ટ્યુશન જતી ધોરણ 10ની વિદ્યાર્થિનીને કારમાં ઉઠાવી જવાનો પ્રયત્ન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વ્યારાના ભાટપુર પાટીયા નજીક એક યુવકે તરુણી ઉપર હુમલો કરી બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધી
- બહેનપણી સાથે ટયૂશન જતી હતી ત્યારે તરુણીને ઊંચકી જવાનો પ્રયત્ન
- તરુણી તાબે નહીં થતાં યુવકે પથ્થરમારો કર્યો, અફરાતફરી સર્જા‍તા લોકો દોડી આવ્યા


વ્યારા સુગર કોલોની ખાતે રહેતા ૨૮ વર્ષીય યુવકે વ્યારાના આશાવાડી વિસ્તાર ખાતે રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી તરુણી શનિવારે તેની બહેનપણી સાથે શનિવારે સવારે ૬.૪૦ કલાકે વ્યારા હાઈવે ઉપરથી ટયૂશને જતી હતી, ત્યારે બળજબરીપૂર્વક આ તરુણીને કારમાં અપહરણ કરી જવાન પ્રયાસ કર્યો હતો. તરુણી ન માનતા તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો અને ભાગી છુટવાનો પ્રયત્ન કરતાં છુટ્ટા પથ્થર મારતાં થયેલી અફરા તફરીમાં આજુબાજુના વિસ્તારના રહીશો દોડી આવ્યા હતા અને યુવાન ઘટના સ્થળથી ભાગી ગયો હતો.

આ અંગે પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિ‌તી અનુસાર વ્યારાના આશાવાડી વિસ્તારમાં રહેતી એક ૧૬ વર્ષીય તરુણી ૯માં ધોરણમાં પાસ થઈ જતાં વ્યારાના અંધારવાડી વિસ્તારમાં ધોરણ ૧૦નું ટયૂશન લેવા માટે તેની બહેનપણી સાથે રોજ સવારે નિત્યક્રમ મુજબ જાય છે. તરુણી ધોરણ ૮-૯માં વ્યારાની શાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારે સુગર કોલોનીમાં રહેતા અને હંગામી હેલ્થ વર્કર તરીકે નોકરી કરતાં કલ્પેશભાઈ ડાહ્યાભાઈ કાટીગરે તરુણીને લાલચ આપી તેને ફસાવી હતી.

જોકે, કલ્પેશ અનેક યુવતીઓ સાથે સંબંધ રાખતો હોય તરુણીએ તેની સાથે બોલચાલ બંધ કરી દીધી હતી. શનિવારે તરુણી નીત્યક્રમ મુજબ સવારે ૬.૪૦ કલાકે તેની બહેનપણી સાથે આશાવાડી વિસ્તારમાંથી ચાલતા ચાલતા વ્યારા તરફ ટયૂશને જઈ રહી હતી ત્યારે ભાટપુર પાટીયા નજીક એક ઈન્ડિકા કાર (જીજે -૧૬ આર -૨૦૦૪) લઈને પૂરઝડપે કલ્પેશ આવ્યો હતો અને રોડની બાજુમાંથી વ્યાર તરફ જતી તરુણીને આંતરી હતી.

કારે ટક્કર મારી તરુણીને જમીન ઉપર પાડી નાંખી હતી. ત્યારબાદ તરુણીને બળજબરી પૂર્વક ગાડીમાં ઊંચકી જવાનો પ્રયત્ન કર્યો હતો. તરુણી તાબે નહીં થતાં ઉશ્કેરાયેલા કલ્પેશે તરુણીને ઢિકમુક્કીનો માર માર્યો હતો અને હાથ પકડીને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન તેની સાથેની બહેનપણી દોડીને આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોને ઘટના અંગે જાણ કરી હતી. તે સમયે તરુણી પણ કલ્પેશના હાથમાંથી છટકીને ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન આ સમયે કલ્પેશે તરુણી ઉપર છુટ્ટા પથ્થર માર્યા હતાં.

આ બનાવને પગલે રોડ ઉપર આ અફરાતફરી સર્જા‍ઇ હતી. આથી આજુબાજુના રહીશો અને લોકોનું ટોળું ભેગું થઈ જતાં પરિસ્થિતિ પામી જતાં કલ્પેશ ઘટના સ્થળથી ઈન્ડિકા કાર લઈને ભાગી છુટયો હતો. ઘટના અંગે તરુણીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં કલ્પેશ વિરુદ્ધ બળજબરી અપહરણ કરી જવાની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી.

ટયૂશન ક્લાસ નજીક રોડ રોમિયોની બોલબાલા

વ્યારા પંથકમાં રોડ રોમિયો અને આશિકોની ટોળીઓ ટયૂશન ક્લાસ અને શાળાની આજુબાજુ ફરતી રહી છે. પરિણામે છેડતીના કિસ્સા બને છે. ત્યારે જિલ્લાપોલીસવડા આ બાબતે ગંભીરતા દાખવી રોમીયો ઉપર અંકુશ મેળવે આ ઉપરાંત વહેલી સવારે ચાલતા ટયુશન ક્લાસીસ બંધ કરાવે એ જરૂરી છે.