• Gujarati News
  • માર્કેટના હમાલોની દાદાગીરી સામે ટ્રાન્સપોર્ટરોની વીજળીક હડતાળ

માર્કેટના હમાલોની દાદાગીરી સામે ટ્રાન્સપોર્ટરોની વીજળીક હડતાળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હમાલ : પાર્સલ લાવ્યા છે તે લેવા પડશે

ટ્રાન્સપોર્ટરો : જગ્યા હશે તેટલા લેવાશે

બિઝનેસ રિપોર્ટર. સુરત

શહેરનાટેક્સટાઇલ ઉદ્યોગમાં તાજેતરમાં ઉત્તર પ્રદેશ અને બિહારની ખરીદી શરૂ થઇ છે અને મંદ પડેલા કારોબારને માંડ વેગ મળી રહ્યો છે ત્યારે ટ્રાન્સપોર્ટર અને હમાલો વચ્ચે બબાલ ઉભી થઇ છે. સીઝન શરૂ થવાના સમયે ટ્રાંન્સપોર્ટરોએ હમાલોની દાદાગીરી સામે હડતાળ જાહેર કરી દેતા ટેક્સટાઇલ ઉદ્યોગકારો પણ દોડતા થયા છે અને સમાધાનથી ઉકેલ લાવવામાં અંશત: સફળ રહ્યા છે.

ટેક્સટાઇલ માર્કેટ પાછળ ભાઠેના ભારત નગર ખાતે આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં રિંગરોડની ટેક્સટાઇલ માર્કેટોમાંથી ટેમ્પો અને હાથલારીવાળા સહિતના હમાલ પરપ્રાંતના સાડી ડ્રેસ મટિરિયલ્સના પાર્સલ લાવે છે. અત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ખરીદીની સીઝન શરૂ થઇ હોવાથી દર રોજ 800થી 1000 ટ્રક યુપી બિહાર તરફ રવાના થાય છે. પાર્સલોની આવક વધારે હોવાને કારણે ટ્રાન્સપોર્ટર ટ્રકમાં સમાય એટલો માલ લેવાનો આગ્રહ રાખે છે તો બીજી તરફ હમાલ પોતે પાર્સલ લાવ્યા છે એટલે લેવુ પડશે એવું કહીને દાદાગીરી કરતા થઇ ગયા છે. બુધવારે સાંજે ભારત નગર ખાતે આવેલા આર કે સીંગના આર કે ટ્રાન્સપોર્ટમાં કેટલાક હમાલ પાર્સલ લઇને આવ્યા હતા. આર કે સીંગના પુત્ર નીરજ સીંગે ગાડીઓ ફુલ હોવાથી આવતી કાલે પાર્સલ લાવવાનું કહેતા હમાલોએ તેની સાથે મારપીટ કરી હતી. હમાલોની દાદાગીરીને તાબે નહીં થવાનું નક્કી કરીને ટેક્સટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો.ના સભ્યોએ એકત્ર થઇને વીજળીક હડતાળનું એલાન આપી દીધું હતું તેમજ બુધવારે ભારત નગર ખાતેથી એક પણ ટ્રક રવાના કરવામાં આવી હતી. આર કે સીંગ સહિતના ટ્રાન્સપોર્ટર મોડી સાંજે ઉધના પોલીસ સ્ટેશન પર હમાલો વિરૂધ્ધ ફરિયાદ આપવા પહોંચી ગયા હતા. બીજી તરફ સીઝનના સમયે હમાલો અને ટ્રાન્સપોર્ટર આમને સામને આવી ગયાની જાણ થતા ટેક્સટાઇલ ઉદ્યોગકારો પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને સીઝનના સમયે કામ કાજ ખોરવાય તે માટે બન્ને પક્ષને સમજાવીને સમાધાનની ભુમિકા તૈયાર કરી મામલો ફરિયાદ સુધી પહોંચતો અટકાવ્યો હતો.

કયા મુદ્દે બબાલ

વસીમ પાર્સલની ગેંગથી ટ્રાન્સપોર્ટર પરેશાન

લિંબાયત,મીઠીખાડીવિસ્તારના હમાલોમા વસીમ પાર્સલની ટોળકીનો ત્રાસ વધારે હોવાનું ટ્રાન્સપોર્ટરોનું કહેવુ છે. જો આગામી દિવસોમાં મામલે યોગ્ય નીકાલ નહીં આવે તો ટ્રાન્સપોર્ટરો પણ લડી લેવાના મુડમાં છે.

^હમાલોની વધતી દાદાગીરી સામે લડત આપવા માટે ટેક્સટાઇલ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનની એક તાકિદની બેઠક ગુરૂવારે બપોરે બોલાવવામાં આવી છે. બેઠકમાં હમાલોની દાદાગીરીથી માંડીને અનેક સમસ્યાના નિરાકરણ સાથે નિર્ણય કરાશે. જો કે, આવતી કાલથી સંભવત: પાર્સલ પર પ્રાંતમાં ડિસ્પેચ કરવાની કાર્યવાહીનો પ્રારંભ થઇ જશે. > યુવરાજદેશલે, પ્રમુખ,સુરત ટેક્સટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો

આજે ટેક્સટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો.ની મિટિંગ