અંતે દોઢ કલાક તરફડેલી કમભાગી દાઝેલી મહિ‌લાનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સોનગઢ રેફરલમાં સોમવારે મહિ‌લા દોઢ કલાક તરફડી હતી
- કથળેલા વહીવટના કારણે મહિ‌લાનું મોત નીપજ્યું હોવાની ચર્ચા
સોનગઢની રેફરલ હોસ્પિટલમાં ગત સોમવારે બપોરના સમયે ગંભીર રીતે દાઝેલી સ્થિતિમાં લાવવામાં આવેલી ગણેશ નગરની રહેવાસી મહિ‌લાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આરોગ્ય વિભાગ દ્વારા અક્ષમ્ય વિલંબ કરવામાં આવ્યો હતો. આ મહિ‌લા ગંભીર સ્થિતિમાં દોઢ કલાક જેટલો સમય ડ્રેસિંગ રૂમમાં ફર્શ પર તરફડી હતી. આખરે આ મહિ‌લાને કટોકટ સ્થિતિમાં સુરત સિવિલમાં ખસેડાઇ હતી.
જોકે, સમયસરની સારવાર મળવાના વિલંબ થવાથી અને શરીરે ૮૦ ટકાથી વધુ દાઝી જવાના કારણે એનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજતા આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ થયો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર સોનગઢના મોટા કાકડકૂવા ગામનો વરેશ ગામીત નામનો પરીણિત યુવાન મિલમાં કામ પર જતો હતો એજ મિલમાં કામ પર આવતી શોભા ધર્મેશ ગામીત (૨૦) સાથે પરિચય થયા બાદ બંને વચ્ચ પ્રેમ સંબંધ બંધાયો હતો.
શોભા પણ પરિણીત થતાં એક સંતાનની માતા હતી. એણે આ પગલું માતા પિતા કે પતિને અંધારામાં રાખી ભરતાં તમામે એની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. સોમવારે બપોરે શોભાનો પ્રેમી પોતાની પત્ની તથા પુત્રીઓને મળવા જવા તૈયાર થયો હતો, આ બાબતે તેની પ્રેમીકા શોભા અને વરેશ વચ્ચે ઝઘડો થયો હતો.
ઝઘડા દરમિયાન શોભાએ ઉશ્કેરાટમાં આવી જઈ ઘરમાં કેરોસીન શરીરે છાંટી દઈ દીવાસળી ચાંપી દેતા એ ભડભડ સળગી ગઈ હતી. તેને બચાવવા ગયેલ વરેશ પણ હાથ અને શરીરે દાઝી ગયો હતો. આ બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલા શોભાને ૧૦૮ વાનની મદદથી સોનગઢ રેફરલમાં લાવવામાં આવી હતી. અહી પ્રાથમિક સારવાર બાદ એને વધુ સારવાર માટે આગળ ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ હતી.
આ પ્રકરણમાં શોભાના માતા પિતા અને પતિએ તેની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. તેઓ દવાખાનામાં ડોકાયા ન હતાં. આરોગ્ય વિભાગ તથા તાપી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગંભીર દર્દી‍ને આગળ ખસેડવા નન્નો ભણી દેતા મહિ‌લા દોઢ કલાક જેટલો સમય દવાખાનામાં તરફડી હતી. આખરે ટાઉન જમાદારે તેના દૂરના ભાઈને શોધી ૧૦૮ વાનમાં બેસાડવામાં આવ્યો અને સુરત સિવિલમાં મોકલવામાં આવી હતી.
આ દર્દી‍ને સગાની હાજરી વિના આગળ ખસેડવામાં કિંમતી સમય બગાડવામાં આરોગ્ય વિબાગ સફળ રહેતા અંતે મહિ‌લાએ જીવ ગૂમાવવો પડ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં રેફરલના કથળેલા વહીવટ માટે તાપી જિલ્લા આરોગ્ય અધિકારી સીધા જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પ્રકરણમાં જવાબદારો સામે પગલાં ભરવમાં આવે એવી માગ સ્થાનિક રહીશો કરી રહ્યાં છે.