મુંબઈના હીરાના વેપારીનું ૨ કરોડનું ઉઠમણું, સુરતના હીરાઉદ્યોગમાં ચકચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મુંબઈનો વેપારી ડોલરના સટ્ટામાં ડુબ્યો હોવાની ચર્ચા

મુંબઈ હીરાબજારમાં તૈયાર હીરાનો ધંધો કરતા એક વેપારીએ રૂપિયા ૨ કરોડનું ઉઠમણું કરતા સુરતના હીરાઉદ્યોગમાં ચકચાર મચી જવા પામી છે.કારણ કે સુરતના વેપારીઓ પણ મુંબઈના વેપારીઓ સાથે ધંધો કરતા હતા. સુરતના વેપારીઓની રૂપિયા એક કરોડની રકમ સલવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાકીની એક કરોડની રકમ મુંબઈના અન્ય વેપારીની છે.લેણદારોએ કહ્યું હતું કે મુંબઈના વેપારીએ ડોલરના સટ્ટામાં કરોડો રૂપિયા ગુમાવતા વેપારીઓની લેણી રકમ ચુકવવા માટે હાથ ઉંચા કરી દીધા છે.

શહેરના હીરાના વેપારીઓ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ મુળ સુરતનો પણ છેલ્લાં ઘણાં વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલો રૂપેશ નામનો વેપારી મુંબઈના હીરાબજારમાં તૈયાર હીરાની લે -વેચ કરે છે.રૂપેશ ખાસ કરીને એલડી કલર હીરા ખરીદી માટે જાણીતો છે.સુરતના ઘણાં હીરાના વેપારીઓ સાથે તેનો બિઝનેસ ચાલે છે.તે હીરાની ખરીદી કરીને ૩૦ દિવસમાં પેમેન્ટ મોકલી આપે છે.પણ આ વખતે ડયુ થવા છતા પેમેન્ટ આવતું નહોતું.લેણદારોએ એક સપ્તાહ પહેલાં તપાસ કરી તો તેનો સંપર્ક કપાઈ ગયો હતો એટલે લેણદારો હાંફળાફાફળા થઈ ગયા હતા.

તે પછી બજારમાંથી લેણદારોને જાણવા મળ્યું હતું કે હીરાનું જે પેમેન્ટ રૂપેશ પાસે આવી જતું હતું, તેમાંથી તે ડોલરનો સટ્ટો કરતો હતો.જેમાં તેણે છેલ્લાં એકાદ મહિ‌નામાં જ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં નાણા સલવાયા હોય તેવા અનેક વેપારીઓ બહાર આવી શકે.

- મંગળવારે સમાધાન માટે મિટીંગ હતી પણ

એક લેણદારે પોતાની વગ વાપરીને રૂપેશનો સંપર્ક કર્યો હતો અને હીરાઉદ્યોગના એક અગ્રણીને મધ્યસ્થી રાખીને મંગળવારે મુંબઈમાં સમાધાન કરવા માટે મિટીંગ રાખવામાં આવી હતી, પરતું રૂપેશ હાજર થયો ન હતો.

- મહીધરપરામાં પણ એક વેપારીના ઉઠમણાની ચર્ચા

મહીધરાપરામાં જાડા હીરાનું કામ કરતા શૈલેષ નામના એક વેપારીએ પણ ઉઠમણું કર્યું હોવાની હીરાબજારમાં ચર્ચા હતી. આ વાત બજારમાં ફેલાતા જ વેપારીઓના જીવ તાળવે ચોટયા હતા. જો કે કેટલાં લોકોના કેટલાં રૂપિયા ફસાયા તેની માહિ‌તી મળી શકી નહોતી.