• Gujarati News
  • ખાનગી એરલાઇન્સનું સુરત એરપોર્ટપર પહેલીવાર ‘લેન્ડિંગ’

ખાનગી એરલાઇન્સનું સુરત એરપોર્ટપર પહેલીવાર ‘લેન્ડિંગ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતએરપોર્ટ બન્યાને 7 વર્ષ થવા છતાં હજુ દેશના અન્ય શહેરો સાથેની સુરતની એરકનેક્ટિવિટી લગભગ શૂન્ય છે. દેશની ખાનગી એરલાઇન્સ સુરતથી ફલાઇટ શરૂ કરવામાં વાંધા-વચકા કરી રહી છે ત્યારે શહેરના ઉદ્યોગ સાહસિકોએ ગુજરાતના શહેરો સાથે જોડતી વિમાની સેવા શરૂ કરવાનું સાહસ કર્યું છે અને તે પૈકીનું પહેલું એરક્રાફટ મંગળવારે ધનતરેસના દિવસે સવારે 10.10 વાગ્યે સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ જશે.

સેસેના કેરેવાન કંપનીનું સી-2088 મોડલનું વિમાન 9 સીટરનું છે. જાહેર જનતા માટે વિમાની સેવાનો 1 ડિસેમ્બરથી પ્રારંભ થશે, પણ 23 ઓક્ટોબરથી ચાર્ટડ કરવું હશે તો વિમાન મળશે. મંગળવારે સવારે એરપોર્ટ પર ફલાઇટ આવશે ત્યારે તેના સ્વાગત માટે સ્વામી ધર્મવલભદાસના પ્રમુખ સ્થાને એક કાર્યક્રમ પણ યોજાશે.

વર્ષ 2007માં સુરત એરપોર્ટ બન્યું ત્યારથી અત્યાર સુધીમાં માત્ર બે ફલાઇટ ચાલે છે, તેમાં પણ સ્પાઇસ જેટે દિવાળીના સમયે મુંબઈ-સુરતની ફલાઇટ બંધ કરી દીધી છે. એરકનેક્ટિવિટી માટે 50 લાખની વસતિ ધરાવતા શહેરે રીતસરના વલખાં મારવા પડે છે. વાતને ધ્યાનમાં રાખીને શહેરના અગ્રણી હીરા ઉદ્યોગકારો ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સવજીભાઈ ધોળકિયા અને રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લવજી બાદશાહે ભેગા થઈને છએક મહિના પહેલા એક ખાનગી એરલાઇન્સ શરૂ કરી છે.

ચારેય સાહસિકોએ 9 સીટરના બે એરક્રાફટ, 4 સીટરનું 1 વિમાન અને 1 હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો હતો, જેમાંનું પહેલું વિમાન મંગળવારે ધનતરેસના દિવસે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે.