એક્વેરિયમની એક જ દિવસમાં ૮૪પ૪ લોકોએ મુલાકાત લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - એક્વેરિયમ )

એક્વેરિયમની એક જ દિવસમાં ૮૪પ૪ લોકોએ મુલાકાત લીધી
પાલિકાની તિજોરીમાં પણ ૩.૩૯ લાખ રૂપિયાની આવક થઈ, એડવાન્સ બુકિંગ પણ ફૂલ


સુરત: સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમીની રજામાં સિંઘમ રિટન્ર્સ ફિલ્મ સુપરહિ‌ટ થાય કે નહીં પણ પાલિકાનું પાલ ખાતેનું એક્વેરિયમ સુપરહિ‌ટ થઈ ગયું છે. છેલ્લા રજાના દિવસમાં ૧૪ હજારથી વધારે લોકોએ તેની મુલાકાત લીધી હોવાનું નોંધાયું છે. એક્વેરિયમ બન્યાના સાડા પાંચ મહિ‌નામાં સોમવારે રેકોર્ડ ૮૪પ૪ લોકોએ મુલાકાત લીધી હતી. આ એક જ દિવસમાં પાલિકાની તિજોરીમાં પણ ૩.૩૯ લાખ રૂપિયાની આવક થઈ હતી.એક્વેરિયમને ખુલ્લું મુકાયાના શરૂઆતના બે મહિ‌નામાં જ એક્વેરિયમમાં મુલાકાતીઓનો ઉત્સાહ જોઈને પાલિકાનું તંત્ર પણ અચંબામાં પડી ગયું હતું.

૨૦ કરોડના માતબર ખર્ચે બનેલા એક્વેરિયમમાં વધુને વધુ લોકો દરિયાઈ જીવસૃષ્ટિને નિહાળી શકે તે માટે બે મહિ‌નામાં જ માત્ર જાહેર રજાઓ સિવાય એક્વેરિયમ તમામ દિવસો ખુલ્લું રાખવાનું નક્કી કર્યું હતું, સાથોસાથ એક્વેરિયમનો સમય સવારે ૧૦થી સાંજ સાત વાગ્યા સુધીનો હતો તેને લંબાવીને રાત્રે ૧૦ વાગ્યા સુધીનો કરી દેવાયો હતો. પાલિકાના એડિશનલ સિટી ઇજનેર જે.કે. શાહનું કહેવું હતું કે, ઓફિસ સમય માટે જ આવા પ્રકલ્પો ખુલ્લા રહે તો લોકોએ રજાના દિવસે જ જોવા આવવાની ફરજ પડે. અથવા ચાલુ દિવસોએ ખાસ રજા લઈને જોવા આવવું પડે. તેના કરતાં ઓફિસ અવર્સ પછી પણ એક્વેરિયમ ખુલ્લું રહે તો રૂટિન દિવસોમાં પણ લોકોને વધારે અનૂકુળ રહે, તે ગણતરીથી મુલાકાત માટેનો સમય વધાર્યો હતો.

સોમવારે એક જ દિવસમાં ૩.૩૯ આવક
સોમવારે એક જ દિવસમાં એક્વેરિયમમાં ૮૪પ૪ જેટલાં લોકોએ મુલાકાત લીધી હતી. તેના કારણે પાલિકાને પણ આવક પેટે ૩.૩૯ લાખ રૂપિયા મળ્યાં હતાં. અગાઉ મે મહિ‌નામાં એક જ દિવસમાં ૬પ૦૦ લોકોએ મુલાકાત લેતાં ૨.૬૩ લાખ જેટલી આવક મહત્તમ થઈ હોવાનું નોંધાયું હતું. અલબત્ત, એક્વેરિયમમાં રોજ સરેરાશ બે લાખ જેટલી આવક તો નોંધાઈ રહી હોવાનું પાલિકાના વર્તુળોનું કહેવું છે.

એક શિફ્ટમાં ૩૦૦બુકિંગ
એક્વેરિયમમાં આવવા માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ કરાવાયું છે. ૧.૩૦ કલાકની એક શિફ્ટમાં મહત્તમ ૩૦૦ વ્યક્તિનું બુકિંગ લેવાશે. જો, એડવાન્સ બુકિંગમાં જે શિફ્ટમાં આટલી ૩૦૦ વ્યક્તિ નહીં હોય તો તે શિફ્ટમાં કરંટ ટિકિટ પણ ઇસ્યુ કરાય રહી છે. જોકે, છેલ્લાં બે દિવસમાં આ એડવાન્સ બુકિંગ પણ ફૂલ થઈ ગયું હોવાનું નોંધાયું છે.

સાડા પાંચ મહિ‌નામાં ૭ લાખ લોકોએ મુલાકાત લીધી

માર્ચમાં ખુલ્લા મુકાયેલાં એક્વેરિયમ શરૂ થયાંને સાડા પાંચ મહિ‌ના થયા છે. રોજ સરેરાશ પ હજાર લોકો મુલાકાત લેતા હોઈ છેલ્લાં સાડા પાંચ મહિ‌નામાં કુલ સાત લાખ લોકોએ અક્વેરિયમની મુલાકાત લીધી હોવાનું નોંધાયું છે. તેમાંથી પાલિકાને પણ બે કરોડ જેટલી આવક થઈ છે.