આજે ભાજપની પાલૉમેન્ટરી બોર્ડમાં દક્ષિણ ગુજરાતની બેઠક માટે ઉમેદવારો નક્કી કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજે ભાજપની પાલૉમેન્ટરી બોર્ડમાં દક્ષિણ ગુજરાતની બેઠક માટે ઉમેદવારો નક્કી કરશે
- સુરત, નવસારી, બારડોલી, વલસાડ લોકસભાની બેઠક માટે તમામ ઔપરાકિતા પૂરી


રવિવારે ભાજપની પાલૉમેન્ટરી બોર્ડની બેઠકમાં સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતની લોકસભાની બેઠકના ઉમેદવારોની પસંદગી ઉપર મત્તુ મરાશે. બીજી બાજુ શનિવારે સાંજે કોંગ્રેસ બારડોલી, વલસાડની બેઠક ઉપરના પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે. નવસારી, સુરતની બેઠક ઉપર પસંદગી માટે અટકળો ચાલી રહી છે.

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. સત્તા મેળવવા મુઢ્ઢીવાળીને રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ચૂક્યાં છે. હવે કઈ બેઠક ઉપર ક્યા ઉમેદવારને પસંદ કરાય છે, તેની અટકળો ચાલી રહી છે.

ભાજપમાં તો સુરત, નવસારી અને બારડોલી સહિતની દક્ષિણ ગુજરાતની બેઠકો ઉપર ઉમેદવાર પસંદ કરવા નિરીક્ષકોને મોકલી ‘સેન્સ’ લેવા માટેની ઔપચારિકતા પૂરી કરી દીધી છે. સુરત બેઠક ઉપર ૩૦ મૂરતિયાઓએ નિરીક્ષકો સમક્ષ દાવો કર્યો હતો.

જ્યારે નવસારી લોકસભા બેઠક ઉપર નવ મૂરતિયાઓએ ટિકિટ માટે માગણી કરી હતી. શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. તમામ બાબતોનું અવલોકન કરીને નિરીક્ષકોએ પોતાના રિપોર્ટ પ્રદેશ પાલૉમેન્ટરી બોર્ડને સુપ્રત કરી દીધાં છે.

હવે, પ્રદેશ પાલૉમેન્ટરી બોર્ડ કેન્દ્રીય પાલૉમેન્ટરી બોર્ડને પોતાની પસંદગીની યાદી મોકલશે. આ માટે રવિવારે પ્રદેશ ભાજપની પાલૉમેન્ટરી બોર્ડની બેઠક બોલાવાઈ છે. તેમાં દક્ષિણ ગુજરાતની તમામ લોકસભાની બેઠક માટે પણ ઉમેદવારો નક્કી કરવા માટેની ચર્ચા કરીને પસંદગી ઉપર મત્તુ મરાશે. એટલે, મોવડીમંડળ કોની ઉપર પસંદગી ઢોળે છે, તેની ઉપર મીટ મંડાઈ છે.

કોંગ્રેસે બારડોલી, વલસાડના સાંસદને રિપિટ કર્યા
શનિવારે મોડી સાંજે કોંગ્રેસે ૧૯૪ જેટલી બેઠક ઉપર ઉમેદવારોની પસંદગીની જાહેરાત કરી દીધી હતી. તેમાં દક્ષિણ ગુજરાતમાં બારડોલી બેઠકના સાંસદ ડૉ. તુષાર ચૌધરી અને વલસાડ બેઠકના સાંસદ કશિન પટેલને રિપિટ કર્યા હતાં. એટલે, હવે દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીની બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ક્યા ઉમેદવાર નક્કી થાય છે તેના ઉપર રાજકીય પક્ષોની મીટ મંડાઈ છે.