તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Arrested Doing The Bangladeshi Prisoner 435 Days In Jail

ડિંડોલીથી ઝડપાયેલા બાંગ્લાદેશીને ૪૩પ દિવસની કેદની સજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સજા પુર્ણ બાદ બાંગ્લાદેશ મોકલવા જેલ સુપ્રિટેન્ડન્ટને કોર્ટનો આદેશ

શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત ડિસેમ્બર માસમાં ઝડપી પાડયો હતો. આ બાંગ્લાદેશીએ પોતાના ગુનાની સ્વેચ્છીક કબુલાત કરતા કોર્ટે તેને સજા ફટકારી હતી. સાથો સાથ જેલ સત્તાવાળાઓને એવો આદેશ પણ આપ્યો હતો કે, આરોપીની સજા સંપન્ન થયા બાદ તેને બાંગ્લાદેશ મોકલવાની વ્યવસ્થા કરવાની રહેશે.

ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ શાંતારામ બાબુરાવ સહિ‌તના કાફલાએ ગત તા. ૨૩.૪.૨૦૧૨ના રોજ ડીંડોલી બસ સ્ટેશન નજીકથી સલીમ ઉર્ફે રાજુ મહમદ વહાબ શેખને ઝડપી પાડયો હતો. મુળ બાંગ્લાદેશના નોડાઇ જિલ્લાનો વતની સલીમ મહમદ વહાબ શેખ નવાગામ ડીંડોલી રેલવે ફાટક નજીક રંગીલા નગરમાં રહેતો હતો અને તે ઝડપાયો તે પહેલા દોઢ માસ અગાઉ ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હોવાની તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ શાંતારામ બાબુરાવે આ અંગે સલીમ શેખ વિરૂધ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સરકારી વકીલ ઇશ્વરભાઇ પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી અને કોર્ટે બાંગ્લાદેશી નાગરિક સલીમ મહમદ વહાબ શેખને ૪૩પ દિવસની કેદની સજા ફટકારી હતી. સાથો સાથ કોર્ટે લાજપોર જેલના સુપ્રિટેન્ડન્ટને એવો આદેશ પણ આપ્યો હતો કે, આરોપી સલીમ મહમદ વહાબ શેખને બારોબાર જેલમાંથી મુક્ત ન કરતા પોલીસ કમિશનરને આ અંગે જાણ કરીને આરોપીને ભૂજના સંયુક્ત પુછપરછ કેન્દ્ર કે અધિકૃત ઓથોરિટી સમક્ષ મોકલવાનો રહેશે અને ત્યાર બાદ આરોપીને બાંગ્લાદેશ મોકલી આપવાની વ્યવસ્થા કરવાની રહેશે.

૧પ દિવસ પહેલા સુરત આવેલા બે બાંગ્લાદેશી ઝડપાયા

બાંગ્લાદેશથી ૧પ દિવસ પહેલા જ સુરત આવેલા બે યુવાનોને પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડયા હતા. આ બંને ઇસમોની બોલી પરથી જ તેઓ ઓળખાઈ જતા હતા. તેઓ લોબાન સળગાવીને ભીખ માગવાનું કામ કરી રહ્યા હતા. રિંગ રોડ પર માનદરવાજા નજીક ખાડી કિનારે રહેતો જબ્બાર મજીદ મુલ્લા નામનો ઇસમો બાંગ્લાદેશી હોવાનું અને તે કાપોદ્રા હીરાબાગ પાસે લોબાન સળગાવી ભીખ માગી રહ્યો હોવાની બાતમી એસઓજીને મળી હતી.

જેના આધારે પોલીસે તપાસ કરતા જબ્બારને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે, તે પોતે બાંગ્લાદેશી છે અને ૧પ દિવસ પહેલા જ ભારત-બાંગ્લાદેશની પ્રતિબંધિત ર્બોડર ક્રોસ કરી તે હાવડા આવ્યો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસીને સુરત પહોંચ્યો હતો. તે એકલો જ આવ્યો હોય એવું નથી તેની સાથે સોહેલ મન્નાન સરદર નામનો ઇસમ પણ આવ્યો હતો. જેઓ બાંગ્લાદેશના ગોપાલપૂર, થાના મોક્સીપુર, જિ. ગોપાલગંજના રહેવાસી છે. તેઓ ભીખ માગી ગુજરાન ચલાવવા માટે સુરત આવ્યા હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યું છે. જબ્બાર સામે કાપોદ્રા પોલીસ મથકમાં અને સોહેલ સામે ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

૨૦૦૦ ટકા ચૂકવી કરી ઘૂસણખોરી

પકડાયેલા બંને બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે એસઓજીને ખબર પડી કે, એક દલાલે આ બંને ઇસમો પાસેથી વ્યક્તિદીઠ બાંગ્લાદેશી ચલણ ૨૦૦૦ ટકા (આશરે રૂ. ૧પ૦૦) લીધા હતા. બંનેને પ્રતિબંધિત ર્બોડર પરથી હાવડા લાવવામાં આવ્યા અને પછી ટ્રેનમાં બેસાડી સુરત ઉતરી જવા માટે સલાહ આપવામાં આવી હતી. આ દલાલ કોણ હતો? તેનું નામ શું હતું? તે પણ પકડાયેલા બાંગ્લાદેશીઓને ખબર નથી.