• Gujarati News
  • Amroli Bribery Case Vehicle Theft, A Crime Against Prosecutor In Surat

અમરોલી લાંચ કેસના ફરિયાદી સામે વાહનચોરીનો ગુનો નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલી લાંચ કેસના ફરિયાદી સામે વાહનચોરીનો ગુનો નોંધાયો
રબારીએ PI, 2 કોન્સ્ટે.ને ACBમાં સપડાવ્યા હતા

સુરત: અમરોલી પોલીસ મથકના પીઆઇ સહિત બે કોન્સ્ટેબલ મળી કુલ ત્રણ પોલીસ કર્મીને લાંચ આપવામાં પકડાવનાર ગોપાલક સહિત ત્રણ વિરુદ્ધ ઉમરા પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારની વાહનચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઉમરા પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભટાર રોડના ઉમરાવનગર બારડોલી એપાર્ટમેન્ટમાં ઘર નં. 201માં રહેતા અને એક એન્જિનિયરિંગ કંપનીના માલિક ચૈતન્ય અશોક બારડોલીવાલાએ આપેલી ફરિયાદ મુજબ ગત તા.27.06.2014ના રોજ તેમના ઘર પાસે પાર્ક કરેલી 2011ના વર્ષની રૂપિયા 5 લાખની કિંમતની વાઇટ કલરની સ્વિફ્ટ ડિઝાયર (નં.જીજે-26-એ-1178)ની ડુપ્લિકેટ ચાવી વડે ચોરી થઈ હતી. જેમાં ફરિયાદીએ જગદીશ રમેશચંદ્ર જોગીવાલા (રહે. 422, જલારામનગર, છાપરાભાઠા), વાસુભાઇ ઉર્ફે વાતાભાઇ ભગવાનભાઇ રબારી અને એચડીએફસી બેંકના કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઉમરા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે વાસુ રબારીની કાર હતી જેની લોન ચૈતન્યના નામે ચાલતી હતી. આ કાર વાસુ રબારીએ ફરિયાદીના ઘર પાસેથી લઇ જશવંત જસાભાઇ નામના ઇસમને વેચી દીધી હતી. જે કાર જહાંગીરપુરામાં દારૂની ખેપ મારતા ઝડપાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સ્વિફ્ટ ડિઝાયર કાર ચોરીમાં ઝડપાયેલા વાસુ ઉર્ફે વાતાભાઇ રબારીએ ત્રણ દિવસ પહેલા અમરોલી પીઆઇ લિંબાચીયા અને બે કોન્સ્ટેબલ બાબુલાલ અને મહેબુબઅલીને એસીબીમાં સપડાવ્યા હતા.