• Gujarati News
  • સુરત જિલ્લામાં ડે.કલેક્ટરની 11 જગ્યા ખાલી, લોકોને ભારે હાલાકી

સુરત જિલ્લામાં ડે.કલેક્ટરની 11 જગ્યા ખાલી, લોકોને ભારે હાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લા કલેક્ટરાલયમાં ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓની તીવ્ર અછત પ્રવર્તી રહી છે.વહિવટમાં પુરતાં અધિકારીઓ વિના લાકડાની તલવારથી લડી રહેલા કલેક્ટરે સિટી પ્રાન્ત કચેરીને ત્રણ પ્રાન્ત કચેરીમાં વહેંચી નાખવા તેમજ મામલતદારોની જગ્યા ઉભી કરવાની દરખાસ્ત તૈયાર કરી છે પરંતુ વાસ્તવિકતા છે કે,સુરત જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટરની 11 જગ્યા અને મામલતદારની 16 જગ્યા ખાલી પડી છે.

સુરત શહેર અને જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટરની જે જગ્યાઓ હતી તેમાં જિલ્લાની વધેલી વસતિને ધ્યાનમાં રાખીને વહિવટ માટે ડેપ્યુટી કલેક્ટરની કુલ 19 જગ્યા ઉભી કરવામાં આવી હતી.જગ્યાઓ તો સરકારે મંજૂર કરી પરંતુ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની ફાળવણીમાં સરકાર દ્વારા સુરત જિલ્લાની ઉપેક્ષા કરતાં 11 ડેપ્યુટી કલેક્ટરની જગ્યાઓ હાલમાં ખાલી પડી છે.બીજી તરફ લોકો સાથે દરરોજ જે અધિકારીને વધારે કામ પડે છે તેવા મામલતદાર કક્ષાના અધિકારીની નિમણૂંક પણ ઘણાં સમયથી કરવામાં આવી નથી.સુરત જિલ્લામાં મામલતદારની કુલ 23 જગ્યાઓ મંજૂર થયેલી છે પરંતુ હાલમાં માત્ર સાત મામલતદારો ફરજ ઉપર હાજર છે.16 મામલતદારોની જગ્યાઓ નિમણૂંકના અભાવે ખાલી હોવાથી અન્ય મામલતદારોના માથે વધારાની જવાબદારી નીભાવવાનો વારો આવી રહ્યો છે.