ભામૈયા નહેરના નાળા ઉપર સંરક્ષણ દીવાલનો અભાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી કડોદ રોડ પર ભામૈયા ગામની સીમમાંથી પસાર થતી નહેરના એક ફાટા ઉપર સંરક્ષણ દીવાલનો અભાવ હોવાથી જોખમી સાબિત થઈ રહી છે. સંરક્ષણ દીવાલ ન હોવાથી નાના વાહનચાલકો નહેરમાં ખાબકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જ્યારે રાત્રિના સમયે તો વાહનચાલકોની નાની ભૂલ પણ ગોઝારો અકસ્માત સર્જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. સંબંધિત તંત્ર દ્વારા આ જગ્યા પર આડશ મુકી રક્ષાત્મક પગલાં ભરે એ જરૂરી બન્યું છે.

ભામૈયા ગામની સીમમાંથી મોટી નહેર પસાર થાય છે. તે નહેરની બાજુમાંથી એક નહેરનો ફાટો રોડને ક્રોસ કરે છે. તે નહેર પર વર્ષો અગાઉ બનાવેલા ગરનાળા પર સંરક્ષણ દીવાલ બનાવાવની આવી હતી. વર્ષો વિતતા કોઈ પણ પ્રકારની જાળવણીના અભાવે છેલ્લા ઘણા સમયથી આ સંરક્ષણ દીવાલ તૂટી ગઈ છે. જે અંગે તંત્રને જાણ હોવા છતાં તંત્ર આ અંગે કોઈ કાર્યવાહી કરતું નથી. સંરક્ષણ દીવાલના અભાવે આ ગરનાળું જોખમી સાબિત થઈ રહ્યું છે. નાના વાહનચાલકો માટે આ ગરનાળું રાત્રિના સમયે ભયાનક સાબિત થઈ રહ્યું છે. આ માર્ગ પરથી રેતી અને માટી ખનન કરતાં મોટા વાહનો પણ મોટી સંખ્યામાં પસાર થાય છે ત્યારે આવા ગરનાળા નાના વાહનચાલકો માટે જીવલેણ સાબિત થાય છે. વાહન ચાલકની નાની ભૂલથી મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા શક્યતા છે. તંત્ર દ્વારા આ જગ્યા પર સત્વરે સંરક્ષણ દીવાલ બનાવે એ જરૂરી બન્યું છે. અને હાલ પુરતું આડશ મુકી રક્ષાત્મક પગલાં ભરાય એવી વાહન ચાલકોની માંગ છે.

પ્રજાની આંશિક માંગ સંતોષવાની તૈયારી

રોજિંદા કડોદથી બારડોલી અપડાઉન કરતાં મહેશભાઈના જણાવ્યા અનુસાર આ માર્ગ પર આ ગરનાળું જોખમી સાબિત થાય છે. જ્યારે રાત્રિના સમયે તો મોટા વાહનો સામે આવી જતાં ઘણી સાવચેતી દાખવવી પડે છે. નહીં તો ૧૦થી ૧પ ફૂટ નીચે પાણી પડી જવાની સંભાવના રહેલી છે.