકરાપારમાંથી છૂટી પડતી સુરત બ્રાંચની મોટી નહેર સિંગોદ ગામેથી પસાર થાય છે. સિંગોદ ગામના વાંદરી ફળિયા નજીક નહેર જર્જરિત અવસ્થામાં પહોંચી ગઈ છે. ગમે તે ઘડીએ નહેરમાં ભંગાણ પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે. સમયસર મેઇન્ટેનન્સના અભાવે નહેરમાં અનેક જગ્યાએ મોટા ગાબડાં પડી માટીનું ધોવાણ થયું છે. આ નહેરમાં ભંગાણ પડે તો નજીકના હળપતિવાસમાં જાનહાનીની થવાની ઘટના પણ બની શકે તેમ છે. અનેક રજૂઆત છતાં નહેર ખાતાના અધિકારીઓનું પેટનું પાણી ન હાલતું નથી. આવનારા દિવસોમાં આવી ઘટના બને તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઊભો થયો છે.
કાકરાપાર જળાશયમાંથી નીકળતી નહેરોને કારણે સુરતના ખેડૂતો પોતાના ખેતરમાં મબલખ પાકનું ઉત્પાદન કરી રહ્યાં છે. આ નહેરો ખેડૂતો માટે જીવાદોરી સમાન પણ કહી શકાય છે. સને ૨૦૦૧માં નહેર વિભાગ દ્વારા મોટા ખર્ચે નહેરને કોક્રિંટ કરવામાં આવ્યું હતું, જેના કારણે તમામ નહેરો સુરક્ષિત અને ટકાઉ થઈ ગઈ હતી, પરંતુ સમયસર નહેરના મેઇન્ટેનન્સ અને જાળવણીના અભાવે નહેરોની હાલત બિસમાર બની ગઈ છે.
કાકરાપાર જળાશયમાંથી છૂટી પડતી સુરત બ્રાંચ સિંગોદ ગામની સીમમાંથી પસાર થાય છે. આ નહેર કાકરાપાર સુરત બ્રાંચ આર.ડી ૦થી ૩૦.૬ સિંગોદ ગામના વાંદરી ફળિયા પાસે અનેક જગ્યાએ મોટા ગાબડા પડી જતા જર્જરિત અવસ્થામાં પહોંચી ગઈ છે. ગાબડાં પડયા બાદ માટીનું પણ ધોવાણ થઈ ગયું છે. નહેર એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે ગમે તે સમયે નહેરમાં ભંગાણ પડવાની શક્યતા રહેલી છે.
એટલું જ નહીં નહેરમાં જો ગાબડુ પડે તો નજીકમાં આવેલ હળપતિવાસમાં જાનહાનીની પણ શક્યતા વર્તાઈ રહી છે. આ મોટી નહેરમાંથી હજારો હેક્ટર જમીનને પિયત પુરુ પાડવામાં આવે છે. નહેરનું પાણી ડૂમસ સુધી પહોંચાડવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સર્જા‍ય તો આજુબાજુના ખેડૂતોના ખેતરોને પણ ભારે નુકસાન થવાની શક્યતા છે.
નહેર અંગે સ્થાનિક ખેડૂતોએ અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ અસરકારક પગલા ન ભરતાં ખેડૂતોમાં અધિકારી પ્રત્યે રોષ પ્રવર્તી રહ્યો છે. અધિકારીઓ પોતાની ખુરશી છોડીને સ્થળ વિઝીટ કરે એ જરૂરી બન્યું છે.