સુરત: પોકેટ મનીની બચતમાંથી ૧૬૮૬ યુનિટ રક્તદાન ભેગું કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - રક્તદાન કેમ્પ )

પોકેટ મનીની બચતમાંથી ૧૬૮૬ યુનિટ રક્તદાન ભેગું કરાયું
અડાજણના સ્વતંત્ર ગ્રુપના યુવાનોએ રક્તદાન કેમ્પને મળેલી સફળતા બાદ આ રીતે ગ્રુપ ફોટો પડાવ્યો હતો.


સુરત: યુવાનો એટલે હાથમાં એન્ડ્રોઇડ ફોન અને ખભે લેપટોપ, પીત્ઝા અને પાર્ટી સિવાય કંઈ નહીં એવું આપણે માનીએ છે, પરંતુ આ બધાથી અલગ એવું અડાજણ વિસ્તારના યુવાનોએ કરી બતાવ્યું છે. અડાજણ વિસ્તારના યુવાનોએ સ્વતંત્ર ગ્રુપ બનાવીને પોતાના પોકેટ મનીની બચતમાંથી રક્તદાન કેમ્પ યોજીને એક હજારથી વધારે બ્લડ યુનિટોનું દાન કરવાની ઉત્તમ કાર્યવાહી કરી છે. તાજેતરમાં જ ૧પમી ઓગસ્ટના રોજ પણ આ યુવાનોએ રક્તદાન કેમ્પ યોજ્યો હતો.વિગતો અનુસાર, શહેરના અડાજણ વિસ્તારના યુવાનોએ સુભાષ ચન્દ્ર બોઝનું 'તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’નું સૂત્ર પોતાના જીવનમાં સાર્થક કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. અડાજણના ભાવેશ પટેલ, સ્નેહલ, આનંદ વિગેરે ૨પથી વધારે યુવાનોએ સ્વતંત્ર ગ્રુપની સ્થાપના કરી છે.

પોતાની પોકેટ મનીની બચતમાંથી વિવિધ પ્રકારે સમાજસેવાની પ્રવૃત્તિ કરવાની નેમ સાથે શરૂ કરવામાં આવેલા આ ગ્રુપના મોટા ભાગના યુવાનો એન્જિનિયરિંગ અને મેડિકલ જેવી ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. આ યુવાનોએ છેલ્લા એક વર્ષમાં પાંચ વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને કુલ ૧,૬૮૬ યુનિટ રક્ત એકત્ર કરીને શહેરની અલગ-અલગ બ્લડ બેન્કોમાં ડોનેશન તરીકે આપી છે.આ રક્તદાન શિબિરોમાં જે કોઈ રક્તદાન કરવા આવે છે તેમને આ યુવાનો દ્વારા એક નાનીએવી સ્મૃતિ ભેટ પણ આપવામાં આવે છે. આ ભેટ ખરીદવા માટે આ યુવાનો પોતાના ખીસ્સા ખર્ચમાં કાપ મૂકીને તેની બચતમાંથી રક્તદાતા માટે સ્મૃતિ ભેટ ખરીદી લાવે છે. તાજેતરમાં જ ૧પમી ઓગસ્ટના રોજ સ્વતંત્ર ગ્રુપ દ્વારા અડાજણ હાટકેશ્વર મહાદેવની વાડી, બ્રાહ્મણ મહોલ્લા ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસે આયોજિત આ રક્તદાન શિબિરમાં યુવાનોએ કુલ ૪૩૯ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર દ્વારા સ્વેચ્છિક રક્તદાન ક્ષેત્રે સન્માન કરાયું
રક્તદાન ક્ષેત્રમાં જાગૃતિ લાવી અને રક્તદાન ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આપવા બદલ સ્વતંત્ર ગ્રુપને રાજ્યના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર દ્વારા સ્વેચ્છિક રક્તદાન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ સન્માનિત પણ કરવામાં આવ્યું હતું.