સફાઈ/ મચ્છરના ઉપદ્રવનું કેન્દ્ર બનેલી કાપોદ્રા ખાડીની સફાઇ માટે મનપાની ટીમ દ્વારા કવાયત શરૂ

DivyaBhaskar.com

Dec 07, 2018, 12:44 PM IST
ગંદકીની સફાઇ માટે પગલાં શરૂ કરાયા
ગંદકીની સફાઇ માટે પગલાં શરૂ કરાયા

* રહીશોને ખાડીમાં ગંદકી ન ઠાલવવા તંત્રની અપીલ


* સહજાનંદ ખાડીમાં બે મૃત વાછરડા ફેંકી દેવાયા હતાં

સુરતઃ
કાપોદ્રાના કલાકુંજ મંદિરની પાછળની ખાડી ઉકરડામાં ફેરવાઇ હોવાની રજૂઆત બાદ પાલિકાના ડ્રેનેજ અને આરોગ્ય વિભાગની ટીમે સ્થળ તપાસ કરી ઠલવાયેલી ગંદકીની સફાઇ કરવાની કવાયત શરૂ કરી હતી. આ સાથે જ રચના સર્કલ નજીકની સહજાનંદ ખાડીમાં પણ ગંદકી અને દબાણ કરનાર કેટલાક તબેલાવાળા દ્વારા ગંદકીની સાથે મૃત જન્મેલા વાછરડા પણ ખાડીમાં ફેંકાતા હોવાની બાબત સામે આવતાં તેની પણ સફાઇ કરવામાં આવી હતી. પાલિકાએ સ્થાનિકોને ખાડીમાં કચરો ન નાંખવાની સાથે ડોર ટુ ડોર કચરા ગાડીનો જ ઉપયોગ કરવા અપીલ પણ કરી હતી.

ગંદકીની સફાઇ માટે પગલાં શરૂ કરાયા

કાપોદ્રાના ગીચ રહેણાક વિસ્તારમાંથી પસાર થતી કલાકુંજ અને સહજાનંદ વિસ્તારની ખાડીની યોગ્ય સફાઇ ન થતાં સ્થાનીકો નર્કાગારની સ્થિતિમાં મુકાઇ ગયા છે. પાલિકાના મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ અને વરાછા ઝોનના આરોગ્ય વિભાગની ટીમે કલાકુંજની ખાડીનું નિરિક્ષણ કર્યુ હતું. દરમિયાન જોવા મળેલી ગંદકીની સફાઇ માટે પગલાં શરૂ કરાયા હતાં. નદીના પાણીની ગુણવત્તા વધારવા ખાડીનું પાણી નદીમાં ન ઠલવાય તે માટે ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

બીમારી ફેલાઇ રહ્યાનું તારણ બહાર આવ્યું

ખાડીમાં સ્થિર થયેલાં પાણીને લીધે ગંદકીની સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાથી બીમારી ફેલાઇ રહ્યાનું તારણ બહાર આવ્યું હતું. પાલિકા અધિકારીઓની સ્થળ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, કેટલાક સ્થાનિકો જ ખાડીમાં ગંદકી ઠાલવી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગે તેમને ડોર ટુ ડોર કચરા ગાડીમાં જ કચરો નાંખવાની સમજ આપી હતી. આ સાથે જ રચના નજીકની સહજાનંદ વિસ્તારની ખાડીમાં તબેલાની ગંદકી ઠલવાઇ રહી હોવાની માહિતી પણ સામે આવી હતી. ખાડી કિનારે તાણી દેવાયેલા કેટલાક તબેલાઓમાંથી મૃત વાછરડા પણ ખાડીમાં ફેંકી દેવાયાની માહિતી સ્થાનિક કોર્પોરેટર દિનેશ સાવલિયાને મળી હતી. તેમણે સ્થળ ઉપર દોડી જઇ પાલિકાના માર્કેટ વિભાગને જાણ કરી બે મૃત ગાયના બચ્ચાંને બહાર કઢાવવામાં આવ્યા હતા અને નિમય પ્રમાણ તેનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.
X
ગંદકીની સફાઇ માટે પગલાં શરૂ કરાયાગંદકીની સફાઇ માટે પગલાં શરૂ કરાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી