સુરત પાલિકાનો વિકાસકામો પાછળ ખર્ચ ૧,૦૦૦ કરોડને પાર!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગતિ વિકાસની: મિલકતવેરાની વસૂલાતમાં પણ ૪૮૬ કરોડના અંદાજ સામે ૩પ૮.૪૨ કરોડ જેટલી વસૂલાત

પાલિકાએ પહેલીવાર વિકાસકામો પાછળ ખર્ચનો આંક ચાર આંકડાએ પહોંચાડ્યો છે. સોમવારે પાલિકાનો વિકાસકામો પાછળ ખર્ચ(કેપિટલ ખર્ચ)નો આંક ૧૦૦૧ કરોડને સ્પશ્ર્યો હતો. વિકાસકામ પાછળ ખર્ચ કરીને વહીવટીક્ષમતા પુરવાર કરવાની સાથે સાથે આવક મેળવવામાં પણ પાવરધી સાબિત થઈ છે. છેલ્લાં એક જ પખવાડિયામાં ૧૧૬ કરોડ જેટલો માતબર ખર્ચ કરી બતાવ્યો છે. મિલકતવેરા અને યુઝર ચાર્જની આવકમાં પણ પાલિકાએ સોમવારે ૭૪ ટકા જેટલી સફળતા નોંધાવી દીધી હતી.

પાલિકાના તંત્રની કાર્યક્ષમતાનો એક્સ-રે વિકાસ કામો પાછળના ખર્ચનો આંકડો દર્શાવતો હોય છે. તેમાં આ વખતે પાલિકાએ કાઠું કાઢયું છે. આ વખતે પાલિકાનું તંત્ર મજબૂત રીતે ઊભરી રહ્યું છે. પાલિકાના કમિશનર મનોજકુમાર દાસનું કહેવું હતું કે,'સોમવારે પાલિકાનો કેપિટલ ખર્ચનો આંક ૧૦૦૧ કરોડે પહોંચ્યો હતો. કેપિટલ ખર્ચમાં અત્યાર સુધી પાલિકાનો રેકર્ડ રૂ. ૮૪૦ કરોડના આંક સુધી જ હતો. તેમાં પણ જેએનએનયુઆરએમ યોજના હેઠળના પ્રોજેક્ટ્સનો ફાળો મુખ્ય હતો. એટલે, ત્યારે એટલો ખર્ચ સ્વાભાવિક ગણી શકાય તેમ હતો. આ વખતે આ યોજનાના પ્રોજેક્ટ્સનો હિ‌સ્સો મુખ્ય નથી, છતાં એકહજાર કરોડને પાર પહોંચી શક્યાં છે, તેનાથી પાલિકાના સુવર્ણ ઇતિહાસમાં એક નવું પાનું ઊમેરાયું છે.

- માત્ર ૧પ દિવસમાં ૩૪ કરોડ મિલકતવેરો વસૂલ્યો

મિલકતવેરાની આવકમાં ગત વર્ષે ૭૩ ટકા જેટલી વસૂલાત નાણાંકીય વર્ષના છેલ્લાં દિવસે એટલે ૩૧મી માર્ચના દિવસે નોંધાવી હતી. તેની સામે આ વખતે રૂ.૪૮૬ કરોડની ડિમાન્ડ હજુ બીજી માર્ચ સુધીમાં જ રૂ.૩૨૪.પપ કરોડ જેટલી માતબર આવક મેળવી શક્યાં હતાં. આ આવકમાં છેલ્લાં પંદર દિવસમાં ૩૩.૮૭ કરોડ જેટલી વસૂલાત કરીને મિલકતવેરાની આવકને ૩પ૮.૪૨ કરોડે પહોંચાડી દીધી છે. ડોર ટુ ડોર જઈને કડકાઈભરી વસૂલાતને લીધે મળેલી આ સફળતા ૪૮૬ કરોડની સામે ૭૩.૭પ ટકા જેટલી નોંધાઈ છે.

- ૧૬ દિવસમાં અધધધ ૧૧૬ કરોડ ખર્ચ કર્યો

પાલિકાએ બીજી માર્ચના દિવસે વિકાસકામો પાછળનો ખર્ચ ૮૮પ કરોડે પહોંચાડયો હતો. ત્યારપછી માત્ર ૧૬ જ દિવસમાં ૧૧૬ કરોડ જેટલો માતબર ખર્ચ કરીને ખર્ચનો આંક ૧૦૦૧ કરોડને પાર કરી બતાવ્યો છે.

- મહાપાલિકાની વહીવટી કાર્યક્ષમતાનો નવો રેકર્ડ

પાલિકાના આવક-જાવકના ટોટલમાં પાલિકાના વહીવટી તંત્રની મહેનતનું માપદંડ નીકળતું હોઈ, આ નવા આંકડાઓના માધ્યમથી પાલિકાના તંત્રે આ વખતે પોતાની વહીવટી કાર્યક્ષમતાને પુરવાર કરી બતાવી છે.

- હજુ ૧૦૦ કરોડ ઉપરાંત ખર્ચ થશે

હજુ અમારી પાસે લગભગ ૧૩ દિવસ જેટલો સમય બાકી છે, તેમાં પણ અમે મહત્તમ કામ કરીને આ કેપિટલ ખર્ચનો આંક ૧૧૦૦ કરોડ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું.’
- એમ.કે. દાસ, મ્યુનિસિપલ કમિશનર