દુષ્કર્મનો પ્રયાસ નિશફળ જતા યુવતીને બચકા ભર્યા લાગ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાસના લોલુપ યુવકે તાબે નહીં થયેલી યુવતીને બચકાં માર્યા

વરેલી ગામે આવેલી વધામ સોસાયટીમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની યુવતી બુધવારે સાંજે ૪.૩૦ કલાકે ઘરમાં એકલી હતી, ત્યારે આજ સોસાયટીમાં રહેતા એક યુવાને યુવતી ઉપર દાનત બગાડી એકલતાનો લાભ ઉઠાવ્યો હતો અને તેના ઘરમાં પ્રવેશ કરી બળજબરીપૂર્વક યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન યુવાને તાબે નહીં થયેલી યુવતીના શરીર ઉપર બચકા ભર્યા હતાં, જેને કારણે યુવતીની આંગળીમાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. યુવતીએ બૂમાબૂમ કરી દેતા યુવક ભાગી છૂટયો હતો.

મળતી માહિ‌તી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ પલસાણા તાલુકાના વરેલી ખાતે આવેલી વધામ સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીના માતા પિતા અને ભાઈ કડોદરાના ઓદ્યોગિક વિસ્તારમાં નોકરી કરે છે. યુવતી પણ તેની માતા સાથે એક મિલમાં નોકરી માટે જાય છે. બુધવારે મિલમાં રજા હોવાથી યુવતી અને તેની માતા ઘરે હતાં. દરમિયાન તેના પિતા પણ નાઈટ ડયુટીમાંથી પરત ફરી ઘરે આવી ગયા હતાં. ચાર વાગ્યાની આસપાસ યુવતીના માતાપિતા શાકભાજી લેવા માટે બજારમાં ગયા હતા,

ત્યારે તેમના રૂમની નજીક જ રહેતો મૂળ બિહારનો આઝાદકુમાર મુનીજીસિંગ રાજપૂત બળજબરીપૂર્વક યુવતીના રૂમમાં પ્રવેશ કર્યો હતો અને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. યુવતી તાબે નહીં થતાં આઝાદકુમારે તેણીના શરીર ઉપર બચકાં પણ ભર્યા હતાં. દરમિયાન યુવતીએ બૂમાબૂમ કરતાં યુવક ત્યાંથી ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે યુવતીએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કડોદરા પોલીસે આઝાદ કુમાર રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.