કેબલ ઓપરેટર કનેક્શન એક જ ક્લીક કરીને જાણી શકાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સેટ ટોપ બોક્સથી મનોરંજન વિભાગને પણ ફાયદો

કેન્દ્રના માહિ‌તી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તમામ કેબલ ઓપરેટરોને ૩૧મી માર્ચ ૨૦૧૩ સુધીમાં એનેલોગ સીસ્ટમથી પ્રસારણ બંધ કરીને સેટ ટોપ બોક્સ લગાવવા આદેશ અપાયા છે. રાજ્યના વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતના કેબલ ઓપરેટરો પણ હવે ગ્રાહકોને સેટ ટોપ બોક્સ પહોંચતા કરવા દોડતા થયા છે. આ સેટ ટોપ બોક્સ લાગી ગયા બાદ કેબલ ઓપરેટરોના કનેકશન સરળતાથી જાણી શકાશે. આ સીસ્ટમનો સૌથી મોટો ફાયદો મનોરંજન વિભાગને થવાનો છે અને માત્ર સુરત શહેરમાંથી જ મનોરંજન વિભાગને પ્રતિમાસ અંદાજે રૂપિયા ૪૨ લાખથી વધારે આવક મળતી થવાની ધારણા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત શહેરના કેબલ ઓપરેટરો શહેરમાં માત્ર બે લાખ કનેકશન હોવાનું જણાવીને પ્રતિ માસ અંદાજે રૂપિયા છ લાખ જેટલો જ મનોરંજન કર જમા કરાવે છે. બાકીના ભૂતિયા કનેકશનોના રૂપિયા ગ્રાહકો પાસેથી તો લેવામાં આવે છે પરંતુ મનોરંજન વિભાગની તિજોરી સુધી પહોંચતા નથી. આગામી ૩૧મી માર્ચ સુધીમાં શહેરના મુખ્ય ચાર હેઇડન જીટીપીએલ, ઇન કેબલ નેટવર્ક, ડેન નેટવર્ક અને દેવશ્રી નેટવર્ક દ્વારા પોતાના ઓપરેટરોના માધ્યમથી શહેરના ગ્રાહકોને સેટ ટોપ બોક્સનું વિતરણ કરી દેવામાં આવશે.

શહેરના મોટા ભાગના વિસ્તારોમાં એનોલોગ સીસ્ટમને બદલે સેટ ટોપ બોક્સના માધ્યમથી પ્રસારણ શરૂ પણ થઇ ગયું છે. એક વખત સેટ ટોપ બોક્સ લાગી જશે ત્યાર બાદ મનોરંજન વિભાગની કાર્યવાહી સરળ થઇ જશે. ખાસ કરીને કોઇ પણ હેઇડનના હાથ નીચે કેટલા કેબલ ઓપરેટર છે અને આ કેબલ ઓપરેટરો કેટલા કનેકશન ધરાવે છે તેની તમામ વિગતો હેઇડનના કોમ્પ્યુટર ડેટા પર એક ક્લિક કરવાથી મનોરંજન વિભાગને મળી જશે.

- એક હેઇડને બે ટ્રક સેટ ટોપ બોક્સ મંગાવ્યા

સેટ ટોપ બોક્સ લગાવવા માટે શહેરના હેઇડનો અને કેબલ ઓપરેટરો પણ હવે સક્રિય થઇ ગયા છે. એક મોટા ગજાના હેઇડન દ્વારા બે ટ્રક સેટ ટોપ બોક્સ મંગાવીને પોતાના કેબલ ઓપરેટરોને વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. સેટ ટોપ બોક્સના વિતરણમાં કેબલ ઓપરેટરો પણ હવે કામે લાગ્યા છે તેમજ પોતાની અલગ અલગ ટીમો દોડતી કરી છે.