તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં મોદીના કોંગ્રેસ પર પ્રહાર: 22 વર્ષમાં ભલભલાંને મંદિરે જતા કરી દીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીએ કહ્યું, પરાજય ભાળી ગયેલી કોંગ્રેસને નથી આવતી ઊંઘ - Divya Bhaskar
મોદીએ કહ્યું, પરાજય ભાળી ગયેલી કોંગ્રેસને નથી આવતી ઊંઘ

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા કોંગ્રેસના લોકો એવું પૂછે છે કે ભાજપે 22 વર્ષમાં શું કર્યું, તેનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કડોદરા ખાતે વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે -ભલભલાને મંદિરે જતા કરી દીધા છે. આ ઉપરાંત જાતિવાદનુ ઝેર ફેલાવનારાઓને 9મી ડિસેમ્બરે સજા આપવાની પણ વાત કરી હતી.

- કોંગ્રેસના એક મંત્રી તો સુરતમાં બોમ્બની હેરાફેરીમાં જેલની સજા ભોગવી ચૂક્યા છે

કડોદરાના અકાળમુખી હનુમાન મંદિર નજીક યોજાયેલી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં આવીને કોંગ્રેસના લોકો એવું પુછે છે કે ભાજપે છેલ્લા 22 વર્ષમાં શુ કર્યુ, તો ભલભલાને મંદિર જતાં કરી દીધા. આવું જણાવીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વગર હાલમાં ચૂંટણી પ્રચાર વખતે તેમના મંદિરોમાં દર્શને જવા પર પ્રહાર કર્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે અત્યાર સુધી કોંગ્રેસને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું. કોઇ પણ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ કોઇના પણ ખોળામાં બેસી જાય છે. ભાજપે છેલ્લાં 22 વર્ષમાં ગુજરાતના લોકોને સુરક્ષા આપવાનુ કામ કર્યુ છે. તેમજ સામાન્ય લોકોના જીવન બદલવાનો પણ પ્રયાસ કર્યો છે. 25 વર્ષ પહેલા તમે કાળા કામ કર્યાને તેના લીધે સમાજ છન્ન ભિન્ન કરી નાંખ્યો હતો. ત્યારે કોમી હુલ્લડોની પણ હારમાળા સર્જાતી હતી. તે સમયે સુરતમાં કોંગ્રેસની સરકારના મંત્રી પણ બોમ્બ ધડાકાની હેરાફેરીમાં જેલની સજા ભોગવી ચુકયા છે. 

વિકાસ વિશે વાત કરતા કહ્યું કે બાળકોને પઢાઇ, યુવાનોને કમાઇ અને વૃદ્ધોને દવાઇ આપવાનું કામ સરકાર કરી રહી છે. જનધન યોજનાને સફળ બતાવતા કહ્યું કે ગરીબોની અમીરી અને અમીરોની ગરીબી જોઇ. બેંકોમાં જનધન ખાતાઓ ઝીરો બેલેન્સ ખોલાવ્યા પરંતુ તે  પછી સામાન્ય ગરીબ લોકોએ 67 હજાર કરોડ જમા કરાવી દીધા. વડાપ્રધાને કહ્યું કે ચૂંટણી આવતા જ કોંગ્રેસે બહુ કાદવ ઉછાળ્યો છે. તે કાદવથી કમળ ખીલશે.

ગુજરાતીઓમાં વાણી, વર્તન અને વહેવાર પારખવાની શક્તિ છે. જાતિવાદના નામે સમાજને જેટલો પીંખાઇ તેટલો પીંખતા રહ્યા છે. ગુજરાત તમારા પાપની સજા હજુ પણ ભોગવી રહ્યો છે, તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાતિવાદનુ ઝેર ફેલાવનારાઓને 9મી ડિસેમ્બરે સજા આપવાની છે.

પહેલાં પણ હજીરામાં દરિયો હતો જ, કેમ કોઇને ખ્યાલ ન આવ્યો

કડોદરા ખાતે જાહેર સભામાં વડા પ્રધાન મોદીએ ઘોઘા-દહેજ ફેરી સર્વિસ અંગે પણ કોંગ્રેસ પર ચાબખા માર્યા હતાં. અને કહ્યું હતું કે, હજીરામાં દરિયો છે જ કેમ કોઇને ખ્યાલ ન આવ્યો. આ દરિયો મોદી આવ્યા પહેલાં પણ હતો. તો ઘોઘા દહેજ ફેરી સર્વિસ કરવા કોણે રોક્યા હતાં. કારણ એ છે કે, તેઓને ખબર જ નથી પડતી કે કેવી રીતે વિકાસ કરાય. આજે કલાકમાં રો-રો ફેરીને લીધે ઘરે પહોંચી જવાઈ છે. મોદીએ સફળ રહેલી દહેજ રો-રો ફેરીને છેક કચ્છ અને મુંબઈ સુધી વિસ્તારવાની પણ જાહેરાત કરી છે. 

વેપારીઓને આપી ગુમાસ્તાથી મુક્તિ

સુરતમાં ઘણા મોલ છે. જે રાત્રિના 11-12 વાગ્યા સુધી 365 દિવસ ચાલતા હોય છે. જ્યારે પાનના ગલ્લા અને કરિયાણાના વેપારીને ગુમાસ્તાધારાના લાયસન્સ હેઠળ એક દિવસ વેપાર બંધ રાખવો પડતો હતો. સામાન્ય લોકોને ફાયદો થાય તેમ ગુમાસ્તાના લાયસન્સમાંથી મુકિત આપી છે.

ઉમેદવારોની કમળની રેપ્લીકા સાથે ઓળખ

11 ઉમેદવારોની ઓળખ નરેન્દ્ર મોદીએ કરાવી હતી. તેમાં વિધાનસભા પ્રમાણે ઉમેદવારોના નામ બોલતા ઉમેદવારો કમળની રેપ્લીકા સાથે હાજર રહ્યા હતા.
 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, સુરક્ષા, ગરીબી, દરિયાકિનારા, નર્મદા, સરદાર અને મોરારજીભાઇને અન્યાયના મુદ્દા ઉઠાવ્યા....

અન્ય સમાચારો પણ છે...