પોલીસને છેતરવા ગયેલી મહિ‌લાનું નાટક ઉઘાડું પડયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ત્રણ વર્ષની દીકરીએ પોલીસની પૂછપરછમાં માતાની પોલ ખોલી નાખી

વેડરોડના વિશ્રામનગરના મહિ‌લાએ ઘરે રાત્રે બે લૂંટારૂઓ ત્રાટકી ચાકૂની અણીએ દોરીથી બાંધીને રોકડા અને સોનાનાં ઘરેણાં મળી ૩પ હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસમાં તેણે દેવું થતાં ગીરવે મૂકેલા દાગીનાની પોલ ખૂલી ન જાય તે માટે લૂંટનું નાટક રચ્યું હોવાનો ખુલાસો થયો હતો.

વેડરોડના વિશ્રામનગર ખાતે રહેતા ઓમપ્રકાશ ગુપ્તા ફ્રૂટની લારી ચલાવે છે. પરિવારમાં તેની પત્ની પૂનમબેન અને એક પુત્રી છે. દરમિયાન પૂનમબેને ચોક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, શુક્રવારે રાત્રે બે લૂંટારૂએ તેમના ઘરમાં ઘૂસી ચાકૂ બતાવીને દોરીથી હાથ-પગ બાંધી તમના મોંઢામાં ડૂચો મારી કબાટમાંથી રોકડા રૂ ૧પ હજાર સોનાની ચેઈન અને વિંટી મળી કુલ રૂ. ૩પ હજારની મતા લૂંટી ગયા હતા. ઈનચાર્જ પીઆઈ સોનારાએ આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. લૂંટની ઘટના હોઈ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સ્થાનિક રહિ‌શોથી લઈ પૂનમબેનની પૂછપરછ કરી હતી. જોકે, પોલીસને શંકા જતાં પૂનમબેનની ઉલટતપાસ શરૂ કરી હી, જેમાં તેમણે પતિની જાણ બહાર ઘરેણાંને ગીરવે મૂક્યા હતા અને દીયરના લગ્ન નજીક હોઈ ઘરેણાંની જરૂર પડશે તેમ જણાતાં લૂંટનું નાટક રચ્યું હોવાનું બહાર આવ્યું હતું.

'મમ્મીએ મોબાઇલ પણ જાતે જ તોડયો હતો’

ગોળગોળ વાતો કરતી પૂનમબેનના પતિ પાસે ત્રણ વર્ષીય પુત્રીને પૂછાવડાવતા તેણે માતાની પોલ ખુલ્લી પાડી દીધી હતી. પુત્રીએ કહ્યું હતું કે, માતાએ જાતે જ પોતાને ખુરશી સાથે દોરીથી બાંધી હતી અને મોબાઈલ પણ પછાડીને તોડી નાંખ્યો હતો.

લોકોના મતે પણ કશું બન્યું ન હતું

કતારગામ પીઆઈ જે.ટી. સોનારાએ જણાવ્યું હતું કે, ફરિયાદ મુજબ લૂંટ રાત્રે ૮ કલાકે થઈ હતી. જોકે, વિશ્રામનગર ભરચક વિસ્તાર હોવાથી કોઈ પણ આવે તો જાણ થઈ જાય છે. જેથી પાડોશીઓની પૂછપરછ કરાતા આ સમય દરમિયાન કોઈ આવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત દોરી બાંધવાનું અને મોંઢામાં ડૂચો મારવામાં પણ વિરોધાભાસ જણાયો હતો.