હીટ એન્ડ રનનો આરોપી ર્બોડનો વિદ્યાર્થી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હીટ એન્ડ રનનો આરોપી બોર્ડનો વિદ્યાર્થી
હિ‌રેન કોન્ટ્રાકટરના સગીર પુત્રએ બુધવારે મોડી રાત્રે કારથી પીપલોદમાં અશોક પુરોહિ‌ત, યશ પટેલ અને કેયુર પટેલને ઉડાવ્યા

શહેરના અઠવા લાઇન્સ ફલાઇ ઓવર બ્રીજના છેડા પર ઇન્દ્રલોક કોમ્પ્લેક્સ ખાતે રહેતા હીરેન કોન્ટ્રાક્ટરનો ૧૭ વર્ષનો પુત્ર ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. ગુરુવારથી હીરેન કોન્ટ્રાકટરના પુત્રને ધોરણ ૧૨ સાયન્સનું ફિઝીક્સનું પેપર આપવાનું હતું એટલે તે રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં ઘરેથી આઇ-૨૦ કાર નંબર જીજે-પ-સીપી-૬૦૮૩ની ચાવી લઇને નીકળ્યો હતો. આ વિદ્યાર્થી‍એ પીપલોદ જકાત બંગલી પાસે ભાગ્યલક્ષ્મી સોસાયટીના નાકા ઉપર ઉભેલા સાત યુવાનો પૈકી કેયુર વિજયભાઇ પટેલ, અશોક પુરોહિ‌ત અને યશ મુકેશ પટેલને જોરદાર ટક્કર મારતા અશોક અને યશને ગંભીર ઇજા થતા મીશન તેમજ મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ વિદ્યાર્થી આઇ -૨૦ કાર ઘટના સ્થળ પર મુકીને મોટર સાઇકલ લઇને લેવા આવેલા તેના પરિવારજન સાથે ઘરે પહોંચી ગયો હતો. કેયુર પટેલના પિતા વિજય પટેલની ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો હતો.

...અને કાર ધસી આવી
અમે સાત આઠ મિત્રો બાજુમાં રહેલા મેદાનમાં ફુટબોલ રમીને આવ્યા અને સોસાયટી બહાર રોજ અમે ઉભા રહીયે છીએ ત્યા બાઇક લઇને ઉભા હતા.થોડી વાર થઇ ત્યાંજ સામેથી એક કાર પૂરઝડપે આવી રહી હતી.જે અમારી તરફ આવતી હોય તેવુ મને લાગ્યું જેથી હું મારા મિત્રોને કહું પહેલા ગાડી અમારા પર ધસી આવી,જેમાં મને કોઇ ઇજા થઇ ન હતી.પરંતુ મારા મિત્રો બાઇક સાથે ઉછળીને પડયા.અકસ્માત કરતા અમે કારચાલકને ઉતાર્યો તો કોઇ ૧૬ વર્ષનો યુવક કાર ચલાવી રહ્યો હતો.જેની સાથે અન્ય બે યુવકો પણ બેસેલા હતા.બીજી તરફ મિત્રો ઇજાગ્રસ્ત હતા જેથી તેમને પહેલા હોસ્પિટલ પહોંચાડવા માટે તેની તરફ અમે પહોંચી ગયા હતાં.’રોહન પટેલ

પરીક્ષા આપી શકે તે માટે પોલીસે શુક્રવારે બોલાવ્યો
ઉમરા પોલીસ ગાડીના નંબરના આધારે હીરેન કોન્ટ્રાકટરના ઘર સુધી પહોંચી હતી. ગાડી ચલાવનાર ધોરણ ૧૨ સાયન્સનો વિદ્યાર્થી છે અને તેની પરીક્ષા ગુરુવારથી જ શરૂ થઇ રહી હોવાનું ધ્યાન પર આવતા ગુરવારે આ વિદ્યાર્થી‍ને પોલીસ સ્ટેશન બોલાવવાનું ટાળ્યું હતું. ઉમરા પીઆઇ એસ જી રાણાના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થી‍ના ભવિષ્ય પર અસર ન પડે તે માટે માનવતાના દાખવી શુક્રવારે સવારે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે.

૪ વર્ષ પહેલા તેના પિતાનું અકસ્માતે મોત થયું હતું
મારો પુત્ર જ એક જ કમાતો હતો.જેના લગ્નને પણ હજુ એક જ વર્ષ થયું છે.આ રીતે પૈસાદારોના છોકરાઓને કોણે અધિકાર આપ્યો છે ગમે તેમ દારૂ પીને કાર ચલાવવાનો,મારા પતિનું પણ ચાર વર્ષ પહેલા રાજસ્થાન જતી વખતે રોડ અકસ્માતમાં મોત નિપજ્યું હતું.આજે મારો દિકરો તો ઘરની બહાર જ હતો અને આ અકસ્માત થયો.’ - ચંપાબેન પુરોહીત, અશોકના માતા

...અને બે યુવાનોની જીંદગી જોખમમાં મુકાઇ
ધોરણ ૧૨ સાયન્સનો વિદ્યાર્થી છે. તેના હાથમાં આઇ -૨૦ કારની ચાવી આવી અને તે ઘરેથી ગાડી લઇને નીકળી ગયો. બેફામ સ્પીડથી ગાડી ચલાવી તેણે અડફેટમાં લીધેલાં ત્રણ યુવાનો પૈકી અશોક પુરોહિ‌ત અને યશ પટેલ હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. કોન્ટ્રાક્ટર પરિવારના આ નબીરાના શોખનાં કારણે બે યુવાનોની જીંદગી જોખમમાં આવી ગઇ છે.