તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જક્કી સ્કૂલ બસ સંચાલકોની પરમીટ રદ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૭૩ સ્કૂલો પાસેથી વિગતો મંગાઈ હતી જેમાંથી માત્ર ત્રણે જ વિગત આપી

આરટીઓ કચેરીએ એક મહિ‌ના અગાઉ શહેરની હાઇ-ફાઈ શાળાઓમાં ફરતી સ્કૂલ બસના ડ્રાઇવરો સહિ‌તની માહિ‌તી માગી હતી. ૩૦ જૂનના રોજ માહિ‌તી મોકલવાની અંતિમ મુદત સુધીમાં માત્ર ત્રણ શાળાઓએ પોતાની પ૦ બસની માહિ‌તી મોકલાવી છે, જ્યારે બાકીની ૭૦ શાળાઓએ હજી કોઈ જાતની માહિ‌તી આપી નથી, જેથી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ અગાઉ આપેલી ચીમકીને અમલમાં લાવી આવી સ્કૂલ બસોની પરમીટ રદ કરશે.

ઉપરાંત આવતા સપ્તાહથી જ સ્કૂલ બસમાં સેફ્ટી અંગેની ચળવળ પણ છેડશે. હાલ જે બસના ડ્રાઇવર વિગતો લઈને આવી રહ્યા છે તેમની બસ પણ ચકાસવામાં આવી રહી છે. આરટીઓએ એપ્રિલમાં શહેર તેમજ બહારની ૭૦ જેટલી શાળાઓને પત્ર લખીને જાણ કરી હતી કે તમારી પાસે જેટલી સ્કૂલ બસ હોય એના ડ્રાઇવરોની તમામ વિગત, પોલીસ વેરિફિકેશન અને તેમની શારીરિક તંદુરસ્તી ચકાસવાની હોય ડ્રાઇવરને રૂબરૂ આરટીઓ કચેરીએ મોકલવો. જો કે સ્કૂલ બસ સંચાલકો અને ડ્રાઇવરોએ આ વાતને ગંભીરતાથી લીધી નથી. અત્યાર સુધીમાં ગોયન્કા, ફાઉન્ટન હેડ અને પી.પી. સવાણી સ્કૂલે જ માહિ‌તી મોકલાવી છે. બાકીની તમામ શાળાઓએ હજી માહિ‌તી મોકલવાની તસ્દી લીધી નથી.

કઈ-કઈ શાળાઓ બેદરકાર

આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ૭૩ શાળાઓની ૩૦૦ જેટલી બસ માટે આ માહિ‌તી મંગાવવામાં આવી હતી. માહિ‌તી ન આપનારી શાળાઓમાં ઘોડદોડ રોડની ડિવાઇન ચાઈલ્ડ, ભરથાણાની થોમસ ઇંગ્લિશ સ્કૂલ, વેસુની પારસ એજ્યુકેશન, વાલક પાટિયાની સ્વામી નારાયણ મિશન, વેસુની શ્રી રવિશંકર વિદ્યામંદિર, સચિનની સેન્ટ જોસેફ, ઉધનાની ઉત્સર્જન, ડુમસ રોડની લાન્સર્સ આર્મી‍, દિલ્હી પબ્લિક સ્કૂલ સહિ‌તની ૭૦ જેટલી શાળાઓનો સમાવેશ થાય છે. આરટીઓ કચેરીના કહેવા પ્રમાણે હજી પણ બસની ચકાસણી અને ડ્રાઇવરોની માહિ‌તી લેવામાં આવી રહી છે. મોટાભાગની માહિ‌તી પોલીસ વેરિફિકેશનમાં અટકી છે. સૂત્રોના જાણાવ્યા મુજબ બસ સંચાલકો તથા ડ્રાઇવરો કરતા આ મામલે શહેરના સ્કૂલ રિક્ષાચાલકોનો રિસ્પોન્સ સારો રહ્યો છે. ૨૦૦ જેટલી સ્કૂલ રિક્ષા ચોપડે નોંધાઈ છે, જેમાંથી ૧૨પ જેટલાં ડ્રાઈવરો માહિ‌તી આપી ગયા છે. ઉપરાંત ફિટનેસ સર્ટિ‌ફિકટે તથા પોલીસ વેરિફિકેશન પણ કરાવી ચુક્યા છે.

કઈ-કઈ ચકાસણી બાકી

સ્કૂલ બસની પરમીટ, ફિટનેસ, વીમો અને પીયુસી
બસની પાછળ સ્કૂલ અને માલિકનું નામ, સરનામું અને ટેલિફોન નંબર
પીળો રંગ અને રેડિયમ પટ્ટી
બસના નિયંત્રણ માટે જવાબદાર વ્યક્તિનો નંબર