એબીજી શિપયાર્ડના નિવૃત્ત ઇજનેર સાથે 65.78 લાખની ઠગાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એબીજી શિપયાર્ડના નિવૃત્ત ઇજનેર સાથે 65.78 લાખની ઠગાઈ
એકાઉન્ટ અપગ્રેડ, ઇન્કમટેક્સ કોડ જેવા ચાર્જિસ લગાવી નાણા પડાવ્યા
બ્રિટિશ સરકારની સ્કિમમાં લોટરી લાગ્યાનો ઇ-મેઇલ કર્યો

સુરત: પીપલોદના પ્રગતિનગર એપાર્ટમેન્ટમાં રહેતા અને એબીજી શિપયાર્ડમાંથી નિવૃત્ત થયેલા ઇજનેર સાથે લોટરીના નામે રૂ. 65.78 લાખની ઠગાઈ થઈ હતી. તેમને એક ઇ-મેઇલ આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, તમને બ્રિટિશ સરકારની સ્કિમમાં રૂ. 2.58 કરોડની લોટરી લાગી છે. એટલે તમને સિક્યુરિટી માટે થોડાઘણા રૂપિયા મોકલવા પડશે. આવું કહી પાંચ ઇસમોએ તબક્કાવાર રૂ. 65.78 લાખ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટસમાં જમા કરવા કહ્યું હતું.

એબીજી શિપયાર્ડ કંપનીમાંથી નિવૃત્ત થયેલા 66 વર્ષીય જનાર્દન ગુરુભાઈ ભટ્ટ (રહે. જી/204, પ્રગતિનગર એપાર્ટમેન્ટ, પીપલોદ)ને તા. 1લી એપ્રિલ, 2014ના દવસે આરબીઆઇ ઇન્કવાયરી ડેસ્કના નામથી બનાવવામાં આવેલા ઇ-મેઇલ એડ્રેસથી એક મેઇલ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તમને બ્રિટિશ સરકારની સ્કિમમાં રૂ. 2,58,04,711ની લોટરી લાગી છે. આ ઇ-મેઇલમાં આરબીઆઇના સિક્કા અને સહીઓ પણ હતી. જેના કારણે જનાર્દન ભટ્ટને લાગ્યું કે, આ સાચો જ મેઇલ છે. ફ્રોડ કરવા માટે મેઇલ કરનારા ઇસમે જનાર્દનભાઈ પાસે તેમના બેંક એકાઉન્ટની વિગત તથા રહેણાંકની વિગતો પણ માગી હતી. ત્યારબાદ +44ના કોડવાળા નંબર પરથી ફોન પર સંપર્ક કરી તેમને સાથે વાત કરાઈ હતી એટલે જનાર્દનભાઈને વધુ વિશ્વાસ બેઠો હતો.

મિસિસ રોઝીસિંગ, મિસિસ વ્યકંટ, ગોમેઝ ફ્રેડી, ટોમ વુડ અને રૂબીન ડેવિડ નામના લોકોએ જનાર્દનભાઈ સાથે વાતચીત કરી તેમને એકાઉન્ટ અપગ્રેડિંગ ચાર્જિસ, ઇન્કમટેક્સ કોડ, ડ્રગ્સ ફ્રી સર્ટિફિકેટ, એન્ટીટેરેરિસ્ટ સર્ટિફિકેટ, એન્ટીટેરેરિસ્ટ સ્ક્વોડ વગેરે જેવા કારણો બતાવી તબક્કવાર રૂપિયાની માગણી પડાવી લેવાયા હતા. જેમાંથી ટોપ વુડ નામના ઇસમે પોતાની ઓળખ બ્રિટિશ સરકાર અને આરબીઆઇ વચ્ચેના મિડિયેટર તરીકેની આપી હતી. જેણે પોતાની ફી 16 લાખ રૂપિયા હોવાનું કહ્યું હતું. જો આ રૂપિયા જમા થાય તો જ લોટરીની રકમ મળી શકશે, એવું કહેવામાં આવતા ટોમ વુડે આપેલા એકાઉન્ટ નંબરમાં રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આખરે એક મહિનો થઈ ગયો છતાં રૂપિયા ન મળતાં જનાર્દનભાઈએ પોલીસ સમક્ષ અરજી કરી હતી. જેની પ્રાથમિક તપાસ કરી હાલ પાંચ ઇસમો સામે ગુનો નોંધ્યો છે.