• Gujarati News
  • ભૂજ નશાબંધી ખાતાના સુપરિટેન્ડન્ટના સુરતના નિવાસસ્થાને એસીબીની તપાસ

ભૂજ નશાબંધી ખાતાના સુપરિટેન્ડન્ટના સુરતના નિવાસસ્થાને એસીબીની તપાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂનીહેલ્થ પરમિટ રિન્યુ કરવાના બદલામાં રૂ.1 હજારની લાંચ લેતા ઝડપાયેલા ભૂજના નશાબંધી વિભાગના સુપરિટેન્ડન્ટના સુરતના ઘરે એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એસીબીને તેમના ઘરમાં રૂ.1.66 લાખની કિંમતનો સંયુક્ત માલિકીનો સામાન અને રોકડા રૂ.10 હજાર મળી આવ્યા હતા. જોકે એસીબીની ટીમ તપાસ માટે પહોંચે તે પહેલા પરિવારે કેટલાક પોટલા સગેવગે કર્યા હોવાની ચર્ચાઓ ઉઠી હતી.

ભૂજના મનિષ રાજેન્દ્રપ્રસાદ શર્માએ દારૂની હેલ્થ પરમિટ રિન્યુ કરવા માટે ભૂજ નશાબંધી અને આબકારી વિભાગમાં અરજી કરી હતી. અરજી મંજૂર કરવા માટે ભૂજના નશાબંધી અને આબકારી વિભાગના સુપરિટેન્ડન્ટ નટવરલાલ દેવાણીએ રૂ.4 હજારની લાંચની માંગણી કરી હતી. જેથી મનિષભાઈએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને મંગળવારે એસીબીએ છટકુ ગોઠવીને મનિષ શર્મા પાસેથી લાંચ પેટે રૂ.1 હજાર લેતા તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીબીએ તેમની ઓફિસમાં તપાસ કરતા ડ્રોઅરમાંથી પણ બિનહિસાબી સાડા ત્રણ લાખ રોકડા મળી આવ્યા હતા. જેથી એસીબીએ તેની ધરપકડ કરી તેના ભૂજ અને સુરત ખાતેના ઘરે પણ તપાસ હાથ ધરી હતી. સુરતના અડાજણ હનીપાર્ક રોડ રીયલ ફ્લેટસ્ ખાતે આવેલા તેના ઘરે આખી રાત સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એસીબીની તપાસમાં રૂ.1.66 લાખનો સંયુક્ત માલિકીનો સરસામાન અને રોકડા રૂ.10 હજાર મળી આવ્યા હતા. જોકે એસીબી સુરતના ઘરે તપાસ કરવા પહોંચે તે પહેલા પરિવારના સભ્યોએ કેટલાક પોટલા ઘરેથી સગેવગે કર્યા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી.

તપાસ પહેલા કિંમતી સામાન સગેવગે કર્યો હોવાની ચર્ચા