• Gujarati News
  • Boy Click A Photo Of Girl In His Mobile, Girl Slaps Him

મોબાઈલમાં ફોટો ખેંચતા રોમિયોને યુવતીએ લાફાં માર્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરની લીમડાચોક વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં મંગળવારે સાંજના સમયે એક રોમીયો શાકભાજી ખરીદવા આવેલી યુવતીના પોતાના મોબાઈલ ફોટો ખેંચી રહ્યો હતો. આ ફોટો ખેંચતા રોમિયોને યુવતી જોઈ ગઈ હતી. આથી રોમીયો પાસે મોબાઈલ ઝુંટવી લઈ ત્રણચાર લાફા મારી દીધા હતાં. જોકે, પરિસ્થિતિ પામી ગયેલો રોમીયો લોકોનો માર પડે તે પહેલા ભાગી છૂટયો હતો.

આ અંગે મળતી વિગતો અનુસાર મંગળવારે સાંજે ૬.૦૦ વાગ્યાના સમયે શાકભાજી માર્કેટ વિસ્તારમાં એક યુવતી શાકભાજી ખરીદવા આવી હતી તે સમયે એક ઈસમ પોતાના મોબાઈલમાં આ યુવતીનો ફોટો ખેંચી રહ્યો હતો. આ બાબત યુવતીને માલૂમ પડતાં આ ઈસમ પાસે જઈ મોબાઈલ ઝુંટવી લીધો હતો અને ત્રણ- ચાર લાફા મારી દીધા હતાં.

યુવતી રોડરોમિયોને લાફા મારતાં જોઇને લોકો અવાક રહી ગયા હતાં. અન્ય લોકો આ ઈસમ પર હાથ સાફ કરે તે પહેલા પરિસ્થિતિ પામી ગયેલો ઈસમ ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ મોબાઈલમાં તપાસ કરતાં બીજી યુવતીઓના પણ ફોટા હોવાનું જાણવા મળ્યું છે. બારડોલી નગરમાં એક યુવતી રોડ રોમિયોને બરાબરનો પાઠ ભણાવી દીધો હોવાની ચર્ચાએ નગરમાં જોર પકડયું છે. ત્યારે પોલીસ પણ રોડરોમિયોને નાથવા પગલાં લે તે જરૂરી છે.

આ ઘટના દરમિયાન ઉપસ્થિત લોકોએ યુવતીની હિંમતને બિરદાવી હતી. આ કિસ્સાએ શાકભાજી માર્કેટમાં ચર્ચા જગાવી હતી. જો કે આ અંગે હજી સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નહીં નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.