• Gujarati News
  • Businessman Plot Taken From 12 Year, Complain Against Him

બમરોલીમાં 12 વર્ષથી ઉધોગપતિનો પ્લોટ પચાવનારા સામે આખરે ગુન્હો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બમરોલી રોડ પર આવેલા દેવચંદ નગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં છેલ્લા બાર વર્ષથી ગેરકાયદેસર રીતે પ્લોટ પચાવી પાડનાર સામે આખરે ખટોદરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પ્લોટ પચાવી પાડનારને ઝડપી લઇ પોલીસે તેના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

ખટોદરા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, અલથાણ ટેનામેન્ટ ખાતે રહેતા જગદીશચંન્દ્ર રતિલાલ માંડવીવાલાનો પ્લોટ બમરોલી રોડ પર આવેલા દેવચંદ નગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલો હતો. આ પ્લોટ ઉપર વર્ષ ૧૯૯૪માં ઉત્તરપ્રદેશના વતની એવા શિવસીંગ રાજકારણસીંગ રાજપુતે ગેરકાયદેસર રીતે કબજો જમાવીને બોગસ દસ્તાવેજોના આધારે કબજા રસીદ પણ બનાવી લીધી હતી. ર્કોપોરેશનમાંથી બાંધકામની પરવાનગી મેળવ્યા વગર ઇન્ડ્સ્ટ્રીયલ પ્લોટમાં બાંધકામ પણ કરી નાંખ્યું હતું અને બોગસ દસ્તાવેજો રજૂ કરીને પોતાના નામે વેરાબિલ અને લાઇટ બિલ પણ ઇસ્યુ કરાવી લીધા હતા.

પ્લોટના મુળ માલિક જગદીશચંન્દ્ર માંડવીવાલા બિમાર હોવાને કારણે શિવસીંગ રાજપુતને મોકળું મેદાન મળી ગયું હતું. આખરે જગદીશચંન્દ્ર માંડવીવાલાએ પોતાનો પ્લોટ પચાવી પાડનારા શિવસીંગ રાજપુત વિરૂધ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પી.આઇ. સી.કે. પટેલે આ અંગે ગુનો દાખલ કરીને શિવસીંગ રાજપુતની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.