• Gujarati News
  • ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં મુંબઇના 200 વેપારી આવશે

ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં મુંબઇના 200 વેપારી આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાખજોદ ખાતે આગામી 15મી ફેબ્રુઆરીના રોજ સુરત ડ્રીમ સીટી અને સુરત ડાયમંડ બુર્સના ખાત મુહૂર્ત સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમારોહમાં સુરતના સ્થાનિક વેપારીઓ ઉપરાંત મુંબઇ અને એન્ટવર્પ, બેલ્જીયમ, દુબઇના હીરાના અગ્રણી વેપારીઓ પણ હાજર રહેવાના છે. ખાસ કરીને મુંબઇ ખાતેથી કેટલાક અગ્રણી વેપારીઓ સ્પેશ્યલ ફ્લાઇટમાં સુરતમાં આવશે અને ત્યાર બાદ ફ્લાઇટમાં તેઓ પરત મુંબઇ જવા રવાના થશે.

સુરત ડ્રીમ સીટી અને સુરત ડાયમંડ બુર્સના ખાત મુહૂર્ત સમારોહને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે સ્થાનિક હીરા ઉદ્યોગકારો દ્વારા તનતોડ તૈયારીઓ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક વેપારી અગ્રણીઓની બેઠકોનો દૌર જારી છે ગુરૂવારે બપોરે વરાછા રોડ ડાયમંડ વર્લ્ડ ખાતે આવેલી સુરત ડાયમંડ બુર્સની ઓફીસ ખાતે વેપારીઓની બેઠક મળી હતી. બેઠકમાં આગંતુક મહેમાનોની બેઠક વ્યવસ્થાથી માંડીને તેમના ભોજનની અલાયદી વ્યવસ્થા કઇ રીતે કરવી તેની વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉદઘાટન સમારોગમાં મુંબઇથી અંદાજે 5 હજાર જેટલા વેપારીઓ આવવાના છે અને તેમાં પણ વિદેશથી આવતા અને મુંબઇના ટોચના જે 200 જેટલા વેપારીઓ છે તેઓ દ્વારા સ્પેશ્યલ ફ્લાઇટમાં સુરત આવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

ફ્લાઇટ સુરત એરપોર્ટ પર સવારે નવ વાગ્યા સુધીમાં પહોંચે એવુ આયોજન વેપારીઓએ કર્યું છે. સિવાયના મોટા ભાગના વેપારીઓ પોતાની કારમાં આવવાના છે અને તેઓ કાર્યક્રમ પુરો થયા બાદ બાય રોડ પરત મુંબઇ જશે.

ઉપરાંત મુંબઇ અને દિલ્હી ખાતેથી વિશ્વના જે દેશોમાંથી રફ ડાયમંડ મળે છે તે તમામ દેશના એમ્બેસેડર અને કોન્સ્યુલેટ જનરલ મળીને કુલ 10 જેટલા વી વીઆઇપી પણ આવવાના છે મોટા ભાગના તમામ ચાર્ટર પ્લેનમાં સુરત આવશે એવુ પ્લાનિંગ હાલમાં કરવામાં આવી રહ્યુ છે.

ક્લેક્ટર-પાલિકા કમિશનરની સાઈડની મુલાકાત

સુરત ડ્રીમસીટી અને સુરત ડાયમંડ બુર્સના ખાત મુહૂર્તનો સમારોહ ખજોદ ખાતે રાખવામાં આવ્યો છે. સ્થળ પર હાલમાં રોડ રસ્તા બનાવવા સહિત વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યા છે ગુરૂવારે સવારે ક્લેકટર ડો. રાજેન્દ્ર કુમાર અને પાલિકા કમિશનર મિલિંન્દ તોરવણે સહિત પાલિકાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.